અમદાવાદઃ વડોદરાના હરણી તળાવમાં બાળકોનાં ડૂબી જવાના લીધે થયેલાં મોત મામલે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માથીની ખંડપીઠે વડોદરા મ્યુનિ. અને વડોદરાના મ્યુનિ. કમિશનરનો ઉધડો લીધો હતો. આ કેસમાં ખંડપીઠે વડોદરાના તત્કાલીન મ્યુનિ. કમિશનરને ડૂબી ગયેલાં 12 બાળકોનાં મોત માટે જવાબદાર ઠેરવ્યા છે.
વડોદરા મ્યુનિ. કમિશનરે ગુરુવારે રજૂ કરેલા સોગંદનામા સામે ખંડપીઠે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે જે સવાલોના ખુલાસા કરવા આદેશ કર્યો હતો તે મુજબનું સોગંદનામું ન હોવાથી ફટકાર લગાવી હતી અને અર્બન હાઉસિંગના પ્રિન્સિપાલ સેક્રેટરીને બે મહિનામાં તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા આદેશ કર્યો હતો. જ્યારે વડોદરાના તત્કાલીન મ્યુનિ. કમિશનર વિનોદ રાવ સામે તપાસનો પણ પ્રિન્સિપાલ સેક્રેટરીને આદેશ કર્યો હતો.
વડોદરા મ્યુનિ. તરફથી હરણી તળાવમાં બોટના કોન્ટ્રાક્ટ અંગે સોગંદનામું કરાયું હતું, જેની પર કોર્ટે એવી ટકોર કરી હતી કે, સોગંદનામું જોતાં સ્પષ્ટ થાય છે કે હરણી બોટનો કોન્ટ્રાક્ટ આપવાની કાર્યવાહીમાં જે કોઈ અધિકારીઓ સામેલ હતા તે તમામને નોકરીમાંથી બરતરફ કરવા પડશે.