ગાંધીનગરઃ ગુજરાતમાં વહીવંચા બારોટ સમાજ 1200થી વધુ વર્ષથી 100થી વધુ સમાજની વંશાવલીના ચોપડા સાચવે છે. આ વર્ષો જૂના ઇતિહાસનું ડિજિટલાઇઝેશન કરાશે. અખિલ ગુજરાત વહીવંચા બારોટ સમાજ સંઘના સંયોજક પંકજ બારોટના જણાવ્યા અનુસાર વહીવંચા બારોટ સમાજના 15 હજાર પરિવારોએ રાજ્યના વિવિધ સમાજની વંશાવલી લખવાનું કામ કરે છે. તેમની પાસે તમામ સમાજના ચોપડા આજે છે.
એપ્લિકેશન તૈયાર કરાશે
2 મહિનામાં સંઘ દ્વારા એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવશે અને તમામ વહીવંચાના ડેટાનું ડિજિટલાઇઝેશન કરાશે. ચોપડા સાચવનારા બારોટ સમાજની પ્રત્યેક વ્યક્તિને ટ્રેનિંગ અપાઈ હતી, જેના માટે આગામી દિવસમાં ઉત્તર ગુજરાતમાં ભવ્ય સંમેલનનું આયોજન કરાશે.
કેવી રીતે ડિજિટલાઇઝેશન કરાશે
આગામી મહિનામાં વહીવંચા સમાજ દ્વારા સંમેલનના આયોજન બાદ ચોપડા સાચવનારા પરિવારની પ્રત્યેક વ્યક્તિનો ડેટા અખિલ ગુજરાત બારોટ સમાજ સંઘની એપમાં ચઢાવાશે. આ કાર્યને સંપૂર્ણ રીતે પૂરું કરવામાં એકથી બે વર્ષનો સમય લાગશે. આ સાથે લુપ્ત થતી પરંપરાને બચાવવા પાઠ્યપુસ્તક મંડળમાં પણ વહીવંચા ઇતિહાસને સમાવવા અપીલ કરાશે.