નવી દિલ્હીઃ કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ મંત્રાલયના વાર્ષિક રિપોર્ટ અનુસાર જાન્યુઆરીથી માર્ચ 2022 વચ્ચે મહિલાઓ સાથે સંકળાયેલી 109 ફરિયાદ નોંધાઈ હતી, જ્યારે એપ્રિલથી ડિસેમ્બર વચ્ચે 372 ફરિયાદ મળી હતી. આમ એકલા 2022ના વર્ષમાં કુલ 481 ફરિયાદ મળી હતી. રિપોર્ટમાં જણાવાયું છે કે, એનઆરઆઇ સેલે ઘણા ગંભીર મુદ્દા જોયા છે. એનઆરઆઇ સેલ ભારત અને વિદેશ બંને જગ્યાએ મહિલાઓની એનઆરઆઇ લગ્નસંબંધિત બાબતોને જુએ છે. જેમાં સાસરિયાં તરફથી પાસપોર્ટ જપ્ત કરવો, પતિ ગુમ થવો કે અજ્ઞાત જગ્યાના કારણે મહિલાઓ વિદેશમાં પોતાના પતિને મળવામાં અસમર્થ હોવા જેવા મુદ્દા સામેલ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એનઆરઆઇ લગ્નોની જટિલતામાં ઘણીવાર કાયદાકીય અને નાણા સહાય, બાળકોની કસ્ટડી જેવા મુદ્દા, લાપતા જીવનસાથીના સ્થાન સહિતના મહત્ત્વના પડકારો સામેલ થાય છે. આ બાબતોના ઉકેલ માટે સરકારી વિભાગો વચ્ચે સહયોગનો આગ્રહ કરાયો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, એનઆરઆઇ સેલને મહિલાઓ તરફથી કુલ 481 ફરિયાદ મળી છે.