2024નો ખેલ: ‘જાવ, થાય તે કરી લો, અમે તો યુદ્ધ કરવાના...’

Wednesday 02nd October 2024 06:24 EDT
 
 

કહેવાયું તો એમ છે કે યુદ્ધસ્ય કથા રમ્યા! કોણે, ક્યારે આવું વિધાન કર્યું હશે? યુદ્ધ કઈ ગીલી-દંડા કે ક્રિકેટની રમત નથી કે સામસામા હોવા છતાં કોઈ , કોઈને માથામાં મારીને ઘાયલ નથી કરતું કે મારી નથી નાખતું. બે વિશ્વ યુદ્ધો, ધાર્મિક “કૃઝેડ”, આક્રમણો, ગૃહયુદ્ધો.. ગણતરી કરી શકાય તેવા આ કાતિલ સંઘર્ષો હતા. પોતાનું અસ્તિત્વ જાળવવા મોટી સેનાઓની સામે નાના-મોટા સમુદાયો લડ્યા. અનેકો મર્યા.
આજે તેમાં કોઈ બદલાવ આવ્યો નથી. એક અભ્યાસ મુજબ બીજા વિશ્વયુદ્ધના ભીષણ પરિણામ પછી જુદાજુદા દેશોએ બોધપાઠ લીધો હશે એવું અનુમાન હતું. યુદ્ધો અટકે તેને માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘ બનાવવામાં આવ્યો. મંત્રણા અને સરહદી શસ્ત્રવિરામના દરવાજા ખૂલ્યા. જેઓ અકારણ આક્રમણ કરે તેની સામે અનાજ, ઉદ્યોગ, વેપારના પ્રતિબંધો નક્કી થયા.
..પણ , ખરેખર શું થયું? પહેલા કરતાં બીજા વિશ્વ યુદ્ધ પછી કાતિલ જંગના કિસ્સા તો વધ્યા. સરહદો સળગી. મહાસત્તાઓ પણ નાદાર નીવડી. જવાબદારી તો તેમની હતી કે હવે લોહિયાળ યુદ્ધો કાયમને માટે માત્ર ભૂતકાળ બની જાય. પણ, એવું બન્યું નહિ. અનેક રાષ્ટ્રો સ્વતંત્ર તો થ્ય, પણ દીવાલો વધુ ઊંચી થઈ. માત્ર રાજકીય નહીં, આર્થિક અને સામાજિક ઉત્પાત વધી ગયો. હિરોશીમા નાગાસાકી પર અણુબોમ્બના અમેરિકાએ કરેલા અખતરાને યુરોપ-અમેરિકા ભક્તો વાજબી ઠેરવતા રહ્યા છે. પરંતુ એ કેવી દારુણ હત્યાઓ હતી? જુલાઇ, 1946 ના દિવસે જાપાન-જર્મનીનું મિત્ર દેશો સામેનું યુદ્ધ તો સમાપ્ત થઈ ચૂક્યું હતું, છતાં અણુ બોમ્બ ઝીકાયો. 41/2 ફૂટ પહોળો, 10.30 ફૂટ લાંબો, 1000 પાઉન્ડનો , ન્યુ મેક્સિકોની લેબોરેટરીમા નિર્મિત આ અણુ બોમ્બથી 78,000 લોકો મોતનો કોળિયો બન્યા, 37,000 ઘાયલ થયા, 13.000 નો કોઈ પત્તો ના મળ્યો, અને બીજા ઘણા શારીરિક રીતે રીબાતા રહ્યા. હિરોશીમા પરની એક ફિલ્મ બની તેનું સ્મરણ ઘણાને હશે. આપણાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી તેમના વિદેશ પ્રવાસ દરમિયાન આ હિરોશીમાની મુલાકાતે ગયા ત્યારે તેમણે એક કાવ્ય લખ્યું હતું, વિશ્વમાં જે સત્તાધીશોએ થયા, તેમાથી પશ્ચિમના ઈતિહાસકારો અને રાજકીય નેતાઓએ તો માત્ર એડોલ્ફ હિટલરને જ સૌથી મોટો ખલનાયક અને હત્યારો ચીતર્યો છે, હિટલરે પોતાની રીતે જર્મનીને અલગ રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો અને ફ્રાંસ, ઈંગ્લેન્ડ, રશિયા સામે આક્રમણ કર્યા, જાપાન અને ઈટાલીએ તેને ટેકો આપ્યો એ તો જગજાણીતી હકીકતો છે. તેમના સેનાપતિઓ સામે ન્યૂરેંબર્ગ મુક્દ્દ્માં ચાલ્યા, સજાઓ થઈ, જાપાન જર્મની બેઠા થઈ ના શકે તેવા વેરના વલામણા થયા. આમાં એક રહસ્ય એ પણ હતું કે જાપાન-જર્મની પાસે સિક્રેટ યુનિટ -731 નામે અત્યંત ખાનગી સૈનિકી રણનીતિ હતી, તે ફ્રાન્સના સેનાપતિઓને કોઈપણ ભોગે જોઈતી હતી. “બાયોલોજિકલ એન્ડ કેમિકલ વોર ફેર” ના સફળ પણ ખતરનાક સંશોધનનું આ રહસ્ય જાપાનની મુઠ્ઠીમાં હતું, અમેરિકાએ તો તેને મેળવી લેવા એક આખો વિભાગ ઊભો કરીને તેમાં વૈગ્નાનિકોને કામે લગાડી દેધા હતા. જાપાનમાં તે રહસ્યનો નાયક શીનો હતો, તેને મારી નાખવા ફ્રાંસ-ઈંગ્લેન્ડે આકાશ પાતાળ એક કર્યા. પણ નિષ્ફળ ગયા. છેવટના દિવસોમાં જાપાને રશિયા સાથે રહસ્ય આપવાની સમજૂતી એટલા માટે કરી કે જાપાનમાં પ્રિય , આઝાદ હિન્દ ફોજના ભારતીય ક્રાંતિકાર સુભાષ ચંદ્ર બોઝને તે બચાવવા માગતું હતું.
 રશિયાએ પોતાના અંદાજ પ્રમાણેના સામ્યવાદને સ્થાપિત કરવા માટે કરોડો રશિયનો, અને યહુદીઓને મોતને ઘાટ ઉતારી દીધા તેની શરૂઆત લેનિનના સમયે જ થઈ ગઈ હતી તે નરસંહાર અને જેલ-યાતનાની કરપીણ ઘટનાઓ માટે નોબલ વિજેતા એલેકઝાન્ડર સોલઝેનિત્સીનનિ બૃહદ નવલકથા “ગુલાગ આર્કિપિલેગો “ વાંચવી જોઈએ. જે નૃસંશ હત્યાઓ (અને તે પણ પોતાના નાગરિકોની) રશિયાએ કરી, તે જ કામ ચીને કર્યું. આજે પણ રશિયા અને ચીનમાં સત્તાનો વિરોધ કરે તો તેની નિયતિ- કાં મોત, કાં જેલ અથવા જલાવતન હોય છે.
આ સંદર્ભમાં આજના યુદ્ધનો નક્શો જાણવા જેવો છે. રોજ ખબર આવે છે કે રશિયાએ યુક્રેન પર ભયંકર હુમલો કર્યો, યુક્રેન પણ વળતો સખત જવાબ આપે છે. આજ સુધી સોવિયેત રશિયાની જમીન પર કોઈ બીજા દેશે સૈનિકી આક્રમણ કરીને કબજો જમાવ્યો હોય તેવું બીજા વિશ્વયુદ્ધ પછી બન્યું નથી. તેનાથી વિપરીત રશિયાએ હંગેરી, ચેકોસ્લોવેકિયા, પૉલેન્ડ અને યુક્રેન પર આક્રમણ કરીને તે દેશોમાં પોતાની સત્તાને સ્થાપિત કરી હતી. પછી તે દેશોમાં રશિયાની સામે પ્રજાકીય ચળવળો થઈ, લેક વાલેસા, વાકલાવ હાવેલ જેવા અનેકોએ તેનું નેતૃત્વ લીધું અને સ્વાધીન બન્યા. યુક્રેનનું પણ એવું જ થયું તે રશિયાને પસંદ પડતું નથી. નાટો દેશો અને અમેરિકાને યુક્રેનમાં સામ્યવાદી સત્તા આવે નહિ તેમાં વ્યૂહાત્મક રસ પણ છે એટ્લે તેને સૈનિકી મદદ કરે છે.
આ યુદ્ધમાં તબાહ થનારાઓની સંખ્યા ઓછી નહિ હોય. આપણાં માધ્યમોને ત્યાંથી પોતાની રીતે બહાર પાડવામાં આવતી માહિતીનો જ આધાર લેવો પડે છે. પણ મરનારા અને આર્થિક બરબાદીની સંખ્યા અનેક ગણી છે. એ સાચું કે રશિયાને અને યુક્રેનને યુદ્ધ કરવું ગમતું નથી. રશિયામાં તો યુદ્ધ બંધ કરવાના દેખાવો થવા માંડ્યા. સેનામાં પણ કશુંક રંધાઇ રહ્યું છે, તેનો કોળિયો પુટીન ના બને એવું “પુટીનીઝમ” પરવર્તી રહ્યું છે. યુદ્ધ બંધ થાય તે માટે ભારત, બ્રાઝીલ અને ચીન મધ્યસ્થી કરે તેવી વિચિત્ર ચાલ રશિયા તરફથી આવી છે. ઈઝરાયેલ તો ગાઝા પટ્ટી શીટ ઈઝરાયેલ-વિરોધી દેશોની તાકાતને ખતમ કરવામાં લાગી પડ્યું છે. યુદ્ધ નહિ બુદ્ધ એવું ભારત તરફથી વડાપ્રધાને સમજાવ્યું પણ આજની ઘડીએ તો સંયુક્ત રાષ્ટ્ર સંઘની શાંતિ પ્રસતાવની ઐસી કી તૈસી કરીને આ યુદ્ધ ગ્રસ્ત દેશોની માનસિકતા એવી લાગે છે કે જાવ, થાય તે કરી ળો, એ આ પરિસ્થિતિમાં શાંતિ મંત્રણા થાય તો તે મોટો ચમત્કાર ગણાશે. હા, પોતાનો સામરિક હેતુ પૂરો થાય ત્યારે ૐ શાંતિ, શાંતિનો ગુંજારવ શરૂ થાય તેવું બને!


comments powered by Disqus