નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે 24 સંસદીય સમિતિની રચના કરી છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધીને સંરક્ષણ બાબતોની સમિતિના સભ્ય બનાવાયા છે, જ્યારે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરને વિદેશી બાબતોની સમિતિનું અધ્યક્ષપદ સોંપાયું છે. સપા નેતા રામગોપાલ યાદવને સ્વાસ્થ્ય સમિતિના અધ્યક્ષ બનાવાયા છે. આ સિવાય ભાજપ સાંસદ રાધામોહન સિંહ સંરક્ષણ બાબતોની સમિતિના અધ્યક્ષપદે નિમાયા છે.
કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી સમિતિઓમાં સોનિયા ગાંધીને કોઈપણ સમિતિમાં સ્થાન અપાયું નથી. ભાજપ નેતા રાધામોહન દાસ અગ્રવાલને ગૃહ બાબતોની સંસદીય સમિતિના અધ્યક્ષ બનાવાયા છે. નાણાં બાબતોની સમિતિનું સુકાન ભાજપ સાંસદ ભર્તૃહરિ મહતાબને મળ્યું છે. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહને મહિલા, શિક્ષણ, યુવા અને રમત બાબતોની સંસદીય સમિતિની કમાન સોંપવામાં આવી છે.
ભાજપ સાંસદ નિશિકાંત દૂબે સંચાર અને આઇટી સમિતિના અધ્યક્ષ બનાવાયા છે, જ્યારે કંગના રનૌતને આ સમિતિમાં સભ્ય બનાવાઈ છે. રામાયણ સિરિયલમાં રામની ભૂમિકા ભજવનારા અરુણ ગોવિલ વિદેશી બાબતોની સમિતિના સભ્ય બનાવાયા છે. ભાજપ નેતા રમેશ રેલ બાબતોની સમિતિના અધ્યક્ષ નિયુક્ત થયા છે.