અર્વાચીન રાસની ઝાકઝમાળ વચ્ચે આજેપણ પ્રાચીન ગરબીનું મહત્ત્વ યથાવત્ છે. સૌરાષ્ટ્રમાં એકમાત્ર રાજકોટના મવડીચોક ખાતે થતો સળગતી ઇંઢોણીનો રાસ શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. આ રાસ માટે બાળાઓએ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. આ રાસની વિશેષતા એ છે કે, માત્ર 6 બાળા પોતાના માથે સળગતી ઇંઢોણી મૂકીને ગરબે ઘૂમે છે. એ વેળાએ આ બાળાઓમાં ખુદ મા દુર્ગાની પ્રચંડ શક્તિ સમાઈ હોય એવાં દૃશ્યો નિહાળવા મળે છે. આગનો સંગાથ અમુક ક્ષણ સુધી કરવો એ પણ ડરને જન્માવે છે, ત્યારે આ ગરબીમંડળની બાળાઓ સતત 20 મિનિટ સુધી આગને પોતાના મસ્તક પર ધારણ કરે છે.