ગાંધીનગરઃ ગુજરાતીઓ તેમના સૌથી પ્રિય તહેવાર એવા નવરાત્રીને લઈ ઉત્સાહમાં જ રહેતા હોય છે, ત્યારે શનિવારે રાજ્ય ગૃહમંત્રી દ્વારા આખી રાત્રી દરમિયાન ગરબાના આયોજનની જાહેરાત કરતાં ગરબારસિકો ઝૂમી ઊઠ્યા હતા.
ગુજરાતમાં ગરબા નહીં રમે તો ક્યાં રમશે
હર્ષ સંઘવીએ જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાતીઓ આ વર્ષે 10 દિવસ સુધી અને વહેલી સવાર સુધી ગરબા રમી શકશે. ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો ક્યાં જઈને રમશે! ઉપરાંત નવરાત્રીમાં સવાર સુધી કોઈપણ જાતની રોકટોક વગર ગરબા રમવાની બધાને છૂટ મળશે.
ખેલૈયા-વેપારીઓને ધ્યાને રાખી નિર્ણય
ગૃહમંત્રીએ જણાવ્યંુ હતંુ કે, નવરાત્રીમાં સૌ ખેલૈયા મા અંબાની ભક્તિમાં ભરપૂર રંગાઈ શકે અને મોડી રાત સુધી રમી શકે, ઉપરાંત નાના-મોટા ફેરિયા, દુકાનવાળા અને વેપારીઓ ધંધો કરી શકે તેને ધ્યાને લઈ આ નિર્ણય લેવાયો છે. આ માટે પોલીસને સૂચના પણ આપી દેવાઈ છે. આ ઉપરાંત આયોજકોને મારી વિનંતી છે કે, તે લોકો ડીજે અને બેન્ડનો અવાજ લોકો હેરાન ન થાય તેવો રાખે. ખેલૈયાઓ ગરબા રમી શકે તેને લઈ રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારી કરી દેવાઈ છે, આ સાથે લોકો પણ પોતાની ફરજ નિભાવે તે મહત્ત્વનું છે. નવરાત્રીમાં દિલથી મા અંબેની ભક્તિ કરી શકો તેવી શુભકામના.