ગોંડલઃ ગુજરાતમાં નકલી આઇએએસ અને આઇપીએસ બાદ અમદાવાદમાં યોજાયેલા રાજવી સંમેલનમાં એક નકલી યુવરાજ પણ સામેલ થયો હોવાનું સામે આવ્યું છે. ક્ષત્રિય સમાજના વિવિધ કાર્યકમોમાં ગોંડલ સ્ટેટના યુવરાજ તરીકે ઉપસ્થિત રહેલા યદુવેન્દ્રસિંહને ગોંડલના રાજવી હિમાંશુસિંહજીએ નકલી ગણાવતાં કહ્યું કે, ગોંડલ સ્ટેટના રાજવી પરિવારના નામનો ખોટો ઉપયોગ કરાયો હોઈ કાનૂની કાર્યવાહી વિચારાધીન છે.
યદુવેન્દ્રસિંહ નામની વ્યક્તિ ગોંડલ સ્ટેટના યુવરાજ તરીકે ઓળખ આપી સમારંભોમાં મહાલતી હોવાની વિગતો સામે આવતાં રાજવી પરિવારે આ વ્યક્તિને નકલી ગણાવી કોઈપણ જાતના સંબંધ નથી તેવી ચોખવટ કરી છે. ગોંડલ રાજ્યના એકમાત્ર યુવરાજ હિમાંશુસિહજી હતા, તેમનું રાજતિલક 8 માસ પહેલાં થતાં ગોંડલના રાજવી બન્યા છે. તેમણે લગ્ન જ નથી કર્યાં તો યુવરાજ ક્યાંથી? તેવો સવાલ ઊઠ્યો હતો.
રાજેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું કે, ધંધૂકામાં આસ્થા ફાઉન્ડેશન અને અમદાવાદમાં ઉમિયા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં તેમજ ગોતા ખાતે ક્ષત્રિય અસ્મિતા મંચના નેજા હેઠળ યોજાયેલા ક્ષત્રિય રાજવીઓના સંમેલનમાં યદુવેન્દ્રસિંહ જાડેજા પોતાની ઓળખ ગોંડલ સ્ટેટના યુવરાજ તરીકે આપી રહ્યાની વિગતો મળી છે. આ યદુવેન્દ્રસિંહે રાજવીઓના સંમેલનમાં ગોંડલ યુવરાજ તરીકે ઉદબોધન પણ આપ્યું હતું.
આ યદુવેન્દ્રસિંહના પરદાદાને ગોંડલ રાજ્યની નવ પેઢી પહેલાં મતલબ કે સર ભગવતસિંહજીથી પણ પહેલા વેજાગામ અને દાળિયા ગામનાં બે ગરાસ અપાયાં હતાં. એ સદીઓ પહેલાની વાત છે. હાલમાં યદુવેન્દ્રસિંહને ગોંડલ રાજવી પરિવાર સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી.