સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજિયોનલ કોઓપરેશન (સાર્ક)થી આજના ઘણા લોકો પરિચિત નહીં હોય પરંતુ ભારતીય ઉપખંડના આઠ દેશો વચ્ચે વેપાર અને આર્થિક સહકાર માટે 8 ડિસેમ્બર 1985ના રોજ આ સંગઠનની સ્થાપના કરાઇ હતી. જેમાં ભારત સહિત પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, માલદિવ્સ, નેપાળ અને શ્રીલંકા મળીને આઠ સભ્યદેશો હતાં અને તેનું મુખ્યમથક નેપાળના કાઠમંડુ ખાતે રાખવામાં આવ્યું હતું. છેલ્લે સાર્ક શિખર સંમેલનનું આયોજન વર્ષ 2014માં કાઠમંડુ ખાતે કરાયું ત્યારબાદ જાણે કે હવે તેનું અસ્તિત્વ જ રહ્યું નથી. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા ખાતે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસે પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરિફ સાથે મળીને સાર્કને પુનર્જિવિત કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતે જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને આગળ ધરીને સાર્ક સંગઠનને હાંસિયામાં ધકેલી દીધું છે તે સર્વવિદિત છે.
ભારત સ્પષ્ટ વાત કરી રહ્યો છે કે રાતના સમયમાં આતંકવાદને પ્રોત્સાહન અને દિવસે વેપાર અને સહકારના બેવડાં કાટલાં અમને સ્વીકાર્ય નથી. સાર્કને પુનર્જિવિત કરાય કે ન કરાય તેનાથી ભારતને કોઇ ફેર પડતો નથી. સાર્કને હાંસિયામાં ધકેલી દેવાયા બાદ એશિયામાં બ્રિક્સ અને ક્વાડ જેવા મજબૂત સંગઠનો અસ્તિત્વમાં આવ્યાં છે જેમાં ભારત એક મહત્વની ભુમિકા ભજવી રહ્યો છે. અગાઉ સાર્કના માધ્યમથી અવાજ ઉઠાવવાની ભારતને જરૂર પડતી હતી પરંતુ વર્તમાન સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના મંતવ્યને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અપનાવાઇ રહેલી વિદેશ નીતિમાં સાર્કનો એકડો ભૂંસી નાખવામાં આવ્યો છે અને સાર્ક વિના પણ ભારતને વૈશ્વિક મહાસત્તાઓ દ્વારા મહત્વ અપાઇ રહ્યું છે ત્યારે મૃતપાય બનેલા સંગઠનને બેઠું કરવાનો કોઇ અર્થ નથી.
નાદાર થઇ ગયેલા પાકિસ્તાનને હવે પાડોશી દેશો સાથે વેપાર કરવો છે. કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ બાદ ભારત સરકારે પાકિસ્તાન સાથેના વેપાર સંબંધોનો અંત આણી દેતાં તેની કમર તૂટી ગઇ છે. આજે તે કટોરો લઇને મીડલ ઇસ્ટના દેશો અને આંતરરાષ્ટ્રીય નાણા સંસ્થાનો પાસે ભીખ માગવા રઝળપાટ કરી રહ્યો છે. અત્યાર સુધી તો ચીનની સહાયથી કૂદાકૂદ કરી પરંતુ હવે ચીને પણ હાથ પાછા ખેંચવાનું શરૂ કરી દીધું છે. અમેરિકાએ તો પાકિસ્તાનને પંપાળવાનું બંધ કરી દીધાને ઘણા વર્ષો વીતી ગયાં છે. તેથી હવે પોતાનું પેટ પાળવા આસપાસના સાર્ક દેશોને અછોવાના કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભારત વિરોધી કટ્ટરવાદીઓના પ્રભાવ હેઠળ બાંગ્લાદેશના શાસકો પણ હવે પાકિસ્તાનના ખોળે બેસી રહ્યાં છે. પરંતુ સાર્કને પુનર્જિવિત કરવાથી બંને દેશને કોઇ લાભ થાય તેમ જણાતું નથી. ભારત બંનેમાંથી કોઇને ઘાસ નાખે તેમ નથી.