શુક્રવાર તા.૨૭ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ નવનાત વડીલ મંડળે શ્રાધ્ધ પક્ષ નિમિત્તે દિવંગત સ્વજનોના સ્મરણાર્થૈ સુમધુર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે ૩૦૦+ વડિલોએ ભાગ લીધો અને ૪૫ જેટલા દિવંગત સ્વજનોની તસવીરો મૂકી દીપ પ્રગટાવી ભાવાંજલિ જે-તેના સ્વજનોએ આપી હતી.
પૂર્વ પ્રમુખ શ્રી નલિનભાઇ ઉદાણીએ સૌનું હાર્દિક સ્વાગત કરતા જણાવ્યું કે, “તા.૨૯-૯-૧૩માં પ્રથમ સ્મરણાંજલિ કાર્યક્રમ યોજ્યો ત્યારથી સુંદર પ્રતિસાદ મળતાં હવે દર વર્ષે એની ઉજવણી કરી આપણી વચ્ચેથી વિદાય લીધેલ પુણ્યશાળી આત્માઓને યાદ કરી તેઓ જ્યાં પણ હોય ત્યાં સુખશાતા વાંચ્છીએ છીએ. પૂર્વજોના ઋણની આ પરંપરા અનુસરી એમના જીવનનો ઉત્સવ કરીએ..’’
કિચન કમિટીની બહેનોના હાથે બનાવેલ સ્વાદિષ્ટ રસોઇનો આસ્વાદ માણી ભક્તિરંગની જમાવટમાં સૌ ઓતપ્રોત બન્યાં.
મરીનાબહેન અને નીલેશભાઇએ મેલોડી એક્સપ્રેસ સાથે સુંદર ભજનો-ગીતો રજુ કરી પ્રભુભક્તિમાં સભાજનો અને દિવંગત પિતૃઓને પણ સામેલ કર્યા. સૌથી મોટો ધર્મ માનવતાનો છે એ ન્યાયે ‘મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરી’ ગીતથી પ્રારંભ કર્યો અને બૈજુ બાવરા ફિલ્મના ગીત ‘ઓ દુનિયાકે રખવાલે’થી સમાપન કરતા “તમારી યાદ નહિ ભૂલાય, દિવસો જાય, વર્ષો વીતે” થી સ્વર્ગસ્થ આત્માઓને ભવ્ય અંજલિ અર્પી.
આ કાર્યક્રમના કો-ઓર્ડીનેટર શ્રી નિતિનભાઇ સાવડીઆ, પૂર્ણિમાબહેન મેશ્વાણી અને કલ્પનાબહેન દોશીએ સારી એવી જહેમત ઉઠાવી હતી. અને સ્ટેજનું ડેકોરેશન તો હસ્મિતાબહેન દોશીની જ માસ્ટરી!
તાજેતરમાં જ વિદાય લીધેલ સુશીલાબહેન વિનોદરાય દોશી(વડિલ મઁડળના ચાહક)એ એમની ભાવના કુટુઁબીજનો સમક્ષ રજુ કરી હતી કે એમનાં પતિશ્રી વિનોદરાયની ૧૦૦મી બર્થડે નિમિત્તે નવનાત વડિલ મંડળને ૧૦૦૦ પાઉન્ડનું દાન આપવું. માતાની આજ્ઞા મુજબ એમના સુપુત્ર શ્રી જયંતભાઇ અને શ્રીમતી રશ્મિબહેન દોશી તેમજ દીકરી આરતીબહેને કુટુઁબ તરફથી દાન જાહેર કરી ખાસ હાજર રહી માતુશ્રીને અંજલિ આપી હતી.
છેલ્લે ચા-બિસ્કીટની લિજ્જત સહ સૌ વિખરાયાં.
વડિલ મંડળ તરફથી ૪ ઓક્ટોબરે નવરાત્રી રાસ-ગરબા, સવારના મનીષાબહેન વાલા યોગા કરાવશે. લંચ બાદ કનકબહેન ત્રિવેદી અને નીલેશભાઇ જૈન રાસ-ગરબા બપોરના ૨ વાગ્યાથી કરાવશે. એ દિવસે બેસ્ટ ડ્રેસ (ભાઇઓ અને બહેનો)ની હરિફાઇ થશે.
(તસવીર સૌજન્ય: મીનાબહેન સંઘાણી)