અમદાવાદઃ ઇન્કમટેક્સ વિભાગે પાનકાર્ડ કઢાવવા માટે આધાર નંબર ફરજિયાત બનાવ્યો છે. તાજેતરમાં કરવામાં આવેલા સુધારા મુજબ આધાર એનરોલમેન્ટ નંબરથી હવે પાનકાર્ડ નીકળી શકશે નહીં. આ સુધારો 1 ઓક્ટોબરથી અમલમાં આવ્યો છે. જીસીસીઆઇની ડાયરેક્ટ ટેક્સ કમિટીના ચેરમેન જૈનિક વકીલના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી કરદાતા આધારકાર્ડ માટે અરજી કરી હોય અને એ અરજીને આધારે ફાળવવામાં આવતાં એનરોલમેન્ટ નંબરથી પાનકાર્ડ કઢાવી શકતા હતા. સુધારા મુજબ હવે પાનકાર્ડ કઢાવવા માટે આધાર નંબર હશે તો જ અરજી કરી શકાશે.
કરચોરી અટકાવવા સુધારો કરાયો
ભૂતકાળમાં અનેક એવા કિસ્સા નોંધાયા હતા, જેમાં આધાર એનરોલમેન્ટ નંબરનો ઉપયોગ કરીને મોટાપાયે કરચોરી કરાતી હતી. આ ઉપરાંત ડુપ્લિકેટ પાનકાર્ડની પણ સમસ્યા હતી. આવા કાર્ડનો દુરુપયોગ કરી ટેક્સની ચોરી કરાતી હતી. ઇન્કમટેક્સ વિભાગે હવે આ છટકબારી બંધ કરવાનું નક્કી કર્યું હોવાથી કરચોરી સામેની ઝુંબેશમાં સફળતા મળશે.