અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતી ત્રણ દિવસની મુલાકાત બાદ તુરંત જ પાકિસ્તાનથી માત્ર 130 કિ.મી. દૂર આવેલા ઉત્તર ગુજરાતના ડીસામાં બનનારા નવા એરફોર્સ સ્ટેશનની કામગીરીનો પ્રારંભ કરી દેવાયો છે. ભારતીય સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે ડીસા એરબેસ પર રનવેનો સરવે કર્યો હતો, જેને ઓબ્સ્ટેકલ લિમિટેશન સરફેસ (OLS) કહેવામાં આવે છે.
સરવેની આ કામગીરી ભારતીય સંરક્ષણ મંત્રાલય દ્વારા સિંગાપોરની એક ખાનગી કંપનીને સોંપાઈ છે. તે અંતર્ગત સિંગાપોરથી DA62 પ્રકારનું ટચૂકડું વિમાન અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યું હતું. આવા ખાસ પ્રકારના સરવે વિદેશી કંપનીઓ દ્વારા જ કરાય છે, જેમાં પાઇલટ પણ એકદમ સક્ષમ અને ફ્લાઈંગનો બહોળો અનુભવ ધરાવતા હોય છે. તેનું કારણ એ છે કે, વિમાનની મદદથી સરવે કરતી વખતે આડુંઅવળું અને ઊંચું નીચું લઈ કેલેબ્રેશન કરવામાં આવે છે. હવે આ સરવેનો રિપોર્ટ સંરક્ષણ મંત્રાલયને સોંપાશે. જેના દ્વારા આખા એરપોર્ટનો એક નકશો તૈયાર કરાશે અને ત્યારબાદ તબક્કાવાર કામગીરી શરૂ કરાશે.
ડીસામાં નવું એરફોર્સ સ્ટેશન સ્થપાતાં પાકિસ્તાન સીમાની સુરક્ષા વધુ સટિક બનશે.