ઢાકાઃ હિન્દુ સમુદાયનો સૌથી મોટો દુર્ગાપૂજાનો ઉત્સવ નજીક આવી રહ્યો છે, ત્યારે બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય માટે ચિંતા વધી ગઈ છે. કટ્ટરવાદી ઇસ્લામિક સંગઠનોએ હિન્દુ સમુદાયને દુર્ગાપૂજાની જાહેરમાં ઉજવણી કરવા સામે ચેતવણી આપી છે. આ સાથે કહ્યું હતું કે, દુર્ગાપૂજા દરમિયાન દેશવ્યાપી સ્તરે રજા ન મળવી જોઈએ.
તાજેતરમાં જ કટ્ટરવાદી સંગઠનોએ ઢાકાના સેક્ટર-13માં એક માર્ચનું આયોજન કર્યું હતું અને અહીંના મેદાનમાં દુર્ગાપૂજાના આયોજન સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. હિન્દુ સમુદાય વર્ષોથી આ સ્થાને સાર્વજનિક દુર્ગાપૂજા મહોત્સવનું આયોજન કરતો રહ્યો છે. ઇન્સાફ કીમકારી છાત્ર-જનતા નામક કટ્ટરવાદી સંગઠને બાંગ્લા ભાષામાં લખાયેલા પ્લેકાર્ડ સાથે પ્રદર્શન કર્યુ હતું. આ પ્લેકાર્ડમાં લખાયું હતું કે, રસ્તા બંધ કરીને ક્યાંય પૂજા નહીં થાય, મૂર્તિવિસર્જન દ્વારા પાણીને પ્રદૂષિત ન કરો, મૂર્તિ પૂજા નહીં થાય. આ સંગઠને પોતાની 16 મુદ્દાની માગ પણ રજૂ કરી હતી, જેમાં જાહેરમાં ઉત્સવની ઉજવણી અને મૂર્તિવિસર્જન સામે નિયંત્રણ લાદવાની માગ સામેલ છે.
લઘુમતીઓ દ્વારા રાજકીય પ્રતિનિધિત્વ માટે દોડ
બાંગ્લાદેશમાં અસ્થિરતા અને ભયનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે, તેવા તબક્કે હિન્દુ સમુદાયના નેતાઓ એક હિન્દુ સમર્પિત રાજકીય પક્ષની રચના કરવાની તરફદારી કરી રહ્યા છે. તેઓ વિચારી રહ્યા છે કે હિન્દુ અધિકારોની સુરક્ષા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા હિન્દુ રાજકીય પ્રતિનિધિત્વની તાકીદની જરૂર છે.
હિન્દુ જૂથો એક અલગ રાજકીય પક્ષની રચના કે પછી અનામત સંસદીય બેઠકોની માગણી માટે જોરશોરથી વિચારણા કરી રહ્યા છે. બાંગ્લાદેશ હિન્દુ-બુદ્ધિસ્ટ-ખ્રિસ્તી એકતા પરિષદ સાથે સંબંધ ધરાવતા હિન્દુ નેતાઓ અને અન્ય જૂથો નવા રાજકીય પક્ષની રચના કે પછી સંસદીય અનામત બેઠકોની માગણી માટે સક્રિયતાપૂર્વક વિચારી રહ્યા છે. બીએચબીસીઓપીનાં સભ્ય કાજલ દેબનાથે જણાવ્યું કે, ‘ત્રણ વિકલ્પો વિશે વિસ્તારપૂર્વક વિચારણા ચાલી રહી છે.’