તાજેતરમાં એપલ કંપની દ્વારા આઇફોન-16 બજારમાં મૂકાયો. ભારતમાં પહેલા જ દિવસે એપલ સ્ટોર્સ પર વહેલી સવારથી લાંબી કતારો જોવા મળી. કેટલાંકે તો પરોઢથી જ એપલ સ્ટોર્સની બહારની કતારોમાં ધામા નાખ્યાં હતાં. જેમાં મોટી સંખ્યામાં યુવાઓનો સમાવેશ થતો હતો. એક મોંઘાદાટ સ્માર્ટ ફોનની ખરીદી માટેની આ ઘેલછાએ સ્પષ્ટ કરી દીધું છે કે કળિયુગની સાથે ભૌતિકવાદ પણ ચરમ પર પહોંચી ગયો છે.
અગાઉ આપણા વડવાઓ કહેતાં કે દેવુ કરીને ઘી પીવાય નહીં. પરંતુ 21મી સદીની યુવાપેઢીને તો જાણે કે દેવુ કરીને ઘી પીવાની આદત જ પડી ગઇ છે. બેન્કો દ્વારા કરાતા ધીરાણ, ક્રેડિટ કાર્ડ, કંપનીઓ દ્વારા ઇએમઆઇની સુવિધા જાણે કે આ આદતને દિન-પ્રતિદિન વકરાવી રહી છે.
એક ડેબ્ટ રિઝોલ્યૂશન પ્લેટફોર્મના દાવા અનુસાર 33થી 40 ટકા ભારતીય યુવાઓ આજે દેવાના જંગી બોજ તળે દટાયેલાં છે. આ પ્લેટફોર્મનો સરેરાશ ક્લાયન્ટ રૂપિયા 5,60,000ની 6 જેટલી લોન ધરાવે છે. અગાઉની પેઢી બચતને વધુ પ્રાધાન્ય આપતી અને અનિવાર્ય વસ્તુઓ માટે જ ખર્ચ કરતી અને તે પણ જ્યારે તેના ખિસ્સાને પોસાય ત્યારે. પરંતુ આજની યુવાપેઢીને ભૌતિકતાના દરેક સાધન હાથવગાં જોઇએ છે. દેખાદેખી પણ આ દુષણનું પુરક પરિબળ છે. આજે તમને ભારતના શહેરોમાં ભાગ્યે જ કોઇ યુવાન સાઇકલ લઇને ફરતો દેખાશે. સોસાયટી કે પોળના નાકે જવા માટે પણ તેને મોંઘીદાટ મોટરસાઇકલની જરૂર પડે છે. બીજીતરફ સહેલાઇથી મળતા ધીરાણો આ આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યાં છે. ભારતમાં જાણે કે લેન્ડિંગ બૂમ ચાલી રહ્યું છે. જેની સામે પરિવારોની બચતો સાવ તળિયે પહોંચી છે.
ભારતની રિઝર્વ બેન્કે તાજેતરમાં જ ચેતવણી ઉચ્ચારી છે કે કોરોના મહામારી બાદ બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓ દ્વારા ધીરાણની લહાણી થઇ રહી છે. આ ધીરાણોમાં સૌથી મોટો હિસ્સો ભારતમાં નવા ઉભરી રહેલા મધ્યમવર્ગનો છે. જેના કારણે દેશના પરિવારોના દેવામાં વધારો થઇ રહ્યો છે. રિઝર્વ બેન્કના અંદાજ પ્રમાણે ભારતીય પરિવારોનું દેવુ દેશના જીડીપીના 40 ટકાને આંબી ગયું છે.
બીજીતરફ ભારતીય યુવાપેઢીમાં રાતોરાત અમીર થવાની ઘેલછા પણ માઝા મૂકી રહી છે. હાલ ભારતીય શેરબજાર છલાંગો ભરી રહ્યું છે, તેજીના ઉન્માદમાં દેશના કરોડો લોકો શેર-સટ્ટાના રવાડે ચડ્યાં છે જેના કારણે શેરબજાર જાણે કે એક જુગારખાનુ હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે. બજારના એફએન્ડઓમાં કરોડો ભારતીય ખુવાર થઇ રહ્યાં હોવાના આંકડા નિયંત્રક સંસ્થા સેબી દ્વારા તાજેતરમાં જ જાહેર કરાયાં છે. લાખના બારહજાર થતાં હોવા છતાં હાર્યો જુગારી બમણું રમે તેમ આજની યુવાપેઢીને ફ્યુચર એન્ડ ઓપ્શનમાં સટ્ટો લગાવવાની લત લાગી છે. સેબીના આંકડા અનુસાર ઇક્વિટી એફ એન્ડ ઓમાં 2022થી 2024ના બે વર્ષના ટૂંકાગાળામાં 93 ટકા એટલે કે 1.13 કરોડ વ્યક્તિગત ટ્રેડર્સે જંગી નુકસાન વેઠ્યું છે. છેલ્લા 3 વર્ષમાં તેમના નુકસાનનો આંકડો 1.8 લાખ કરોડ પર પહોંચી ગયો છે.
શેરબજારમાં નુકસાનના કારણે પણ ઘણા દેવુ કરી રહ્યાં છે અને આજે નહીં તો કાલે જીતીશુંના આશાવાદ પર પોતાના ભાવિનું નખ્ખોદ વાળી રહ્યાં છે. અગાઉની પેઢી ચાદર હોય તેટલા જ પગ પહોળા કરતી પરંતુ આજની પેઢીને કાલની ફિકર નથી. તે દેવુ કરીને પણ પોતાની આજને સુખી અને સમૃદ્ધ બનાવવા માગે છે. પરંતુ જ્યારે તેમની તમામ યોજનાઓ નિષ્ફળ જાય છે અને દેવાના ગંજ ખડકાય છે ત્યારે આખાને આખા પરિવાર આત્મહત્યા કરતાં ખચકાતાં નથી. ગુજરાત સહિત ભારતના અખબારોમાં દર આંતરા દિવસે દેવાના કારણે આત્મહત્યા કરનારા વ્યક્તિગતો કે પરિવારોના સમાચારો ચમકતા રહે છે.
આજની યુવા પેઢીને કોણ સમજાવશે કે દેવુ કરીને કોઇ સુખી થયું નથી. બેન્કો, ફાઇનાન્સ કંપનીઓને તો તેમના પોર્ટફોલિયો ચમકાવવાના હોય છે તેથી નીતનવી સ્કીમ સાથે ધીરાણ લેવા માટે આકર્ષતાં જ રહે છે પરંતુ માનસિક શાંતિ સાથે જીવન વીતાવવા આજની યુવાપેઢીએ દેવાના ચક્કરમાંથી મુક્ત રહીને યોગ્ય ફાઇનાન્સ મેનેજમેન્ટ કરતાં શીખવું પડશે. તેના સિવાય આ પેઢીને ડૂબતી કોઇ બચાવી શકશે નહીં.