મોતિયાની સર્જરી બાદ 10ને અંધાપો, 3 ગંભીર

Wednesday 02nd October 2024 05:16 EDT
 
 

જસદણઃ રાજકોટ જિલ્લાના જસદણના વિરનગર ખાતેની શિવાનંદ મિશન આંખની હોસ્પિટલમાં 40 દર્દીનાં મોતિયાનાં ઓપરેશન કરવામાં આવ્યાં હતાં, જે પૈકી 10 દર્દીને અંધાપાની અસર થતાં દોડધામ થઈ પડી હતી. જો કે તેમને સ્થાનિક સ્તરે જ સારવાર આપી દેવાતાં 7 દર્દીની સ્થિતિમાં સુધારો થઈ ગયો છે, જ્યારે 3 દર્દીની હાલત નાજુક હોવાથી તેમને અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે.
ઘટનાને પગલે રાજકોટ-ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક હોસ્પિટલે દોડી આવી હતી અને હોસ્પિટલને સીલ કરી દેવાઈ હતી. અંધાપો આવવાનું પ્રાથમિક તારણ ઇન્ફેક્શન લાગ્યું હોવાનું સામે આવી રહ્યું છે, જેની તલસ્પર્શી તપાસ હાથ ધરાયા બાદ સાચું કારણ બહાર આવશે. અંધાપાની અસરના પગલે દર્દીઓના પરિવારજનોમાં ભારે હોબાળો મચી ગયો હતો. વિરનગરની આંખની હોસ્પિટલમાં ઓપરેશન બાદ 10 દર્દીમાંથી 7 દર્દીને રિકવરી આવી જતાં તબીબો, ટ્રસ્ટીઓ તેમજ આરોગ્ય ટીમને આંશિક હાશકારો થયો હતો.


comments powered by Disqus