યુરોપના પ્રવાસે ભારતથી આવેલ ૪૦૦ યાત્રિકોના જૈન સંઘની યાત્રાનો શુભારંભ લેસ્ટર-લંડન દેરાસરોના દર્શનથી..

-જ્યોત્સ્ના શાહ Tuesday 01st October 2024 09:15 EDT
 
લેસ્ટર દેરાસરના શણગારની તસવીર 
 

જૈન સમાજ યુરોપ, લેસ્ટરનું જૈન દહેરાસર યાત્રિકો અને પ્રવાસીઓનું આકર્ષણ છે.
સામાન્ય રીતે આપણે વિદેશથી જૈનો હોય કે હિન્દુઓ..તીર્થયાત્રા માટે ભારત જઇએ. કારણ એ આપણા ધર્મોનું ઉદ્ગમ સ્થળ છે. ત્યાંની પવિત્ર ભૂમિનો મહિમા છે. પરંતુ ગંગા ઉલટી પણ વહે!! આ મહિને ભારતથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ યુરોપના પ્રવાસે આવ્યા અને તેમના પ્રવાસનો આરંભ લેસ્ટરના જૈન દેરાસરથી કર્યો. એ પણ એક સાથે ૪૦૦ જૈન પ્રવાસીઓ જેમાં મારવાડી સંઘ, દક્ષિણ ભારતના ચેન્નાઇ, હૈદ્રાબાદ, બેંગ્લોર, મુંબઇ, પૂના વગેરે વિવિધ રાજ્યોમાંથી પ્રવાસીઓનો વિશાળ સમૂહ હતો. એ એક સિમાચિહ્ન કહેવું સયોગ્ય છે.
આ પ્રસંગે લેસ્ટર જૈન સંઘના પૂર્વ પ્રેસિડેન્ટ સ્મિતાબહેન, હાલ ઇન્ટરફેઇથના એડવાઇઝરે ગુજરાત સમાચાર’ ‘એશિયન વોઇસ’ના પ્રતિનિધિને માહિતી આપતાં જણાવ્યું કે,
“આ દિવસ લેસ્ટરના જૈન સંઘ માટે અતિ આનંદ અને ગૌરવનો રહ્યો. મહેમાનોના આવકાર માટે સૌ કોઇ થનગની રહ્યાં હતાં. દેરાસરને ખૂબ જ સરસ રીતે શણગાર્યું હતું. પ્રમુખ શ્રીમતી ઊષાબહેન, ટ્રસ્ટીઓ, કમિટી સભ્યો અને લેસ્ટરના જૈન સંઘે અતિથિઓનું ભાવભીનું સ્વાગત કરી વાજતે-ગાજતે દેરાસરમાં પ્રવેશ કરાવ્યો.
આ પ્રસંગે ભારતથી તપોવનના વડા શ્રી લલિતભાઇ ધામી અને લંડન પોટર્સબારના ધર્મ ગુરૂ જયેશભાઇ શાહ(અગાઉ લેસ્ટરના) તથા લેસ્ટરના હાલના ધર્મગુરુ હિતેશભાઇ એમ ત્રણ ગુરૂઓનો ત્રિવેણી સંગમ થયો.
બીજો ત્રવેણી સંગમ દેરાસરના મૂળ નાયક ૧૬મા તીર્થંકર શાંતિનાથ અને એજ ભગવાનની ચાંદીની પ્રતિમા ભારતથી લઇને આવેલ સંઘ તેમજ લેસ્ટર અને લંડનના કોલીન્ડલ દેરાસરના દ્રષ્ટા સ્વ. ડો. નટુભાઇ શાહના જન્મ દિનની તારીખ પણ ૧૬ …..
૧૬ સપ્ટેમ્બરના રોજ ૪૦૦ ભાવિકો જૈનોના ભગવાન શાંતિનાથ સાથે ૧૩મા તીર્થંકર ભગવાન વિમલનાથજીની પ્રતિમા લાવ્યા અને ઊંચા ભાવે એની પ્રતિષ્ઠા લેસ્ટરના દેરાસરમાં ભક્તિસભર વાતાવરણમાં કરી. જૈન સમાજ, લેસ્ટરના પ્રેસિડેન્ટ શ્રીમતી ઉષાબહેન શાહ અને સેક્રેટરી વિરલ ડગલીના કરકમળમાં આ પ્રતિમાઓ વાજતે-ગાજતે દેરાસરમાં લવાઇ અને રંગેચંગે પ્રતિષ્ઠિત કરાઇ. મહેમાનોનું ભાવભીનું સ્વાગત, પ્રતિષ્ઠા અને સત્સંગ બાદ જૈન ભોજનની વ્યવસ્થા સહિતના કાર્યક્રમથી મહેમાનો પ્રભાવિત થઇ ગયા.
એ જ દિવસે મોડી સાંજે લેસ્ટરથી લંડન શહેર ફરતા-ફરતાં લંડનના કોલીન્ડલ ખાતેના જૈન નેટવર્કના નૂતન જીનાલયની મુલાકાત પ્રવાસીઓએ લીધી. લંડનમાં પણ ટ્રસ્ટીઓ, કમિટી સભ્યો અને સંઘ આતિથ્ય સત્કાર માટે સજ્જ હતો. ઢોલના તાલે, તાળીઓના નાદે મહેમાનોનું સ્વાગત કરાયું. દેરાસરમાં આરતી, મંગળ દીવો કરી સત્સંગ તેમજ અલ્પાહાર સહ સૌ મીઠી સ્મૃતિઓ વાગોળતા, યજમાનોની મહેમાનગતિ વખાણતાં નીકળ્યાં ત્યારે સૌના મુખમાં એક જ વાત હતી કે,
‘પરદેશની ધરતી પર આવા સરસ જીનાલયો અને ધર્મની આરાધના આટલી સુંદર રીતે થાય છે અને તે પણ જૈનોના ચારેય ફિરકા સાથે મળી કરી રહ્યા છે તે અનુમોદનીય છે. અહિંનું વાતાવરણ સાચે જ પ્રેરક છે. ભારતના જૈનોએ તમારી પાસેથી શીખવા જેવું છે…’ એવો સુર અતિથિઓનો હતો.


comments powered by Disqus