અમદાવાદઃ રાજ્યભરમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે, ત્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય-ઉત્તર ગુજરાતને મેઘરાજાએ પાછોતરા વરસાદથી તરબોળ કરી દીધા છે. 25 સપ્ટેમ્બરે બુધવારે રાતથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિવિધ પ્રાંતમાં તબક્કાવાર વરસાદ વરસ્યો હતો.
સૌરાષ્ટ્ર
બુધવારે રાત્રે ભાવનગરના મહુવામાં મેઘો ઘેરાયો હતો અને ભારે પવન અને વીજળીના કડાકાભડાકા સાથે અનરાધાર વરસાદ વરસતાં ઠેરઠેર પાણી ભરાયુંં હતું. આ સાથે ભાવનગરના ઘોઘા અને સિહોર પંથકમાં પણ બે ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે ભાવનગર શહેર અને મહુવામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. માલેશ્રી નદીમાં પૂર આવતાં તામિલનાડુથી ગુજરાતમાં યાત્રાએ આવનારા 29 મુસાફર ભરેલી બસ પાણીમાં ફસાઈ ગઈ હતી, જેમાંથી તમામ યાત્રિકોનું રેસ્ક્યૂ કરાયું હતું. અમરેલીના લીલીયામાં ભારે વરસાદના કારણે નાવલી નદીમાં પૂર આવ્યું હતું. વડિયાની ઊજળા ગામની કમોત્રી નદીમાં પૂર આવતાં 6થી 7 ગાયો તણાઈ હતી. જૂનાગઢમાં ગિરનાર પર ધોધમાર વરસાદથી શહેરમાં પૂર આવ્યું હતું.
મધ્ય ગુજરાત
વડોદરામાં પૂરના 34 દિવસ પછી રવિવારે ફરી પાંચ ઈંચ વરસાદ તૂટી પડ્યો હતો. આ સ્થિતિના પગલે હરણીમાં 50થી વધુ પરિવારે હિજરત કરવી પડી હતી. રવિવારે ભારે વરસાદને કારણે આજવા રોડ અને વાઘોડિયા રોડની 315 સોસાયટીમાં પાણી ફરી વળ્યું હતું. પ્રતાપનગરના દત્તનગરમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં તરાપા ફરતા થયા હતા.
ઉત્તર ગુજરાત
આ દરમિયાન પાલનપુર અને ડીસામાં પણ ભારે વરસાદ પડ્યો હતો. ભારે પવન અને વીજળીના કડાકાભડાકા વચ્ચે ભારે વિસ્તારથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. આ સ્થિતિમાં અનેક વિસ્તારનાં ખેતરોમાં તૈયાર થઈને ઊભેલા પાક પર પાણી ફરી વળતાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.
દક્ષિણ ગુજરાત
સુરતમાં શનિવારે વરસાદના કારણે કોઝવે ઓવર ટોપિંગના કારણે 7 રસ્તા બંધ થયા હતા, જેમાં માંડવીમાં 6 અને માંગરોળમાં 1 રસ્તો બંધ થયા હતા. સુરત જિલ્લામાં સરેરાશ 43.03 એમએમ વરસાદ વરસ્યો હતો. નીચાણવાળા વિસ્તારોના લોકોને કિનારાથી દૂર રહેવા સૂચના અપાઈ હતી.
કચ્છ
કચ્છમાં પણ વરસાદે પોતાની હાજરી પુરાવી. રાપરમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. જિલ્લાના છ તાલુકામાં ગાજવીજ સાથે ઝાપટાં વરસતાં અનેક સ્થળે પાણી ભરાયાં હતાં.. નખત્રાણાના વિથોણ, દેવપર (યક્ષ) સહિત અન્ય ગામો, અબડાસા તાલુકાના મોથાળા, આદિપુર, ગાંધીધામ, કંડલા, અંજાર, દુધઈમાં જોરદાર ઝાપટાં પડ્યાં હતાં.
રાજ્યભરમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે, ત્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય-ઉત્તર ગુજરાતને મેઘરાજાએ પાછોતરા વરસાદથી તરબોળ કરી દીધા છે. 25 સપ્ટેમ્બરે બુધવારે રાતથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિવિધ પ્રાંતમાં તબક્કાવાર વરસાદ વરસ્યો હતો.