નવી દિલ્હીઃ લદ્દાખ વિવાદ ઉકેલવા માટે ભારત અને ચીન વચ્ચે કૂટનીતિક સ્તરે કવાયતે વેગ પકડ્યો છે. રશિયાના કઝાનમાં 22થી 24 ઓક્ટોબર સુધી યોજાનારી બ્રિક્સની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત માટે કૂટનીતિક તૈયારી ચાલી રહી છે. સૂત્રોના કહેવા પ્રમાણે બંને નેતા એલએસી પર તણાવ ઘટાડવાના પ્રયાસો કરી રહ્યા છે.
બ્રિક્સ શિખર મંત્રણામાં મોદી અને શી જિનપિંગ વચ્ચે સાહજિકતા જળવાય તેવું રશિયા પણ ઇચ્છે છે. આ માટે એસ. જયશંકર અને અજિત ડોભાલની ચીનના વિદેશમંત્રી સાથે અનેક વાર વાતચીત થઈ છે.
ચીને પણ વિવાદની 4 બાબતે ડિસએન્ગેજમેન્ટ અને 2 મુદ્દે થોડી સંમતિ રાખવા વાત કરી છે.
75 ટકા વિવાદોનું સમાધાનઃ જયશંકર
પૂર્વ લદ્દાખમાં સૈન્ય તહેનાત હોય તેવા બે વિસ્તાર વધ્યા છે. ગલવાન અને પેંગોંગ ત્યો સહિત ચાર ફ્રિક્શન પોઇન્ટ્સ પર તહેનાતીનો ઉકેલ આવી ગયો છે. ડીબીઓ (દોલત બેગ ઓલ્ડી)ના બોટલ નેક વિસ્તારમાં ચીની સેનાની હાજરીના કારણે પેટ્રોલ પોઇન્ટ 10, 11, 12 અને 13ના વિસ્તારોમાં પેટ્રોલિંગને અડચણ થાય છે. બંને સેના પેટ્રોલિંગ માટે નવી પદ્ધતિ માટે સહમત થાય તેવી શક્યતા છે.
યુક્રેન યુદ્ધમાં બ્રિક્સ મહત્ત્વનું બની શકે છે
એસસીઓ અને બ્રિક્સની બેઠક મુદ્દે રશિયા પણ ઘણું આતુર છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત, બ્રાઝિલ અને ચીનને શાંતિ ફોર્મ્યુલા તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવવા રજૂઆત કરી ચૂક્યા છે. બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં 18-19 નવેમ્બરે જી-20 શિખર બેઠક પણ આ જ કારણે મહત્ત્વની મનાઈ રહી છે.