ગાંધીનગરઃ વકફ સુધારા વિધેયક-2024ને લઈને રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિએ અમદાવાદની મુલાકાત લીધી હતી અને રાજ્ય સરકાર ઉપરાંત લઘુમતી સમુદાય અને અન્ય સંબંધિત લોકો સાથે આ સુધારા વિધેયકને લઈ ચર્ચા કરી હતી. ભાજપના સાંસદ જગદંબિકા પાલની અધ્યક્ષતામાં અમદાવાદમાં શુક્રવારે મળેલી બેઠકમાં હાજર રહેલા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને એઆઇએમઆઇએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસી વચ્ચે અમુક મુદ્દે શાબ્દિક તડાફડી બોલી ગઈ હતી.
બેઠકમાં હાજર સૂત્રોએ જણાવ્યું કે, હર્ષ સંઘવીએ સરકાર વતી એક ડોઝિયર રજૂ કર્યું હતું અને તેમાં જણાવ્યું કે, વકફ લઘુમતી સમુદાયના અધિકારોનો મુદ્દો આગળ ધરીને રાષ્ટ્રીય હિતને ધ્યાને રાખતી નથી. તેઓ માત્ર મુસ્લિમોનું હિત જુએ છે. આની સામે ઓવૈસીએ દલીલ રજૂ કરી હતી કે વકફ સુધારા બિલ દ્વારા સરકાર લઘુમતી સમુદાયનો હક્ક છીનવવાનો પ્રયાસ કરી રહી છે.