વડોદરાઃ શહેરમાં પૂરની આફત નદીકાંઠે થયેલાં દબાણો હોવાનું સાબિત થતાં વિશ્વામિત્રી નદીનો સરવે કરી કરાયેલાં દબાણોની ઓળખ કરી લેવામાં આવી છે. જે બાદ વડોદરામાં ભૂખી કાંસનો પણ સરવે કરવામાં આવ્યો છે, જેમાં 20 દબાણની ઓળખ કરી તેને હટાવી લેવા નોટિસ અપાઈ છે.
શહેરમાં આવેલા વિનાશક પૂર બાદ નદીની આસપાસ ઊભા કરાયેલા નેતાઓના બંગલા, કન્સ્ટ્રક્શન સાઇટ, મોલ, બિલ્ડિંગ્સના કારણે પાણી અવરોધાયું હોવાનું સપાટી પર આવ્યું હતું. જેના પગલે પાલિકાએ ડ્રોન સરવે, સ્થળ તપાસ અને રેવન્યુ રેકોર્ડ તથા ટીપી અને એફપીના નકશાને ધ્યાને રાખી શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના વેમાલીથી વડસર સુધી સરવે કરાવ્યો હતો, જેમાં અગોરા મોલ સહિત 13 સ્થળે દબાણ મળ્યાં હતાં, જેના પર કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. જો કે આ ઉપરાંત અનેક દબાણો સામે પાલિકાએ આંખ મિચામણાં કર્યાં હોવાના પણ આક્ષેપ થઈ ગયા છે. તેવામાં ભૂખી કાંસ પરનાં દબાણનો પણ સરવે કરાયો હતો.
આ દબાણોમાં પાલિકાને બાથરૂમ, ટોઇલેટ કમ્પાઉન્ડ વોલ, ઓટલા, ફેન્સિંગ અને નાનાં-મોટાં ઝૂંપડાંનાં દબાણ મળ્યાં હતાં. 20થી વધુ દબાણ અને પાલિકાની ટીમ નોટિસ આપી તેને હટાવવા સૂચના આપી છે.
મહત્ત્વનું છે કે બંને સરવેમાં પાલિકાની ટીમે દબાણો માટે બહુચર્ચિત ઇમારતો અને બાંધકામને નજરઅંદાજ કરતાં કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે.
અગોરા મોલનું ક્લબહાઉસ જમીનદોસ્ત કરાયું
શહેરના મંગલ પાંડે રોડ પર બહુચર્ચિત માનવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બિલ્ડરે વિશ્વામિત્રી નદીની જગ્યામાં અગોરા મોલના ઓથા હેઠળ 10 હજાર સ્ક્વેર ફૂટમાં ગેરકાયદે બાંધી દીધેલા ક્લબ હાઉસને તોડવાની હિંમત 6 વર્ષ બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કરી હતી. નદીની જગ્યા પચાવી કુદરતી વહેણને અવરોધી લોકોને પૂરના પ્રકોપમાં ધકેલનારા બિલ્ડર અને મળતિયાઓ રાજકારણીઓની સાથે અધિકારીઓ પર પ્રજાની ગાજ વરસતાં નાછૂટકે દબાણ તોડવું પડ્યું હતું.
અગોરા મોલના સંચાલકો પૈસાના જોરે કોર્પોરેશન, જીડીસીઆર અને એનજીટીના નીતિનિયમોને ખિસ્સામાં લઈ ફરતા હતા. વર્ષ 2017થી વિરોધ પક્ષ અને વિવિધ એનજીઓ દ્વારા અગોરાનાં ગેરકાયદે દબાણો સામે બૂમો પડાતી હતી, છતાં કોર્પોરેશનના તત્કાલીન મ્યુનિ. કમિશનરો, મેયરો અને સ્થાયી સમિતિના ચેરમેનોએ આંખે પાટા બાંધી તમાશો જોયા
કર્યો હતો.