આણંદઃ દેશમાં હાલ વકફ અને તેની મિલકતો અંગેની ખૂબ ચર્ચા ચાલી રહી છે, ત્યારે આ દરમિયાન આણંદના વહેરાખાડી ગામે પાટીદાર સમાજના વડીલો દ્વારા ઇદગાહ અને મુસ્લિમ સમાજને હોલ સહિતની જગ્યાનું દાન આપી હિન્દુ-મુસ્લિમ એકતાનો પરિચય આપ્યો. સામાજિક એકતાને અખંડ રાખવાનો ઉદ્દેશ્ય ધરાવતા પાટીદાર સમાજના અગ્રણી સ્વ. કાળીદાસ ફકિરભાઈ પટેલના પરિવારનું મુસ્લિમ સમાજના અગ્રણીઓએ ઇદ-એ-મિલાદ ઉન્નબી નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજી આભાર વ્યક્ત કર્યો હતો.
વહેરાખાડી ગામતલ પાસે મુસ્લિમ સમાજના લોકોની જરૂરિયાત અને મુશ્કેલીઓ જોઈ સ્વ. કાળીદાસ ફકિરભાઈ પટેલે 7 વર્ષ અગાઉ માત્ર એક રૂપિયાના ટોકનદરે પોતાની માલિકીની અંદાજે દોઢ વીઘા જમીન મુસ્લિમ સમાજને દાનમાં આપી હતી. આ અંગે ગામના અગ્રણી ભરતભાઈ પટેલે જણાવ્યું કે, અમારા વડીલોને મુસ્લિમ સમાજ દ્વારા તેમને નમાઝ અદા કરવામાં પડતી મુશ્કેલીની રજૂઆત કરી હતી. આ સમયે સ્વ. કાળીદાસ પટેલે કોઈપણ વાંધા વિના હર્ષ સાથે તેમને આ જમીન આપી હતી.
ગામના મહેબૂબ અલી સૈયદે જણાવ્યું હતું કે, અમારા ગામમાં હિન્દુ-મુસ્લિમ એકતા અકબંધ છે. આ એકતાના ભાગરૂપે વહેરખાડી ગામ અને મુસ્લિમ સમાજ દ્વારા પાટીદાર સમાજના મોભી જગદીશભાઈ અને અશોકભાઈ સહિતના વડીલોનું ઋણ અદા કરવાના આશયથી દાતાઓની તક્તીનું અનાવરણ કરી તેમનું અભિવાદન કરવામાં આવ્યું.