જૂનાગઢઃ તમે તમારા ઘરેબેઠાં ગીર સિંહદર્શનનું ઓનલાઇન બુકિંગ કરી રહ્યા છો તો સાવધાન થઈ જાઓ. ઓનલાઇન બુકિંગ કરતી સરકારી વેબસાઇટની સાથે હાલમાં નકલી વેબસાઇટ પણ ચાલી રહી છે, જે બુકિંગના નામે લોકોનાં નાણાં પડાવી રહી છે.
એક બે નહીં, છેતરપિંડીના અનેક કિસ્સા
જૂનાગઢ નજીક આવેલો ગીર પંથક સિંહ અને હરિયાળી માટે જાણીતો છે. જ્યાં જંગલમાં સિંહ, દીપડા અને હરણ જેવાં અનેક પશુ-પક્ષી ગીરના કુદરતી સોંદર્યમાં વધારો કરે છે. દરવર્ષે લાખો પ્રવાસી ગીર જંગલ સફારી, દેવળિયા સફારી પાર્ક, દેવળિયા જિપ્સી સફારી, આંબરડી સફારી, ગિરનાર નેચર સફારીમાં ફરવા માટે આવે છે. આગામી 15 ઓક્ટોબરે સાસણ સફારી પાર્ક સિંહદર્શન માટે ખુલ્લું મુકાશે, ત્યારે લાંબી લાઇનમાં ઊભું રહેવું ન પડે તે માટે પહેલેથી જ બુકિંગ કરાવતા અનેક લોકો સાથે છેતરપિંડી થઈ છે. જેને લઈ વનવિભાગે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ પણ કરી છે.
ગવર્નમેન્ટની વેબસાઈટને આ રીતે ઓળખો
નેશનલ સફારી પાર્કની અલગ અલગ ખોટી વેબસાઈટો બનાવી પ્રવાસીઓને છેતરવામાં આવી રહ્યા છે. ત્યારે વન વિભાગ દ્વારા માન્ય વેબસાઇટ https://girlion.gujarat.gov.in જાહેર કરવામાં આવી છે. સરકારમાન્ય કોઈપણ વેબસાઇટ પાછળ હંમેશાં .gov ડોમેઇન હોય છે. હાલ સિંહદર્શન માટે ચાલતી ફ્રોડ વેબસાઇટ પાછળ .com રાખવામાં આવે છે, જે માન્ય નથી.