સુરતઃ હોંગકોંગમાં ઓફિસ ધરાવતો અને સુરત-મુંબઈ તેમજ હોંગકોંગથી પાતળી સાઇઝના હીરા ખરીદતો ઉત્તર ગુજરાતનો એક વેપારી રૂ. 50 કરોડમાં ઊઠી ગયાની ચર્ચાને પગલે હીરાબજારમાં માહોલ ગરમાયો છે. દિવાળી પહેલાં જ વેપારીનાં ઊઠમણાને પગલે તેને હીરા આપનારા સુરત અને મુંબઈના વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
છેલ્લાં બે વર્ષથી હીરાઉદ્યોગમાં મંદીનો માહોલ છે, જેને લીધે ઉદ્યોગકારો હીરાઉદ્યોગના ઇતિહાસમાં સૌથી કઠિન સમયથી પસાર થઈ રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. દરમિયાન ઉત્તર ગુજરાતના એક વેપારીએ રૂ. 50 કરોડમાં ઊઠમણું કર્યું હોવાની વાતથી સ્થાનિક હીરાવેપારીઓની ઊંઘ ઉડી ગઈ છે. ઊઠમણું કરનારા આ વેપારીએ છેલ્લા કેટલાક સમયથી હોંગકોંગમાં ઓફિસ રાખી હતી અને પોલિશ્ડ ડાયમંડનો વેપાર શરૂ કર્યો હતો. આ વેપારી સુરત-મુંબઈ તેમજ હોંગકોંગથી પાતળી સાઇઝના હીરા ખરીદતો હતો. એક તરફ મંદી અને બીજી બાજુ આ વેપારીએ ઊઠમણું કરતાં સુરત-મુંબઈના હીરા વેપારીઓની દિવાળી બગડી ગઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. હીરાબજારમાં ચાલતી બીજી એક ચર્ચા મુજબ ઊઠમણું કર્યા બાદ આ વેપારીએ તેને પોલિશ્ડ હીરા આપનારા કેટલાક વેપારીઓને પેમેન્ટ કર્યું છે. જ્યારે બીજા વેપારીઓનાં પેમેન્ટ હજી સુધી ફસાયેલાં છે.