ભુજઃ કવિ, લેખક અને ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી કેકી એન. દારૂવાલાનું લાંબી માંદગી અને ન્યૂમોનિયા પછી દિલ્હીની હોસ્પિટલમાં અવસાન થયું છે. તેઓ 87 વર્ષના હતા. કચ્છ માટે તેઓ તેમની સદાબહાર વાર્તા લવ અક્રોશ ધ સોલ્ટ ડેઝર્ટના કારણે જાણીતા હતા. જે વાર્તા પરથી જે.પી દત્તાએ રેફ્યુજી બનાવી હતી.
કેકી એન. દારૂવાલાએ પોતાના શબ્દોના જાદુથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી હતી. ભારતના જાણીતા લેખકો પૈકી તેમનું સ્થાન મહત્ત્વપૂર્ણ હતું. 1937માં લાહોરમાં જન્મેલા દારૂવાલાએ લુધિયાણાની સરકારી કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તેઓ 1958માં ભારતીય પોલીસ સેવાઓ (ઉત્તર પ્રદેશ કેડર)માં જોડાયા અને તત્કાલીન વડાપ્રધાન ચરણસિંહના આંતરરાષ્ટ્રીય બાબતોના વિશેષ સહાયક બન્યા હતા. બાદમાં તેઓ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગમાં જોડાયા, જ્યાં તેમને રોના સેક્રેટરીપદ પર બઢતી અપાઈ. દારૂવાલાની કવિતાનું પ્રથમ પુસ્તક, “ઓરિયન હેઠળ”, 1970 માં પ્રકાશિત થયું હતું.