નવી દિલ્હીઃ આવકવેરા વિભાગ તરફથી મળેલી નોટિસના કેસમાં કોંગ્રેસને થોડાક દિવસ માટે રાહત મળી છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન આવકવેરા વિભાગે ભરોસો અપાવ્યો હતો કે લોકસભા ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે, તે સંજોગોમાં આ નાણાંની રિકવરી માટે વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી હાલમાં નહીં થાય.
આ કેસમાં હવે પછીની સુનાવણી 24 જુલાઈના રોજ થશે. તુષાર મહેતાએ કહ્યું હતું કે, વિભાગે રૂ. 1,700 કરોડની નોટિસ મોકલી હતી, પરંતુ લોકસભા ચૂંટણી આવી રહી હોવાથી રિકવરીની દિશામાં કાર્યવાહી નહીં થાય.
શું છે કેસ?
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને આવકવેરા વિભાગ તરફથી નવી નોટિસ મળી હતી. વર્ષ 2014-15થી 2016-17 દરમિયાનના રૂ. 1,745 કરોડના માગણા માટે તે નોટિસ અપાઈ હતી. કોંગ્રેસને અત્યાર સુધીમાં કુલ રૂ. 3,567 કરોડની રિકવરી માટે નોટિસ મળી ચૂકી છે. છેલ્લી નોટિસ વર્ષ 2014-15 (રૂ. 667 કરોડ), વર્ષ 2015-16 (રૂ. 664 કરોડ) અને વર્ષ 2016-17 (રૂ. 417 કરોડ)ના બાકી લેણા સંબંધી છે. આવકવેરા વિભાગે કોંગ્રેસને વર્ષ 2014થી 2017 માટે રૂ. 1745 કરોડનો દંડ ભરવા ત્રીજી નોટિસ પણ પાઠવી છે. આમ કોંગ્રેસને ભરવાપાત્ર રકમ રૂ. 3567 કરોડ થાય છે.