ગુંજે શરણાઈ ઢોલ ત્રાંબાળું વાગે... શરણાઈની ગુંજ તો તમે સાંભળી જ હશે.... એની વિશિષ્ટતા એ છે કે શરણાઈ માત્ર પુરુષોનું વાદ્ય ગણાય છે. શરણાઈ વાદનમાં ફેફસાંની તાકાતની જરૂર પડે છે. એથી સ્ત્રીઓ માટે શરણાઈ વગાડવી મુશ્કેલ ગણાય છે. પરંપરાગત રીતે પુરુષો જ શરણાઈ વગાડતા જોવા મળે છે.
પરંતુ, બાગેશ્વરી કમરે આ પરંપરામાં પરિવર્તન આણ્યું. પિતા જગદીશ પ્રસાદને પગલે ચાલીને બાગેશ્વરીએ શરણાઈ વાદનમાં મહારથ હાંસલ કર્યું, એટલું જ નહીં એ ભારતની પહેલી મહિલા શરણાઈ વાદક પણ બની. પરિણામે ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનની શિષ્યા બાગેશ્વરીને ચંડીગઢમાં શરણાઈની રાણી-શહનાઈ ક્વીનનો તાજ પહેરાવવામાં આવેલો.
આ બાગેશ્વરીને ગળથૂથીમાં જ સંગીતનો વારસો મળેલો. ત્રણ ત્રણ પેઢીથી એના પરિવારને સંગીતની સોગાદ મળેલી. દાદા દીપચંદ શરણાઈ વાદક હતા. કાકા પણ શરણાઈ વગાડતા. પિતા જગદીશ પ્રસાદ દિલ્હી ઘરાનાના ઉત્તમ શરણાઈ વાદક હતા. તેઓ ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનના પ્રિય શિષ્ય હતા. એમને રાષ્ટ્રપતિ પુરસ્કાર પણ મળેલો. જગદીશ પ્રસાદ શાયર પણ હતા, એથી એમણે ‘કમર’ એવું તખલ્લુસ પોતાના નામ સાથે જોડેલું. એ રીતે બાગેશ્વરીના નામ સાથે પણ કમર જોડાઈ ગયું. બાગેશ્વરી માત્ર છસાત વર્ષની હતી, ત્યારે માતા ચંદ્રાવતીને કહેતી કે મારા માટે પણ શરણાઈ બનાવી દે. બાળહઠ પાસે નમતું જોખીને ચંદ્રાવતીએ દીકરીને શરણાઈ બનાવી આપી. યોગ્ય રીતે તાલીમ લીધા વિના પણ બાગેશ્વરીના સૂર અને તાલ એકદમ સ્પષ્ટ હતા. એથી જગદીશ પ્રસાદે કહ્યું કે, ‘આમ તો હું તારા શરણાઈ વાદનના પક્ષે નથી. છતાં વગાડવી જ હોય તો વિધિસર વગાડ.’
દરમિયાન, ૧૯૭૯માં ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન દિલ્હી આવ્યા. ત્યારે જગદીશપ્રસાદે એમને બાગેશ્વરીના શરણાઈ વાદનની વાત કરી. બાગેશ્વરીની વિધિવત તાલીમનો આરંભ થયો. આરંભે જગદીશ પ્રસાદે જ દીકરીને શરણાઈ વાદનનું પ્રશિક્ષણ આપ્યું. એમણે દીકરીને પાનો ચડાવતા કહ્યું કે, ‘લખનારા અને વાંચનારા તો ઘણા હશે, પણ શરણાઈ વગાડનારી એક જ છોકરી હશે. એ છોકરી એટલે તું, બાગેશ્વરી... આમ પિતાના પ્રોત્સાહનથી બાગેશ્વરીનું પ્રશિક્ષણ ચાલ્યું. બારમા ધોરણ સુધી ભણીને બાગેશ્વરીએ ભણતર છોડી દીધું અને શરણાઈને સમર્પિત થઈ ગઈ. કેટલાક સમય સુધી ઘેર પિતા પાસે બાગેશ્વરીએ પ્રશિક્ષણ લીધું. એ પછી જગદીશ પ્રસાદે દીકરીને આગળની તાલીમ માટે બનારસ ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન પાસે મોકલી. બેત્રણ કલાકનો રિયાઝ તો સામાન્ય બાબત હતી. બાગેશ્વરીનું પ્રશિક્ષણ પૂરું થયું ત્યારે ઉસ્તાદે એની હાથની બાજુ પર ગંડા તરીકે ઓળખાતો એક દોરો બાંધ્યો. એનો અર્થ એમ થાય કે પ્રશિક્ષણ સમાપ્ત થયું. પારસમમણિના સ્પર્શથી થતા પ્રભાવની જેમ બાગેશ્વરી શરણાઈવાદનમાં સુવર્ણ બનીને ઝળહળી.
બાગેશ્વરી એક પછી એક સોપાન સર કરવા લાગી. એને પહેલો જાહેર કાર્યક્રમ કરવાની તક મળી. બાગેશ્વરીના શબ્દોમાં : ‘૨૭ ફેબ્રુઆરી ૧૯૮૩નો દિવસ મને યાદ છે. દિલ્હીણા કામાણી ઓડિટોરિયમમાં મારો પહેલો સાર્વજનિક કાર્યક્રમ હતો. હું ત્યારે સત્તર વર્ષની. હું ઓલ વુમન મ્યુઝિક ફેસ્ટિવલમાં સહભાગી થઈ રહેલી. મેં કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિના ‘મિયા કી ટોડી’ રાગ વગાડ્યો. આખું ઓડિટોરિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠયું. એક મહિલાને શરણાઈ વાદન કરતી જોઈને લોકોને વિસ્મય થયું. ત્યારથી મારા શરણાઈ વાદનની પરંપરા શરૂ થઈ તે વણથંભી ચાલતી રહી.’ બાગેશ્વરીએ દેશ ઉપરાંત વિદેશમાં પણ અનેક જાહેર કાર્યક્રમો કર્યાં. ૧૯૮૮માં રશિયામાં બાગેશ્વરીએ ભારત મહોત્સવમાં ભારતનું પ્રતિનિધિત્વ કરેલું.
શરણાઈની રાણી બગેશ્વારીએ ૧૯૮૫માં નરેશકુમાર સાથે લગ્ન કર્યાં. બાગેશ્વરી કહે છે, ‘સામાન્યપણે એવી માન્યતા છે કે સ્ત્રીઓમાં શરણાઈ વગાડવાની શારીરિક ક્ષમતા અને શક્તિ હોતી નથી. પણ એવું સાબિત થઈ ચૂક્યું છે કે સ્ત્રીઓ શરણાઈ વગાડી શકે છે. અને એ પુરવાર કરનાર હું છું !’ બાગેશ્વરી દરેક ઠેકાણે શરણાઈ વાદન માટે જતી નથી. ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાને શીખવ્યું છે કે, સંગીત સાથે જોડાવાનો અર્થ ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાનો છે. સંગીત ઈશ્વરની ભક્તિ છે. એથી જ લગ્ન સમારંભોમાં બાગેશ્વરી શરણાઈ વગાડવાનું ટાળે છે. એ કહે છે, ‘હું પૈસા માટે શરણાઈ વાદન કરતી નથી. કળા માટે અને સાધના માટે જ મારી શરણાઈ છે !’