ઇસ્ટરના પ્રસંગે ગુજરાત સમાચાર દ્વારા વિશેષ ઝૂમ પ્રોગ્રામ ‘સોનેરી સંગત’નું આયોજન કરવામાં આવ્યું, જેનું સંચાલન પૂજાબહેન રાવલ દ્વારા કરવામાં આવ્યું. પૂજાબહેને જણાવ્યું કે, ગુજરાત સમાચારના સોનેરી સંગતને ખૂબ લોકચાહના પ્રાપ્ત થઈ રહી છે અને તેનો વ્યાપ સતત વધી રહ્યો છે. વધારે ને વધારે લોકો સોનેરી સંગત અને ગુજરાત સમાચાર સાથે જોડાવા માગે છે. હોળીની સંગત કરી, સામાજિક ચિંતન કર્યું અને હવે આપણે ઇસ્ટર પ્રસંગે પણ સોનેરી સંગતનું આયોજન કર્યું છે. અમારા આજના મહેમાન કેન્યામાં ભારતના ડેપ્યુટી હાઇ કમિશનર શ્રી રોહિતભાઈ વઢવાણા છે, જેઓ યુકેમાં પણ તેમની સેવા આપી ચૂક્યા છે.
કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાત સમાચાર અમદાવાદના બ્યૂરો ચીફ નિલેશભાઈ પરમાર દ્વારા દેશ અને દુનિયાના સમાચાર- અહેવાલ રજૂ કરવામાં આવ્યા હતા. જે બાદ નિલેશભાઈએ ન્યૂઝ એડિટર આર્નોલ્ડભાઈ ક્રિસ્ટીને નિમંત્રણ આપ્યું.
આર્નોલ્ડભાઈ ક્રિસ્ટીએ ગુડ ફ્રાઇડે અંગે જણાવ્યું કે, ગુડ ફ્રાઇડે અને ઇસ્ટર સન્ડેની વાત કરીએ તો અત્યારે સમગ્ર વિશ્વનાં ખ્રિસ્તી ભાઈ-બહેનો પેશન વીકની ઉજવણી કરી રહ્યાં છે, એટલે કે દુઃખ સહન સપ્તાહ. દુઃખ સહન સપ્તાહ એટલે પ્રભુ ઇસુ ક્રાઇસ્ટે યેરુસલેમમાં પ્રવેશ કર્યો ત્યારથી તેમને વધસ્તંભ પર જડવામાં આવ્યા અને ઇસ્ટર સન્ડેના રોજ તેમનો પુનરુત્થાન થયો ત્યાં સુધીનો સમયગાળો. ગુડ ફ્રાઇડે પહેલાના ગુરુવારે મોન્ડી થર્સડેની ઉજવણી થાય છે. આ દિવસનું મહત્ત્વ એ છે કે પ્રભુ ઇશુએ પોતાના શિષ્યોની સાથે છેલ્લું ભોજન લીધું હતું. તે પહેલાં પ્રભુ ઇશુએ શિષ્યોના પગ ધોયા અને ઉદાહરણ પૂરું પાડ્યું કે તમે હંમેશાં નમ્ર બનો અને જે કોઈ માલિક થવા ઇચ્છે છે તે છેલ્લો થશે અને જે નમ્ર બને છે તે માલિક થશે. પ્રભુ ઇશુએ જે શિક્ષણ આપ્યું એના પર આ આખા તહેવારની ઉજવણી થાય છે.
‘જુઓ આ થંભને ધારી રે, વેઠે પ્રભુ વેદના ભારી રે’ ગુજરાતી ભજન રજૂ કરી આર્નોલ્ડભાઈએ જણાવ્યું કે, આ ગુજરાતી ભજનમાં ઇશ્વરની જે અનંત જીવનની યોજના અને માનવ જીવનને પાપમાંથી મુક્તિ મળે અને તેનું તારણ થાય તેનું એક સુંદર નિરૂપણ છે. તેમણે તેમના એકના એક પુત્રને આ પૃથ્વી પર મોકલ્યા અને તેમણે વધસ્તંભ પર માનવજાતનાં પાપને હરીને પોતાનું બલિદાન આપ્યું. તેમનું જે લોહી વહ્યું તેનાથી માનવજાતને પાપથી મુક્તિ મળે છે. દરેક ધર્મ મૃત્યુ પછીના જીવનની વાત કરે છે, એટલે કે અનંત જીવનની વાત કરે છે. અનંત જીવન પામવા માટે બાઇબલ કહે છે કે, દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, એટલા માટે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય અને અનંત જીવન પામે. અનંત જીવનની જે અનંત આશા છે તેના માટે ગુડ ફ્રાઇડે અને ઇસ્ટર સન્ડેની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વનાં ખ્રિસ્તી ભાઈ-બહેનો આ દિવસે ચર્ચમાં જઈ પ્રેયર કરે અને આ પ્રસંગની ઉજવણી કરે છે.
ગુડ ફ્રાઇડે અને ઇસ્ટર સન્ડેની માહિતી બાદ તનીષાબહેન ગુજરાતી દ્વારા વરિષ્ઠ રાજદૂત શ્રી રોહિતભાઈ વઢવાણાને નિમંત્રણ આપવામાં આવ્યું. રોહિતભાઈ વઢવાણા કેન્યામાં ભારતના ડેપ્યુટી હાઇકમિશનર છે અને જુલાઈ 2022થી યુએનઈપી અને યુએન-હેબિટાટમાં ભારતના કાયમી નાયબ પ્રતિનિધિ છે. તેઓ 2010 માં ભારતીય વિદેશ સેવામાં જોડાયા હતા અને તહેરાનમાં ભારતીય દૂતાવાસ અને લંડનમાં ભારતના હાઇ કમિશનમાં રાજદ્વારી હોદ્દા પર રહ્યા છે. તેમણે ગલ્ફ ડિવિઝનમાં અંડર સેક્રેટરી તરીકે નવી દિલ્હીના વિદેશ મંત્રાલયમાં પણ સેવા આપી છે.
શ્રી વઢવાણાએ કાયદામાં સ્નાતકની ડિગ્રી અને રાજકીય વિજ્ઞાનમાં માસ્ટર્સ કર્યું છે. તેઓ જાણીતા લેખક અને કટારલેખક છે. તેમણે ગુજરાતીમાં એક નવલકથા ‘શંખત’ પ્રકાશિત કરી છે, અને ગુજરાતી અને અંગ્રેજીમાં સંખ્યાબંધ લેખો અને ટૂંકી વાર્તાઓ ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ સહિત ભારત અને વિદેશનાં અગ્રણી દૈનિકો અને સામયિકોમાં પ્રકાશિત થાય છે. તેમની કોલમ ગુજરાત સમાચારમાં ‘આરોહણ’ અને એશિયન વોઇસમાં ‘ઇન્સ્ટ્રોસ્પેક્શન’ શીર્ષક હેઠળ પ્રકાશિત થાય છે.
તેમના સાહિત્યિક વ્યવસાયો ઉપરાંત તેઓ સિવિલ સર્વિસના ઉમેદવારોને માર્ગદર્શન આપવા માટે ખૂબ જ ઉત્સાહી છે, જે અંગે તેમને પહેલાંથી જ જુસ્સો રહ્યો છે. તેમણે બે ભાષામાં સિવિલ સર્વિસ પરીક્ષાઓ માટે પુસ્તકો પણ લખ્યાં છે અને તેમની વેબસાઇટ પર અસંખ્ય લેખન અને પુસ્તક સામગ્રીઓ શેર કરી છે.
શ્રી સી.બી. પટેલે પણ શ્રી રોહિતભાઈ વઢવાણા અંગે જણાવતાં કહ્યું કે, ભારત અત્યારે નૂતન ભારત છે, અર્થકારણ સહિતનાં અનેક કારણોસર આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો ડંકો વાગી રહ્યો છે. ઇન્ડિયન ફોરેન સર્વિસ કહેવાય તે ખૂબ મજબૂત પ્રતિભાસંપન્ન સંસ્થા છે અને એમાં શ્રી રોહિતભાઈ વઢવાણા સાહેબ એક યુવાન અધિકારી છે. લંડન આવતા પહેલાં અન્ય દેશોમાં પણ તેમણે સેવા આપી હતી. તેઓ લંડનમાં ત્રણેક વર્ષ રહ્યા, ઘણાને ખુશ કર્યા. હું પણ તેમનાથી ખૂબ પ્રભાવિત થયો. આજે આપણા ‘સોનેરી સંગત’ કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા તે બદલ તેમનો ખૂબખૂબ આભાર. હું સાડા છ વર્ષ તાન્ઝાનિયામાં રહ્યો છું, ક્યાં કેન્યા, યુગાન્ડા અને ઝાંઝિબાર સાથેના મારા સંબંધ ખૂબ ગાઢ છે. તમારા અંગે જ્યારે વાત નીકળે છે રોહિતભાઈ, ત્યારે સાચું માનજો તમારાં સુંદર કામ અંગે વખાણ જ થાય છે.
ભારતના વિદેશખાતામાં જવલ્લે જ કોઈ ગુજરાતી આવી મોટી પોસ્ટ પર હોય છે. અમારી ઇચ્છા એવી છે કે તમારા દ્વારા અમારે કેન્યાના અમારા ભાઈ-ભાંડુઓનો પરિચય કેળવવો છે. યુકેમાં શરૂઆતનાં વર્ષોમાં 1995 સુધી જે ગુજરાતી અને ભારતીયો હતા, તેમાં 52 ટકા ઇસ્ટ આફ્રિકાના હતા, એ પછી નવા-નવા આવી રહ્યા છે. આપ કેન્યામાં છો અને તમારી સૂક્ષ્મ દૃષ્ટિ છે. કેન્યામાં જે આપણી ભારતીય વસાહત – ગુજરાતી વસાહત છે તેના વિશે, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા અને પર્વો અંગે અમારા વાંચકોને જાણવું છે. આજે અમે તમારી મદદથી પરદેશ જઈ રહ્યા છીએ, તો આપ કૃપા કરીને અમારા ભાઈ-ભાંડુઓનો પરિચય આપો.
વિશેષ આમંત્રિત શ્રી રોહિતભાઈ વઢવાણાએ આ પ્રોગ્રામના આયોજન માટે અને તેમને આમંત્રિત કરવા માટે ગુજરાત સમાચાર અને તેમની આખી ટીમનો આભાર વ્યક્ત કર્યો. રોહિતભાઈએ જણાવ્યું કે, મારા માટે પણ સૌભાગ્યની વાત છે કે આ સુંદર વિષય પર વાત કરવાની મને તક મળી છે. કેન્યામાં આપણા ઘણા ગુજરાતી અને ભારતીય લોકો પૂર્વ આફ્રિકાથી સ્થળાંતરિત થઈને યુકે, અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા ગયા છે. અહીં 1971-72માં ઇદી અમીનના ક્રૂર શાસનના કારણે ઘણા લોકોએ પલાયન કર્યું અને તેનાં કારણો આપણા માટે સ્પષ્ટ હતાં.
સારી વાત એ છે કે, હમણા ગુજરાતમાં ખૂબ સરસ કાર્યક્રમ ઊજવાયો ‘પ્રવાસી ગુજરાતી પર્વ’. મારી સલાહ એ છે કે હવે જો આ પ્રકારે કાર્યક્રમ હોય અને તમે રૂબરૂ હાજર ન રહી શકો તેમ હો તો સમાચાર પત્રમાંથી અચૂક કોઈને મોકલજો. જેથી ગુજરાત સમાચારની હાજરી નોંધાય અને સરસ કાર્યક્રમમાં ઘણા પ્રતિભાસંપન્ન લોકોનો સંપર્ક કરી શકાય, જેમને ‘સોનેરી સંગત’ અથવા અન્ય કાર્યક્રમોમાં કાયમ નિમંત્રણ આપી શકશો.
‘પ્રવાસી ગુજરાતી પર્વ’ કાર્યક્રમમાં એક અગ્રગણ્ય ઉદ્યોગપતિનાં પુત્રી અને યુકેસ્થિત હાઇ કમિશનર નિમિષા માધવાણીએ કહ્યું હતું કે, યુગાન્ડા સરકાર ત્યાંથી સ્થળાંતરિત થઈ ચૂકેલા એ બધા જ ભારતીયો અને ગુજરાતીઓને ફરી આમંત્રિત કરે છે અને તેમની લઈ લેવામાં આવેલી સંપત્તિ અને જમીન ફરી આપવા પણ તૈયાર છે. આ ઉદાહરણ એટલા માટે ટાંક્યું કે, પૂર્વ આફ્રિકાના બધા જ દેશોમાં અત્યારે ભારતના લોકોને આવકારવામાં આવે છે અને તેમનું ત્યાં અપાયેલું યોગદાન સ્વીકારી પ્રશંસા કરવામાં આવે છે. આ તમામ દેશોમાં આર્થિક વિકાસ સારી રીતે થયો છે. આ તમામ અર્થવ્યવસ્થા 5થી 6 ટકાના દરે સરળતાથી વધી રહી છે.
આર્થિક વિકાસમાં ભારતીયોનું અને તેમાં પણ ગુજરાતીઓનું પ્રમાણ હંમેશાં સારું રહ્યું છે. તમે અહીં નાઇરોબી આવશો, તો દરેક સ્થળે ભારતીયો જોવા મળે છે. હું અહીં આવ્યો ત્યારે અમુક લોકોએ એમ પણ કહ્યું હતું કે, ‘તમને તો અહીંની રાષ્ટ્રીય ભાષા આવડે છે એટલે વાંધો નહીં આવે’. મેં જ્યારે તેમને કહ્યું કે, ‘મને સ્વાહિલી નથી આવડતી’, તો સામેની વ્યક્તિએ કહ્યું હતું કે, ‘નહીં નહીં ગુજરાતી અહીંની બીજી રાષ્ટ્રીય ભાષા છે.’ કહેવાનું એ કે, ગુજરાતી ભાષા અહીં વર્ષોથી પ્રચલિત છે, એટલે સ્થાનિક લોકોને પણ થોડાઘણા ગુજરાતી શબ્દો આવડતા હોય. જ્યારે મારાં પત્ની માર્કેટમાં શાકભાજી લેવા જાય ત્યારે ‘કેટલો ગુવાર આપું’, ‘કેટલા બટેટાં આપું’ તે પ્રકારે સંવાદ થાય છે. એટલે કે આપણો તે લોકો સાથેનો ખૂબ સારો અને નજીકનો સંપર્ક છે. આપણે અહીં ખાસ તેમના માટે નોકરીઓ ઊભી રહ્યા છીએ, તેમના માટે ચેરિટીનું કામ ઘણું કરી રહ્યા છીએ.
સી.બી. પટેલે શ્રી રોહિતભાઈ વઢવાણાને પૂછયું હતું કે, આપ કેન્યાના ઘણાં બધાં શહેરમાં ગયા હશો. મોમ્બાસા જાણીતું છે, એ પ્રમાણે કિશુમુ. આપ મચાકોર ગયા છો? ત્યાંના વિજયભાઈ, ભીખુભાઈ પટેલ બ્રિટનમાં હવે બહુ મોટું નામ છે. એ પ્રમાણે કિશુમુના ધામેચા પરિવારના ખોડીદાસભાઈ, શાંતિભાઈ અને જયંતીભાઈ આવ્યા. તેમની દુકાન હતી અને અત્યારે ધામેચા કેશ એન્ડ કેરી યુકેમાં સેકન્ડ લાર્જેસ્ટ પ્રાઇવેટ કંપની છે, જેનો વહીવટ પ્રદીપભાઈ, મનીષભાઈ. મૂકેશભાઈ અને તેમનો પરિવાર કરે છે. તેઓ પ્રગતિ તો કરે જ છે, પરંતુ નમ્રતા સાથે સખાવત પણ બહુ કરે છે. સદ્ભાગ્યે આવા સંખ્યાબંધ મહાનુભાવો છે. આપ મહેરબાની કરીને જણાવો કે કેન્યાના સમાજમાં ધબકતું શું છે? વસ્તી વધી રહી છે? યુકેથી ત્યાં પાછા આવે છે કે ઇન્ડિયાથી લોકો પરત આવે છે?
શ્રી રોહિતભાઈ વઢવાણાએ આ અંગે જણાવ્યું કે, કેન્યામાં ભારતીયોની સંખ્યા અત્યારે એક લાખ જેટલી હશે. એમાંથી 70 હજાર જેટલા લોકો સીઆઇ હોલ્ડર છે અને 25થી 30 હજાર જેટલા લોકો ભારતીય પાસપોર્ટથી અહીં કામ અથવા વ્યવસાયથી આવ્યા હોય તેવા છે. સંખ્યા પહેલા કરતાં ઓછી છે. અહીં રહેતા લોકોમાંથી જે બાળકો અન્ય કોઈ દેશમાં અભ્યાસ કરવા જાય, તેઓ ત્યાં જ સેટલ થઈ જાય છે. અડધાથી ઓછા લોકો પરત આવે છે. અત્યારે હાલમાં લોકો કેનેડા, યુએસ અથવા ઓસ્ટ્રેલિયા ખૂબ જાય છે, જેઓ અભ્યાસ બાદ ત્યાં જ સેટલ થઈ જાય છે. જૂની પેઢીના લોકો જે અહીં આવેલા તેમાં ઉમેરો થવાનો નથી, કારણ કે તેમાંથી ઘણા લોકો અન્ય દેશમાં જઈને ત્યાં સ્થિર થાય છે. જો કે ભારતથી આવતા લોકો પાંચથી સાત વર્ષ કામ કર્યા બાદ કેન્યન પાસપોર્ટ લઈ અહીં રહેવા તૈયાર છે. ઘણા લોકો અહીં રેસિડેન્સ પરમિટ લઈ 25થી 30 વર્ષથી રહી રહ્યા છે. ભલે તેમનો પાસપોર્ટ ભારતીય છે પણ તેમનું ઘર કેન્યા જ થઈ ગયું છે, કારણ કે એ લોકોએ મકાન લઈ લીધાં છે અને અહીં જ સ્થાયી થઈ ગયા છે. ઘણા લોકો ભારતથી અહીં પ્રોફેશનલ રિઝનથી આવી રહ્યા છે.
સી.બી. પટેલે પૂછયું કે, કેન્યામાં ભારતીય સમાજ અને સંસ્થાઓ અંગે શું તમે પ્રકાશ પાડી શકો છો? સી.બી. પટેલના આ સવાલના જવાબમાં રોહિતભાઈએ જણાવ્યું કે, અહીં ભારતીયોમાં ગુજરાતીઓની સંખ્યા સૌથી વધારે છે. આ સિવાય શિખ, બોહરા, ઇસ્માઇલી સહિતના તમામ સમાજના લોકો અહીં જોવા મળે છે. નાના વિસ્તારમાં જ્યારે સંખ્યા ઓછી હોય ત્યારે આપણા લોકો હળીમળીને રહેતા હોય, બધા પ્રસંગોનું આયોજન કરતા હોય, તમામ તહેવાર ઊજવતા હોય છે. હમણા હોળીનો તહેવાર બેથી ત્રણ અઠવાડિયાના વીકેન્ડમાં લોકોએ ઊજવ્યો. હું પોતે લગભગ સાત સ્થળોએ વિવિધ સમાજ સાથે હોળીના રંગે રંગાયો. આ પ્રકારે તમામ તહેવારોમાં થતું હોય છે. અહીં નાઇરોબીમાં લગભગ 12થી 13 સ્થળે સરસ નોરતાંનું આયોજન પણ થતું હોય છે, જેમાં નવેનવ દિવસ સુધીની ઉજવણી બાદ હવનનું પણ આયોજન કરાય છે. રામમંદિરનું નિર્માણ થયું ત્યારે ઘણા મોટા પ્રમાણમાં અહીં યજ્ઞ થયા, 3થી 4 દિવસ સુધી અખંડ રામધૂન ચાલી. આમ તમામ તહેવાર અને સાંસ્કૃતિક કાર્યક્રમો તમને અહીં જોવા મળશે. આ સિવાય વીકેન્ડમાં પણ કંઈકને કંઈ ચાલતું જ રહેતું હોય છે, અહીં ખૂબ ધબકતું ભારત છે તેમ કહી શકાય.
કેન્યામાં ઘણી બધી સંસ્થાઓ છે, જેમ કે લોહાણા હોય તો તેમનું એક સરસ સંગઠન હોય, રાજસ્થાની, કર્ણાટક, તમિલ, કેરલ એસોસિયેશન છે. આ તમામ લોકો પોતાના તહેવાર સરસ રીતે ઊજવતા હોય છે. ગુજરાતીઓના તો ઘણાં બધાં એસોસિયેશન છે, પંજાબીઓનાં બેથી ત્રણ ગુરુદ્વારા અને એસોસિયેશન છે, બહોરા લોકો પણ અહીં પોતાની હાજરીની નોંધ કરાવતા હોય છે, ત્યાં સુધી કે બહોરા સમાજના સૈયદના સાહેબને તો કેન્યાનું સર્વોચ્ચ સન્માન પણ અપાયું છે, જે પ્રેસિડેન્ટ જેવા 4થી 5 લોકો પાસે જ છે.
ગુજરાતીઓમાં પટેલની બેથી ત્રણ સંસ્થાઓ છે, બીએપીએસનું મંદિર છે, કચ્છ અને વડતાલ ધામનું મંદિર છે આમ સ્વામિનારાયણનાં ત્રણથી ચાર મંદિર છે. અહીં આશરે 100 વર્ષ જૂનું રામમંદિર પણ છે. સનાતન ધર્મની પણ અહીં બહુ મોટી સંસ્થા છે, સ્વામી દયાનંદ સરસ્વતીને માનનારા લોકો પણ અહીં ઘણા છે, બ્રહ્માકુમારી સારી રીતે કાર્યરત્ છે. આ સિવાય પ્રજાપતિ, લોહાણા અને પટણી સહિતની જ્ઞાતિઓનાં મંડળ અને અનેક સંસ્થાઓ પણ અહીં કાર્યરત્ છે અને પોતાના જ કોમ્યુનિટી હોલમાં સુંદર કાર્યક્રમનું આયોજન પણ કરે છે. હમણાં જ એક કાર્યક્રમમાં સોરઠિયા પ્રજાપતિ મંડળ કોમ્યુનિટી હોલમાં થયો હતો. આપણાં ભારતીય સંગઠનો અને લોકોએ અહીં સુંદર રીતે પોતાની જાતને ઢાળી અને પોતાની વિશેષ હાજરીનો પરિચય આપ્યો છે.
સી.બી. પટેલે આ અંગે રોહિતભાઈ વઢવાણાને નમ્રતાપૂર્વક જણાવ્યું કે, કેન્યાને, ગુજરાતને અને ગુજરાતીઓને જૂનો સંબંધ છે. જ્યારે વાસ્કો-ડી-ગામા મોમ્બાસા નજીક લામુ બંદરે પહોંચ્યો અને ભારતનો રસ્તો શોધવો હતો, ત્યારે રામસિંહ માલમ નામનો ગુજરાતી ખલાસીએ તેમની મદદ કરી હતી. પાન આફ્રિકામાં, યુએન નેશનમાં બધી રીતે કેન્યા પ્રવૃત્ત છે.
કેન્યામાં સૌપ્રથમ દાઉદી વોહરા આવ્યા, કચ્છથી કરીમજી જીવણજી. તે ગાળામાં ભાટિયા, ઇસ્માઇલી ખોજા અને બાદમાં પટેલો, લોહાણા વગેરે વગેરે આવ્યા. જો કે ભારતને ડેવલપ કરવામાં કચ્છી માડુઓએ અને ઓશવાલનો મોટો ફાળો છે. અત્યારે પણ મોટામાં મોટું કામ તેઓ કરે છે. આર્થિક રીતે તંદુરસ્ત કચ્છીઓ સખાવત પણ બહુ કરે છે, જેમાં સ્થાનિક સંસ્થાઓ અને હોસ્પિટલ મોખરે છે. રોહિતભાઈ આપ આ વિશે કંઈ કહી શકો?
રોહિતભાઈ વઢવાણાએ જવાબ વાળતાં જણાવ્યું કે, કચ્છી પટેલ અહીં મોટા પ્રમાણમાં છે. તમે વાસ્કો-ડી-ગામા અંગેનું જે વર્ણન કર્યું કે તેઓ કાલિકટ નામની જગ્યાએ આવ્યા અને એક ગુજરાતી ખલાસીએ તેમને આ રસ્તો બતાવ્યો હતો. જો કે તે ખલાસીએ વાસ્કો-ડી-ગામાને ગુજરાત નહીં પણ કેરલના કાલિકટ બંદરે મોકલી દીધા હતા. હા, કચ્છીઓની અહીં અસંખ્ય અને ખૂબ મજબૂત સંસ્થાઓ છે. તેઓ જે ઢો લઈને વેપાર વાણિજ્ય માટે તાન્ઝાનિયા, કેન્યા, દાર-એ-સલામ કે મોમ્બાસા પોર્ટ પર આવતા, ત્યારે પણ તે મહત્ત્વનાં અને મોટાં પોર્ટ ગણાતાં, જે અત્યારે પણ છે.
અત્યારે તો જિયો પોલિટિક્સ જોઈએ તો દાર-એ-સલામ અને મોમ્બાસા વચ્ચે સ્પર્ધા ચાલે છે, જે સારું પણ છે. જેનાથી બંને અર્થતંત્રનો વિકાસ થશે. ભારત અને કેન્યાનો વેપાર ખૂબ મજબૂત છે એવું કહી શકાય. ભારત લગભગ કેન્યાના વેપારી ભાગીદાર તરીકે બીજા કે ત્રીજા સ્થાને હોય છે. ખાસ કરીને આપણી આસપાસ યુએઈ અને ચીન રહેતાં હોય છે. ચીન અહીં પણ નંબર વન પર છે, પરંતુ વધારે ફરક નથી. ભારત બીજા ક્રમે રહેતું હોય છે. હમણાં હમણાં યુએઈથી વધારે પ્રમાણમાં ક્રૂડની ખરીદી થતાં યુએઈ બીજા સ્થાને આવી ગયું છે. જો કે ત્યાંથી પણ ભારતીયો જ આ વ્યવસાય કરી રહ્યા છે, એટલે કે એ ભારતનો જ વેપાર છે તેમ કહી શકાય. વ્યાપારી સંબંધો સારા છે અને હજુપણ તે ટ્રેડિશન જળવાઈ રહી છે. અહીંયાના લોકોને કંઈ જરૂર હોય તો તેઓ ભારતને વિશ્વાસપાત્ર સ્થળ માને છે, ભલે તે સર્વિસ હોય કે વસ્તુઓની ખરીદી.
આજે જ મારી એક ભારતીય કંપની સાથે મીટિંગ હતી, જેણે કેન્યાની એક સ્થાનિક કંપની સાથે મળીને ટેન્ડરમાં ભાગીદારી કરી હતી, અને એ ટેન્ડર હતું ‘કોમોડિટી એક્સચેન્જ ઓફ કેન્યા’ને સ્થાપિત કરવાનું. કોમોડિટી એક્સચેન્જ જ્યારે કેન્યામાં સ્થાપિત થઈ રહ્યું છે અને એની સ્થાપના અને તેની ટેક્નોલોજી માટે ઇન્ડિયન કંપની કામ કરી રહી છે, તે પણ ટેન્ડર જીતીને. આ તો એક ઉદાહરણ છે. ભારતની ઘણી બધી હોસ્પિટલ્સમાં ઇસ્ટ આફ્રિકાના લોકો કેન્સર જેવી ગંભીર બીમારીના ઇલાજ માટે જતા હોય છે. આપણને ખ્યાલ જ છે કે ભારત વિશ્વ માટે મેડિકલ હબ બની રહ્યું છે, તેનો પૂર્વ આફ્રિકાના લોકો પણ લાભ લઈ રહ્યા છે.
કેન્યામાં મેડિકલ સુવિધાઓ ઘણી સારી છે, પરંતુ ગંભીર બીમારીમાં તેમને ભારત જવું પડતું હોય છે. અહીં ભારતીય ડોક્ટર્સ પણ મોટા પ્રમાણમાં છે. અહીં ભારતીયોની પોતાની હોસ્પિટલ્સ પણ છે, અને કેન્યન હોસ્પિટલ્સ પણ છે. કેન્યાના લોકો પણ વેપારી વિચારબુદ્ધિ ધરાવે છે અને ભારતીય ડોક્ટર્સને પ્રોફેશનલ્સ રિલેશનથી લાવે પણ છે.
સી.બી. પટેલે જણાવ્યું કે, કેન્યાથી ઘણા લોકો દ્વારા ભારતીય હાઇ કમિશનર વિશેના વ્યૂ સારા હોવાનો ઉલ્લેખ થાય છે. તમે ઘણી જગ્યાએ જાઓ છો, કેન્યા બ્રિટનની સરખામણીએ ઘણો મોટો દેશ છે. વર્ષો પહેલાં 1951-52માં ત્યાં નવાનવા ભારતના હાઇ કમિશનર તરીકે અપ્પાસાહેબ પંત હતા, તેમના વિશે આપ જાણતા હો તો કહો કે ભારતીય લોકો કેટલા ખમતીધર હતા.
રોહિતભાઈએ અપ્પાસાહેબ પંત વિશે જણાવ્યું કે, તેઓ અહીં ભારતના બ્રિટિશ રિજિયોનલ કમિશનર તરીકે આવ્યા હતા અને ઇસ્ટ આફ્રિકામાં રિજિયોનલ કમિશનર તરીકે રહ્યા હતા. તેઓ કેન્યા અને નાઇરોબીમાં ખૂબ પ્રખ્યાત હતા. ત્યાં સુધી કે કેન્યન લોકો પણ તેમને ચાહતા હતા. તેમણે ખૂબ સરસ રીતે પોતાનું સ્થાન અહીં જમાવ્યું હતું. કહેવાય છે કે કેન્યાની આઝાદીની ચળવળમાં પણ તેમનું મોટું યોગદાન હતું, તેમણે લોકોને કેવી રીતે સ્વતંત્રતાની ચળવળ ચલાવી શકાય તે બાબતો અંગે પણ તેમણે માર્ગદર્શન આપ્યું હતું. તેઓને હું કેન્યાના પ્રખર મિત્ર કહી શકું.
અપ્પાસાહેબ પંતને અહીં હાઇ કમિશન અને હાઇ કમિશનના રહેણાક માટે જે જમીનની ફાળવણી થઈ હતી, ત્યાં અમારા તમામનાં આવાસ છે. ડીએનસીનું જે ઘર છે, જેમાં હું અત્યારે રહું છું, કહેવાય છે કે ત્યાં જ અપ્પાસાહેબ પંત રહેતા. બાદમાં અલગથી ઇન્ડિયા હાઉસ એટલે કે ભારતના હાઇ કમિશનરનું ઘર અમે જગ્યા લઈ ત્યાં બંધાવ્યું, ત્યાં પાંચ એકરની જગ્યામાં બંધાયેલો કોમ્યુનિટી હોલ આજે પણ અપ્પાપંત હોલ તરીકે ઓળખાય છે.
થોડા સમય પહેલાં એક બહેન મળ્યાં હતાં. એ બહેન તે સમયે અપ્પાસાહેબ પંતને મળ્યાં હશે. તેઓ કહેતાં હતાં કે, તમારા જે અહીંના હાઇ કમિશનર અપ્પાસાહેબ કેટલા હેન્ડસમ હતા. બહુ સારા હતા. આમ તેમની ઉંમરના લોકો પાસેથી અપ્પાસાહેબ અંગે તેમના વ્યક્તિત્વ અને અન્ય કારણો અંગે ખૂબ સારું સાંભળવા મળ્યું હતું.
સી.બી. પટેલે જૂનાં સંભારણાં યાદ કરતાં જણાવ્યું હતું કે, મેં અપ્પાસાહેબ સાથે કામ કર્યું છે. તેમના માટે મને ખૂબ માન છે. તેઓ જ્યારે કેન્યામાં હાઇ કમિશનર હતા, ત્યારે કેન્યા - આફ્રિકન નેશનલ યુનિયન ‘કાનુ’ KANU બધાને ભારત સરકારની નીતિ પ્રમાણે ખૂબ મદદ કરતા હતા. એટલું બધું કામ થતું હતું કે, બ્રિટિશ સરકારના ડંકન સેન્ડ સેક્રેટરી સ્ટેટ ફોર કોમનવેલ્થ તરીકે ફરજ બજાવતા હતા. ઇન્ડિયા તે જમાનામાં જુદુ હતું, અત્યારે ઇન્ડિયા ભલભલાને કહી દે છે કે, ‘માઇન્ડ યોર બિઝનેસ’. ભારત પર દબાણ થયું અને અપ્પાસાહેબને પાછા બોલાવી લેવા પડ્યા. તેઓ મહારાષ્ટ્રમાં કોલ્હાપુર પાસે ઓંધના રાજાના દીકરા હતા. તેમ ગુજરાતમાં દરબાર ગોપાલસાહેબે તેમના સાડાત્રણ ગામ ઢસા પ્રજામંડળને સોંપી દીધાં, તેવું જ મહાન કાર્ય અપ્પાસાહેબ પંતના પિતાએ કર્યું હતું.
અપ્પાસાહેબ ઉચ્ચ વિદ્વાન પણ હતા, તેઓ લંડન આપ્યા. જાણવા જેવું છે 1971ના સમયે ઇન્ડિયા અને ઇન્દિરા ગાંધી થોડાં જુદાં હતાં. અહીં હાઇ કમિશનર તરીકે જગ્યા ખાલી પડી, જીવરાજ મહેતા પાછા જઈ રહ્યા હતા, ત્યારે ઇન્ડિયાએ અપ્પાસાહેબ પંતને મોકલી આપવા ભલામણ કરી. બ્રિટિશ સરકાર આઘીપાછી થતી હતી. ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું કે, અપ્પાસાહેબ પંત તમને માન્ય ન હોય તો જગ્યા ખાલી રાખીશું, અને અપ્પાસાહેબ અહીં આવ્યા. હું એમનો ખૂબ મોટો ચાહક છું. 5 મે 1972ની તારીખે ગુજરાત સમાચારના પ્રથમ અંકનું તેમના હાથે વિમોચન થયું.
બીજી પણ બે-ત્રણ મજાની વાત કરું તો નાઇરોબીમાં પ્રીમિયર ક્લબ છે, પહેલાં તેનું નામ પટેલ ક્લબ હતું. ઘણા બધા બદલાઈ રહ્યા છે. બેરોનેસ ઉષા પ્રાશર અને હું ગયા અઠવાડિયે સાથે હતાં. તેમણે કહ્યું કે, અમારા વિસ્તારમાં લગભગ ત્રણથી પાંચ ભારતીય-કેન્યાના વંશજો હાઉસ ઓફ લોર્ડ્સ અને કોમર્સમાં છે, જેમનું કેન્યા કનેક્શન છે. મને લાગે છે કે બીએપીએસનો પણ ઉલ્લેખ જરૂરી છે. મારો અંગત અનુભવ કહું તો યોગીબાપા એક અદભુત સંત હતા. હમણા આ વખતના ગુજરાત સમાચારના પ્રથમ પેજથી લઈ ચાર પાનાં અબુધાબી મંદિર અંગેનાં હતાં. અબુધાબી મંદિર અદભુત મંદિર છે.
તેની શરૂઆતનો શ્રેય કેન્યાના બે પટેલને જાય છે - હરમાનભાઈ પટેલ અને મગનભાઈ પટેલ. આ બે પટેલ જુવાન યુવાવસ્થામાં અવારનવાર યોગીબાપાને અને શાસ્ત્રીબાપાને ભારતમાં મળે. યોગીબાપાએ પ્રેરણા આપી, કંઠી પહેરાવી કેન્યામાં સત્સંગ કરવા જણાવ્યું અને એ લોકોએ સત્સંગ શરૂ કર્યો. પહેલાં કચ્છી લોકોનું ધર્મ કામકાજ હતું. બોચાસણવાસી એટલે કે બીએપીએસ કહેવાય એનું પ્રથમ મંદિર 1955માં થયું. હું એવું માનું છું કે કોઈ પળે, કોઈ સ્થળે કોઈ સંત પુરુષ સંકલ્પ કરે તો સાકાર થાય છે. એ વખતે યોગીબાપાએ કહ્યું હતું કે, ભવિષ્યમાં લંડનમાં આપણું મંદિર થશે. લંડનમાં તો ઘણાં બધાં મંદિરો છે, હું માનું છું કે મંદિર ભગવાનની જ નહીં આપણી સેવા માટે પણ છે. અમિરાતમાં આ પ્રમાણે 5 એપ્રિલ 1997એ પ્રમુખસ્વામી ગયા હતા, જેમનો રોહિતભાઈ પટેલના ઘરે મુકામ હતો. ક્યાંથી શરૂઆત થઈ અને ક્યાં આગળ વધ્યું તે અલગ વાત છે, પરંતુ અબુધાબી મંદિરનો સંકલ્પ કર્યો અને ગયા મહિને તેનું ઉદઘાટન પણ થયું. પ્રથમ વીકએન્ડમાં 65 હજાર લોકોએ દર્શન કર્યાં. ધર્મ નહીં આ આપણો અધ્યાત્મ છે, આપણી પરંપરા છે. હું માનું છું કે ભારતનું પુનરુત્થાન થઈ રહ્યું છે.
કેન્યામાં જે થઈ રહ્યું છે, જે પ્રમાણે વૈશ્વિક, આર્થિક અને રાજકીય રીતે અને કેન્યાનું આફ્રિકામાં જે સ્થાન છે તેને જોતાં છેલ્લાં 50થી 60 વર્ષમાં શું થયું? 1905માં ગાંધીજી મોમ્બાસા ગયા હતા અને કેન્યા ઇન્ડિયન કોંગ્રેસની સ્થાપના થઈ હતી. રોહિતભાઈ સાહેબ આ વિશે અમને જણાવો.
રોહિતભાઈ વઢવાણાએ કેન્યાનું સ્થાન આફ્રિકામાં ખૂબ મોટું છે. કેન્યાના રાષ્ટ્રપતિ 5 ડિસેમ્બર 2023એ ઇન્ડિયા સ્ટેટ વિઝિટમાં ગયા હતા. મહત્ત્વપૂર્ણ છે કે, એશિયામાં પ્રથમ વિઝિટ તેમણે ભારતની કરી છે. આપણા માટે તો કેન્યા મહત્ત્વનું છે જ, પરંતુ કેન્યાનું બીજું મહત્ત્વ એટલા માટે પણ છે કે આખા વિશ્વના ગ્લોબલ સાઉથમાં યુએનનું હેડ ક્વાર્ટર માત્ર નાઇરોબીમાં છે. એટલે યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ અને યુનાઇટેડ નેશન્સ હેબિટાટ બંનેનાં હેડ ક્વાર્ટર નાઇરોબીમાં છે. અહીં સિવાય યુએનનાં અન્ય હેડ ક્વાર્ટર ગ્લોબલ સાઉથમાં નથી, બધાં વેસ્ટર્ન પાર્ટ વિયેના, જિનિવા, ન્યૂયોર્કમાં જ છે.
વચ્ચે સમાચારમાં પણ આવ્યું હતું કે, કેન્યાના રાષ્ટ્રપતિ મે મહિનામાં અમેરિકાની મુલાકાત લેવાના છે. વર્ષ 2008 બાદ આફ્રિકાના કોઈ લીડરની અમેરિકામાં સ્ટેટ વિઝિટ નથી થઈ. મહત્ત્વનું છે કે, આટલાં વર્ષો બાદ આફ્રિકાના લીડર - કેન્યાના રાષ્ટ્રપતિની અમેરિકામાં સ્ટેટ વિઝિટ થવા જઈ રહી છે. યુએસએની સૌથી મોટી એમ્બેસી કેન્યામાં છે, જેમાં યુએસએના 4500 લોકો છે. યુકેનું મિશન અહીં બહુ મોટું છે, લગભગ તેમનું બીજું સૌથી મોટું મિશન અહીં આફ્રિકામાં હોય તો કે કેન્યામાં છે.
આપણી પણ મધ્યમ કક્ષાની એમ્બેસી અહીં છે. તમામ કન્ટ્રી માટે જો કોઈ જિયો પોલિટિકલ, જિયો સ્ટ્રેટેજિકલ મહત્ત્વ ધરાવતું હોય, વેલ્યૂ ડેમોક્રેસી અને સ્ટેબલ ડેમોક્રેસી જો આસપાસ હોય તો તે કેન્યા છે. આ વખતની તમે ચૂંટણી જોઈ તો તેમાં બે ઉમેદવાર રાષ્ટ્રપતિપદ માટે ખૂબ નજીક રહ્યા, લગભગ અડધા ટકાનો જ મતનો ડિફરન્સ હતો. એટલા માટે જે ઉમેદવાર હાર્યા તે સુપ્રીમ કોર્ટમાં ગયા કે મતગણતરીમાં કોઈ ભૂલ થઈ હોવાની રજૂઆત કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે જ્યારે ફાઇનલ ડિસિઝન આપ્યું તો એ ઉમેદવારે કહ્યું કે, સારું અમે આ સરકારને નહીં માનીએ, કારણ કે અમે આ સરકારમાં નથી માનતા, પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશને અમે માનીએ છીએ. બાદમાં સુચારુ રીતે તેમણે પોતાના પોલિટિકલ પ્રોટેસ્ટ કર્યા, પરંતુ ખૂબ શાંતિપૂર્વક રીતે.
આ બતાવે છે કે કેટલી સરસ ડેમોક્રેસી અહીં સ્થાપિત થઈ રહી છે. અત્યારે આફ્રિકાના અન્ય દેશોમાં લશ્કરી બળવા સહિતના ઇશ્યૂ ચાલી રહ્યા છે, ત્યારે અહીં કેન્યામાં ખૂબ સ્થાપિત ડેમોક્રેસી છે. બિઝનેસ એન્વાયર્નમેન્ટ સારું છે, આ ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રી છે.
આસપાસના લોકો મને કહેતા હોય છે કે બિઝનેસ માટે જ્યારે તમે એમ્પ્લોઇ રાખો ત્યારે કેન્યાના લોકોને રાખો. તેઓ ખૂબ બાહોશ અને સ્કિલફુલ જોવા મળે છે. પોલિસી પ્રમાણે પણ કેન્યા યુએનમાં અને આંતરરાષ્ટ્રીય રીતે એક્ટિવ દેખાય છે, તે બતાવે છે કે કેન્યાનો ગ્રોથ બહુ સાચી દિશામાં થઈ રહ્યો છે. ભારતીય તરીકે આપણા માટે પણ ગૌરવની વાત છે કે, આપણે કેન્યાના અને કેન્યા આપણું બહુ સારું મિત્ર છે, બહુ સારા સંબંધ આપણા બંને દેશ વચ્ચે છે. ત્યાં સુધી કે યુકે અને કેન્યાના સંબંધ પણ બહુ સારા છે. તમને કેન્યા આવતાં સકારાત્મકતા અનુભવાશે.
મસાઈમારા અહીંનું ખૂબ પ્રચલિત સ્થળ છે, જે લોકોની બકેટ લિસ્ટમાં હોય છે કે જીવનમાં એકવાર ચોક્કસ મસાઈમારાની યાત્રા કરવી છે.
તમને આનંદ થશે કે 2024 માટે બેસ્ટ પ્લેસ ટુ વિઝિટ અને બેસ્ટ સિટી ટુ વિઝિટ નાઇરોબીને જાહેર કરવામાં આવ્યું છે. ભારતીયો અને ખાસ ગુજરાતીઓ માટે તો આ સ્થળ વધારે સારું છે, કારણ કે અહીંથી મુંબઈ અને દિલ્હીની સીધી ફ્લાઇટની વ્યવસ્થા છે, ભારતીયો અને ગુજરાતીઓની સ્વીકૃતિ અહીં ખૂબ સારી છે.
ઉપરાંત પૂર્વ આફ્રિકા અને તેમાં પણ ખાસ કેન્યાનું ક્લાઇમેટ ખૂબ સારું છે. આખા વર્ષમાં ક્યારેય 30 ડિગ્રીથી ઉપર ટેમ્પરેચર નથી જતું અને 10 ડિગ્રીથી નીચે તાપમાન નથી જતું. થોડીઘણી ગરમી થાય તો વરસાદ આવી જાય છે. આ જગ્યા હરિયાળી છે, સુંદર ચાના બગીચા, સુંદર વન્ય જીવન છે, એટલે કે સુંદર વાતાવરણ છે. મારી અપીલ છે કે મારા અહીંના રોકાણ દરમિયાન જો શક્ય હોય તો અહીંની મુલાકાત જરૂર લેજો. આફ્રિકા સસ્તું નથી, ઘણીવાર એવું લાગે કે ટૂરિઝમ ક્ષેત્રે લંડન આફ્રિકા કરતાં ઇઝી છે. આફ્રિકા ઓવરઓલ મોંઘું હોય છે, અને તેનાં ઉચિત કારણો પણ છે.
સી.બી. પટેલે તેમના આ જવાબથી ખૂબ સંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે, હું તમારો આભારી છું. તમે સાગરને ગાગરમાં સમાવવાનો પ્રયત્ન કર્યો છે. આપનું આ વર્ણન ઘણા લોકોના કામમાં આવશે. ઇકોનોમિસ્ટ મેગેઝિન 2015માં 3 પાનાંનો અને 5 હજાર શબ્દોમાં એક આર્ટિકલ આવ્યો હતો, ‘ગ્લોરિયસ ગુજરાતી.’ તેમાં એક ઉલ્લેખ છે કે ચીનવાળા આફ્રિકામાં બહુ ગયા અને બહુ ફેલાઈ ગયા, પરંતુ તે ગવર્નમેન્ટના પૈસા હતા. તો ઇન્ડિયન બિલિયોનેર્સ આફ્રિકામાં બધી જગ્યાએ છે, ક્યાંક વધારે તો ક્યાંક ઓછા. જો કે તેઓનો પ્રાઇવેટ બિઝનેસ છે, એ ભારતના બેસ્ટ એમ્બેસેડર છે. આ ઓડિયન્સમાં બે વ્યક્તિ મને ખૂબ ગમી, એક કુસુમબહેન લાખાણી તો બીજા વિજ્યાબહેન અને રવજીભાઈ ભંડેરી. આપ સહુ જોડાયા તે બદલ આપ સૌનો ખૂબખૂબ આભાર.
આવતા ગુરુવારે આપણે બધાને અબુધાબી જવાનું જ છે, ગુજરાત સમાચારની પાંખે-પાંખે. આભાર દર્શન કરતાં મહેશભાઈ લીલોરીયાએ જણાવ્યું કે, આજની સોનેરી સંગત ખરેખર સકારાત્મક, જ્ઞાનવર્ધક, અદભુત અને અવિસ્મરણીય બની રહી છે, એની પાછળ ઘણાં કારણો છે. ખાસ અમારા મુખ્ય મહેમાન અને વક્તા શ્રી રોહિતભાઈ વઢવાણા, જેઓએ વ્યસ્તતા છતાં સમય કાઢીને માહિતી અને જ્ઞાન આપ્યું. તેમણે ખરેખર આપણને લાગણીઓ સાથે જોડ્યા છે, એકબીજાના સંવેદનાના તાર તેમણે ફરી જીવંત કરી દીધા છે. ભલે તે યુકેની વાત હોય, ઇન્ડિયાની વાત હોય, કેન્યાની વાત હોય, આપણા સંબંધોની વાત હોય, સંસ્કારની વાત હોય, સંસ્કૃતિની વાત હોય, ઇતિહાસની વાત હોય, વર્તમાનની વાત હોય કે ભવિષ્યની વાત હોય.
આ તમામ ચર્ચા આપણા વચ્ચે થઈ છે. એટલે જ સી.બી. પટેલ કાયમ કહે છે કે, રોહિતભાઈ ખરા અર્થમાં મારા ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ છે. સી.બી. સર જે કહે છે તેમ ખરેખર યથાર્થ છે, રોહિતભાઈ વિદ્વતા, સૌમ્યતા, શાલીનતાનું પ્રતિનિધિત્વ કરે છે. રોહિતભાઈ જેવા જીવંત અને સંસ્કૃતિ-સમાજને જોડનારા માણસ ત્યાં છે તો કેન્યાના હૃદયમાં ભારત ધબકવાનું જ છે. હજુપણ રોહિતભાઈની સ્મૃતિઓ અમારી અંદર ધબકે જ છે, કારણ કે અમે પણ રોહિતભાઈની સાથે લાંબો સમય અહીં કાઢ્યો છે. સી.બી. પટેલનો ખાસ આભાર માનું છું કે જેઓ ‘સોનેરી સંગત’ દ્વારા વિવિધ આયામ સર કરવાની અમને પ્રેરણા આપે છે. આવતા ગુરુવારે 3 વાગ્યે અમે અબુધાબી જવાના છીએ. સી.બી. પટેલ સાહેબે કહ્યું તેમ ત્યાં એક ઇતિહાસ સર્જાયો છે. હિન્દુ મંદિરનું ત્યાં જે ભવ્ય નિર્માણ થયું છે, એ માત્ર નિર્માણ જ નહીં એ આધારશિલા છે એકબીજાને સમજવાની, એકબીજાનું સન્માન કરવાની. વસુધૈવ કુટુંબકમની ભાવનાઓ અહીં ફળિભૂત થઈ રહી છે. આવતા ગુરુવારે જોવાનું ચૂકતા નહીં.
સદ્ભાગ્યે બ્રહ્મવિહારી સ્વામી આપણી સાથે વાર્તાલાપમાં જોડાઈ રહ્યા છે. BAPS અબુધાબી હિન્દુ મંદિરના તેઓ સ્વપ્નદૃષ્ટા છે. પરમપૂજ્ય પ્રમુખ સ્વામી બાપાના તેઓ પર સંપૂર્ણ આશીર્વાદ ઉતર્યા છે. ચાલો અબુધાબી...
કચ્છ લેઉવા પાટીદાર સમાજ અને ઓશવાલ એસોસિયેશન સુંદર સેવા આપી રહ્યાા છે. પોટર્સ બારમાં ઓશવાલ એસોસિયેશનનું એક ભવ્ય સેન્ટર કાર્યરત્ છે. જ્યારે SKLPCનું સેન્ટર નોર્થ હોલમાં 21 મિલિયન પાઉન્ડના ખર્ચે ઇન્ડિયા ક્લબ તરીકે બની રહ્યું છે.