નવી દિલ્હીઃ મધ્યપ્રદેશના ધારસ્થિત ભોજશાળા પરિસરનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ ચાલુ રહેશે. સર્વોચ્ચ અદાલતે એએસઆઇ સરવે પર પ્રતિબંધ મૂકવાની ના ભણી દીધી છે. સાથે જ ભારતીય પુરાતત્ત્વ શાખાના સરવે રિપોર્ટના આધારે કોઈ કાર્યવાહી ન કરવાનો નિર્દેશ કર્યો છે. અદાલતે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે એએસઆઇ પરિસરનાં ધાર્મિક તથ્યોને નુકસાન ન થાય તેવાં ખોદકામ વગેરે જેવાં કોઈ કાર્યો ન કરે.
ન્યાયમૂર્તિ પ્રશાંતકુમાર મિશ્રા અને ન્યાયમૂર્તિ ઋષિકેશ રૉયની પીઠે સરવે પર પ્રતિબંધ અંગે ધારની મૌલાના કમાલુદ્દીન વેલ્ફર સોસાયટીએ કરેલી અરજીની સુનાવણી કરી રહી હતી. સુપ્રીમકોર્ટે મુસ્લિમ સમાજની અરજી અંગે તમામ પક્ષોને નોટિસ પાઠવીને 4 સપ્તાહમાં જવાબ માગ્યો છે. વાસ્તવમાં ભોજશાળા એએસઆઈ દ્વારા આરક્ષિત 11મી સદીનું સ્મારક છે. હિન્દુ આ સ્મારકને વાગ્યેવી (મા સરસ્વતી) ને સમર્પિત મંદિર માને છે જ્યારે મુસ્લિમો કમાલ મૌલા મસ્જિદ હોવાનો દાવો કરે છે.