મહિલા પાસે બિઝનેસ ક્લાસની ટિકિટ હોવાં છતાં ઈકોનોમી ક્લાસમાં પ્રવાસ કરવાની ફરજ પડી

ગ્રાહકો સાથે દુર્વ્યવહાર અને નિમ્તસ્તરીય સેવામાં અવ્વલ એર ઈન્ડિયા આરોપીના પિંજરામાં

Wednesday 03rd April 2024 08:40 EDT
 
 

નવી દિલ્હીઃ એર ઈન્ડિયા ગ્રાહકો સાથે ખરાબ વ્યવહાર અને નિમ્ત સ્તરીય સેવાના મુદ્દે ફરી આરોપીના પિંજરામાં ખડી થઈ છે. મિસ વિતસ્તા નામની એક મહિલાએ આક્ષેપ કર્યો છે કે તેની માતા પાસે બિઝનેસ ક્લાસની ટિકિટ હોવાં છતાં તેમને ઈકોનોમી ક્લાસમાં પ્રવાસ કરવાની ફરજ પડાઈ હતી. તેમણે એરલાઈનની વર્તણૂકને તદ્દન વાહિયાત ગણાવી ગ્રાહકો પ્રતિ કોઈ સન્માન ન રાખવા બદલ એર ઈન્ડિયાની ભારે ટીકા કરી સુધરી જવાની સલાહ પણ આપી હતી. દરમિયાન, સોશિયલ પ્લેટફોર્મ એક્સ પર કરાયેલી આ પોસ્ટ વાઈરલ થયાં પછી એર ઈન્ડિયાએ મિસ વિતસ્તાનો સંપર્ક સાધી એરપોર્ટ ટીમ સાથે તેમના આક્ષેપોની પ્રાથમિકતાના ધોરણે તપાસ કરાઈ રહી હોવાની હૈયાધારણ આપી હતી.
મિસ વિતસ્તાએ એક્સ પર જણાવ્યું હતું કે એરલાઈને દિલ્હીથી વોશિંગ્ટન ડીસીની લાંબી ફ્લાઈટમાં તેની માતાની બિઝનેસ ક્લાસની બેઠક અન્ય પ્રવાસીને ફાળવી દીધી હતી. તેણે માતાના અનુભવ વિશે જણાવ્યું હતું કે તેની માતાને પહેલા જણાવાયું હતું કે તેમની બિઝનેસ ક્લાસની સીટ પાછળની તરફ ખસતી નથી. આ પછી, આ બેઠક ક્રુ માટે રીઝર્વ હોવાનું કહેવાયું હતું પરંતુ, પાછળથી તે સીટ પર અન્ય પ્રવાસી બેઠેલો જણાયો હતો. તેની માતાને ફિક્સ્ડ આર્મસેટ સાથેના ઈકોનોમી ક્લાસમાં ખસેડવામાં આવી હતી જે તદ્દન આરામ વિનાની હતી. દિલ્હીસ્થિત ગ્રાઉન્ડ સ્ટાફનું વર્તન તદ્દન અવિવેકી અને અપમાનજનક હતું. ફ્લાઈટ મેનિફેસ્ટમાં તેમની માતાનો ઉલ્લેખ બિઝનેસ ક્લાસ પેસેન્જર તરીકે હોવાં છતાં, ઈકોનોમી ક્લાસમાં પ્રવાસની ફરજ પડાઈ હતી. જો તેઓ ઈકોનોમી ક્લાસમાં પ્રવાસ નહિ કરે તો તેમનો સામાન વિમાનમાંથી ઉતારી લેવાશે તેવી ધમકી પણ ગ્રાઉન્ડ સ્ટાફે આપ્યાનું પોસ્ટમાં જણાવાયું હતું.
તેમણે પાછળથી જણાવ્યું હતું કે એરલાઈને ભાડાંનાં 75 ટકા વળતર અને અપગ્રેડ વાઉચર આપવાની ઓફર કરી છે. પરંતુ, મુદ્દો તો એ જ રહે છે કે મારી માતાની સીટ અન્ય પ્રવાસીને અપાઈ હતી. તેમની માતાને આરોગ્યની સમસ્યાઓ છે અને આરામદાયક પ્રવાસ માટે વધુ નાણા ખર્ચી બિઝનેસ ક્લાસની ટિકિટ ખરીદી હતી. જોકે, નેટિઝન્સે 75 ટકા વળતર નહિ સ્વીકારવા અને સેવાના અભાવના મુદ્દે કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદની સલાહો પણ આપી છે.


comments powered by Disqus