રાજકોટઃ લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની રાજકોટમાં ક્ષત્રિય સમાજ અંગેની ટિપ્પણી બાદ તેમને બદલવાની માગ સાથે સૌરાષ્ટ્રમાં રેલી, વિરોધ પ્રદર્શન યોજાયાં હતાં. રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજ અને ખાસ ક્ષત્રિય મહિલાઓ આકરાપાણીએ છે અને તેમને રાજ્યની કોઈપણ બેઠક પર ચૂંટણી લડવા નહીં દઈએ એ પ્રકારે ચીમકી આપી છે. ઉલ્લેખનીય છે કે રૂપાલા દ્વારા અત્યાર સુધી બે વાર માફી માગવામાં આવી છે.
ગુજરાત રાજપુત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પી.ટી. જાડેજાએ જણાવ્યું કે, અમે જિલ્લાવાર બેઠકો શરૂ કરી છે અને રાજકોટ ખાતેથી 5 લાખ ક્ષત્રિયો રૂપાલા સામે વિરોધ વ્યક્ત કરવા રણટંકાર કરે તે માટે સંગઠન સ્તરેથી કાર્યક્રમો ચાલુ કરી દેવાયા છે. અમારી કોર કમિટિની બેઠક તા.4ના રોજ મળી રહી છે, જેમાં મહાસંમેલન રાજકોટ ખાતે યોજવા અંગે નિર્ણય લેવાશે. રૂપાલા દ્વારા કરાયેલા વાણીવિલાસને ક્ષત્રિય સમાજ કોઈકાળે ચલાવી નહીં લે. અમારા સમાજની 90 સંસ્થા દ્વારા પ્રચંડ વિરોધ વ્યક્ત કરાયો છે. આ માટે ગુજરાતના તમામ જિલ્લામાં બેઠકો ચાલી રહી છે.
સી.આર. પાટીલની અપીલ
રૂપાલાની ટિપ્પણી બાદ પ્રથમ વખત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે રાજપૂત સમાજને અપીલ કરતાં કહ્યું છે કે, રૂપાલાએ માફી માગી છે, હવે તેમને માફ કરી દો. રૂપાલાને ક્ષત્રિય સમાજ માફ કરે. નોધનીય છે કે, લોકસભા ચૂંટણી સમયે પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ભારે રોષ પ્રસર્યો છે. જેના કારણે ભાજપને સહન કરવાનું આવી શકે.
રાજ્યભરમાં પ્રદર્શન
પરષોત્તમ રૂપાલાએ જાહેરમાં માફી માગી હોવા છતાં ગુજરાતના ક્ષત્રિય સમાજમાં વિરોધ યથાવત્ છે. રાજકોટથી રૂપાલાનો વિરોધ શરૂ થયો, જે ધીરેધીરે મહેસાણા, બનાસકાંઠા, સાંબરકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, સુરતમાં પણ જોવા મળ્યો છે. રૂપાલા સામે રોષ હવે રાજસ્થાન સુધી પણ પહોંચ્યો છે.
ક્ષત્રિય સમાજમાં ભાગલા
ગોંડલમાં શુક્રવારે ભાજપ સાથે સંકળાયેલા વિવિધ ક્ષત્રિય આગેવાનોએ શપથ લઈ રૂપાલા અને ભાજપની સાથે રહેવાના કોલ આપ્યા હતા. જયરાજસિંહ જાડેજાએ વિવાદ અહીં પૂરો થયો છે એવી જાહેરાત કરી હતી. જો કે કરણીસેનાનાં મહિલા પાંખનાં વડા પદ્મિનીબા વાળાએ રૂપાલાની માફીને અસ્વીકાર્ય ગણાવી હતી.
મારા કારણે પાર્ટીને સાંભળવાનું થયું
ગોંડલ ક્ષત્રિય સમાજના આગેવાનોની મિટીંગમાં રૂપાલાએ બે હાથ જોડી માફી માંગતા કહ્યુ હતુ કે મારા વિધાનોથી પાર્ટીને સાંભળવાનું થયુ છે હું બે હાથ જોડીને માફી માંગુ છું.