નવી દિલ્હીઃ પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકે લદ્દાખને પૂર્ણ રાજ્યના દરજ્જા, છઠ્ઠી અનુસૂચિમાં લદાખના સમાવેશ સહિત કેટલીક માગણીઓ સાથે 21 દિવસ સુધી ઉપવાસ બાદ મંગળવારે પારણાં કર્યાં હતાં. તેમણે દાવો કર્યો હતો કે છેલ્લા એક દાયકામાં ચીને ભારતની 4000થી વધુ કિ.મી.ની જમીન પચાવી પાડી છે.
આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો આંદોલન સ્થળે પહોંચ્યા હતા અને માગણીઓના સમર્થનમાં નારાબાજી કરી હતી. સોનમ વાંગ્યુકે કહ્યું કે હવે મહિલાઓ ઉપવાસ શરૂ કરશે અને પછી અન્ય લોકો ઉપવાસ આગળ વધારશે.
અમારી માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રહેશે. લેહમાં સોનમ વાંગ્યુક બાદ હવે બૌદ્ધ, મુસ્લિમ અને ખ્રિસ્તી સંગઠનોની મહિલા પ્રતિનિધિઓ ઉપવાસ શરૂ કરશે. બીજી તરફ કારગિલમાં પણ કારગિલ ડેમોક્રેટિક અલાયન્સ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે.
આ સાથે તેમણે દાવો કર્યો હતો કે, તેઓ આ મહિને લદાખના લગભગ 10,000 લોકો સાથે ચીનની સરહદ સુધી મોરચો કાઢશે, જેથી દુનિયાને એ બતાવી શકાય કે ચીને ભારતની 4000થી વધુ કિ.મી. જમીન પચાવી પાડી છે. વાંગચુકના આ દાવાથી ખળભળાટ મચી ગયો છે.
આ સાથે તેમણે દાવો કર્યો હતો કે છેલ્લા એક દાયકામાં ચીને ભારતની 4000થી વધુ કિ.મી.ની જમીન પચાવી પાડી છે. લદાખના ભરવાડોને પહેલા તેઓ જ્યાં ઢોર ચરાવવા જતા હતા ત્યાં જવા દેવાતા નથી. હવે તેમને અનેક કિ.મી. પહેલા જ અટકાવી દેવાય છે. કારણ કે આ વિસ્તારમાં ભારતની ભૂમી ચીને પચાવી પાડી છે.