નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકે નહીં. દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ આવો સ્પષ્ટ મત આપ્યો છે. કહેવાતા લીકર કેસમાં ધરપકડ કરાયેલાં કેજરીવાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે તે જેલમાંથી સરકાર ચલાવશે.
ઉલ્લેખનીય છે કે, લીકર કૌભાંડના કેસમાં સોમવારે રાઉઝ એવેન્યૂ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 15 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ તિહાર જેલમાં ધકેલી દીધા છે. રાઉઝ એવેન્યૂ કોર્ટમાં ઇડીએ દાવો કર્યો હતો કે, વિજય નાયર આતિશી અને સૌરભ ભારદ્વાજને રિપોર્ટ કરતા હતા તેવું કેજરીવાલે પૂછપરછમાં કહ્યું હતું. આ સમયે કોર્ટ રૂમમાં હાજર કેજરીવાલ ચૂપ રહ્યા હતા અને મૌન સહમતી આપી હતી.
કેજરીવાલ તપાસને ગુમરાહ કરે છેઃ ઈડી
ઈડીએ કોર્ટને જણાવ્યું હતું કે કેજરીવાલે હજુ સુધી તેમને પોતાના ડિજિટલ ઉપકરણોનો પાસવર્ડ આપ્યો નથી. તેઓ પોતાનો ફોન પણ આપી રહ્યા નથી. ઈડી અનુસાર જ્યારે પણ કેજરીવાલને કોઈ સવાલ પૂછવામાં આવે છે ત્યારે તેઓનો એક જ જવાબ હોય છે કે મને જાણ નથી. ઈડીએ જણાવ્યું હતું કે કેજરીવાલ જાણીજોઈને તપાસને ગુમરાહ કરી રહ્યા છે. ઈડીના વકીલ જ્યારે કોર્ટમાં આતિશી અને સૌરભ ભારદ્વાજના નામનો ઉલ્લેખ કર્યો ત્યારે સૌરભ ભારદ્વાજ કોર્ટમાં જ હાજર હતાં. તેઓ પોતાનું નામ સાંભળીને ચોંકી ગયા હતાં.
જેલમાંથી સરકાર નહીં ચાલેઃ એલજી
વીકે સક્સેનાએ જણાવ્યું હતું કે, હું દિલ્હીના લોકોને ભરોસો આપી શકું છું કે સરકાર જેલમાંથી નહીં ચાલે. આ અંગે આપ તરફથી કોઈ પ્રતિક્રિયા અપાઈ નથી, જરૂર પડશે તો જેલથી સરકાર ચલાવવા કોર્ટનો પણ સહારો લેવામાં આવશે.