અમદાવાદઃ સુરત એપીએમસીની જે જમીન પર ફાઇવ સ્ટાર હોટેલ બંધાઈ છે, તેનો કબજો લઈ લેવા ગુજરાત હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધા માયીની ખંડપીઠે એક મોટો આદેશ રાજય સરકારને કર્યો છે. વધુમાં હાઇકોર્ટે આ વિવાદિત મિલકતની જાહેર હરાજી કરી તેની જે રકમ આવે તે રાજ્ય માર્કેટ ફંડમાં જમા કરવા પણ સરકારને હુકમ કર્યો હતો. સુરત એપીએમસીના સત્તાધીશો વિરુદ્ધ થયેલી જાહેરહિતની રિટની સુનાવણીમાં હાઇકોર્ટે આ હુકમ કર્યો હતો.
ચીફ જસ્ટિસની ખંડપીઠે માર્કેટયાર્ડના ઉમદા હેતુને નષ્ટ કરી માર્કેટ યાર્ડની જમીન પર લક્ઝુરિયસ હોટેલનું બાંધકામ કરવા બદલ સુરત એપીએમસીના કસૂરવાર સભ્યો વિરુદ્ધ કડક પગલાં લેવા પણ સરકારને હુકમ કર્યો હતો. હાઇકોર્ટે એગ્રિકલ્ચર, માર્કેટિંગ એન્ડ રૂરલ ફાઇનાન્સના ડાયરેક્ટરને કૃષિબજારના નિરીક્ષણ અંગે પણ હુકમ કર્યો હતો, જેને લઈ અરજદાર દ્વારા મોલની દુકાનો જ્વેલરી, કપડાં જેવી ચીજવસ્તુઓ માટે ભાડે આપી દેવાઈ હોવાનો અરજીમાં આક્ષેપ કર્યો હતો.