અગ્નિકાંડ મુદ્દે રાજકોટ બંધની સફળતાથી ભાજપ ચિંતામાં મુકાયો

Wednesday 03rd July 2024 06:21 EDT
 
 

રાજકોટઃ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સરકારે અસરકારક પગલાં ન લેતાં રાજકોટવાસીઓનો રોષ ઠંડો પડ્યો નથી. તેમાં પીડિત પરિવારોના ન્યાય માટે કોંગ્રેસે વિપક્ષ તરીકેની અસરકારક ભૂમિકા ભજવતાં રાજકોટવાસીઓ પ્રભાવિત થયા છે. આ કારણે રાજકોટ બંધને વ્યાપક સમર્થન સાંપડ્યું હતું. બંધના એલાનને સફળતા મળતાં ગુજરાત કોંગ્રેસ ગેલમાં છે, જ્યારે ભાજપના ગઢસમાન રાજકોટમાં ભાજપ માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. આ રાજકીય પરિસ્થિતિ સર્જાતાં દિલ્હીમાં ભાજપ હાઇકમાન્ડે પણ ગંભીર નોંધ લીધી છે.
રાજકોટ અગ્નિકાંડના મુદ્દે ભાજપ સરકાર બરોબરની ભેરવાઈ છે. અસરકારક પગલાં લેવાને બદલે ઢીલાશ દાખવતાં રાજ્ય સરકારની પ્રતિષ્ઠા ખરડાઈ છે.
હાઇકોર્ટે લાલ આંખ કરતાં સીટ ઉપરાંત અન્ય તપાસ કમિટીની રચના પણ કરવી પડી છે, જે સરકારની નિષ્ક્રિયતા છતી કરે છે. કોંગ્રેસે પણ આરોપ મૂક્યો છે કે, નાની માછલીઓ પકડાઈ છે, પરંતુ સરકાર મગરમચ્છોને પકડતી નથી. આ ગેમઝોન અગ્નિકાંડનો સંવેદનશીલ મુદ્દો લોકસભાની ચૂંટણી પરિણામ બાદ ગુજરાત કોંગ્રેસે ગંભીરપણે લેતાં પહેલીવાર વિપક્ષ તરીકે અસરકારક ભૂમિકા ભજવી હતી.
વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા જિજ્ઞેશ મેવાણી, સાંસદ ગેનીબહેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી સહિતના નેતાઓએ 15 દિવસ રાજકોટમાં ધામા નાખ્યા હતા. પોલીસ કમિશનર કચેરીએ ઘેરાવ કરી પીડિતોના ન્યાયની લડતનાં મંડાણ કર્યાં, જેના કારણોસર રાજકોટમાં કોંગ્રેસને જાણે શહેરીજનોનો આવકાર સાંપડ્યો હતો.


comments powered by Disqus