અગ્નિકાંડના 27 મૃતકોના પરિવાર એસોસિયેશન બનાવી લડત આપશે

Wednesday 03rd July 2024 06:21 EDT
 
 

રાજકોટઃ ટીઆરપી ગેમઝોન દુર્ઘટનામાં 27 લોકોનાં મૃત્યુ નીપજ્યા બાદ હવે ભોગ બનનારા પરિવારોએ એસોસિયેશન બનાવીને કાનૂની લડત લડવા તૈયારીઓ શરૂ કરી દીધી છે. મોરબીમાં થયેલા ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં જેમ પીડિત પરિવારોએ એક થઈને લડત આપી, તેમ હવે રાજકોટના પીડિત પરિવારો વતી વકીલ નિ:શુલ્ક કેસ લડી પરિવારોને મદદરૂપ થશે.
યુનિયનમાં જોડાઈ વકીલાતનામામાં સહી કરશે
રાજકોટના નાના મવા રોડ પર મોકાજી સર્કલ પાસે આવેલ TRP ગેમઝોનમાં 25 મેએ લાગેલી ભીષણ આગમાં 27 લોકોનાં મોત થયાં છે, જેમના પરિવારો એક યુનિયનમાં જોડાઈ વકીલાતનામામાં સહી કરશે, જેમાં પીડિત પરિવારો વતી વકીલ નરેન્દ્રસિંહ જાડેજા નિ:શુલ્ક કેસ લડવાના છે. પ્રયત્નો એવા છે કે, કેસ ઝડપથી ચાલે અને હવે સરકાર નિર્મિત SIT સાથે પીડિત પરિવારો કાનૂની લડત લડી આરોપીઓને સખત સજા થાય એવા પ્રયાસો કરશે..
તપાસમાં ત્રુટિ રહેશે તો આગળ વધીશું
એડવોકેટ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તમામ પીડિત પરિવારોને સંગઠિત કરી લડત ચલાવાશે, જેમાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવવા પણ અમારી તૈયારી છે. હાલ 10 પરિવાર એસોસિયેશનમાં જોડાવા તૈયાર છે, જ્યારે બાકીના પરિવારોને જોડવા પણ કાર્યવાહી હાથ ધરાઈ છે. હાલ પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે, અમે પોલીસ તપાસને કોઈ ખલેલ પહોંચાડવાના નથી, પરંતુ પોલીસ તપાસમાં કોઈ ત્રુટિ રહી જશે તો તેને પૂરી કરવા અમે આગળ વધીશું. કોઈપણ ગુનેગાર છટકી ન શકે અને તેનો બચાવ ન થાય તે માટે અમે આગળ વધીશું.


comments powered by Disqus