રાજકોટઃ રાજકોટમાં નિહિત બેબીકેર હોસ્પિટલના તબીબ દ્વારા આયુષ્માન યોજના દ્વારા કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ડો. હિરેન મશરૂ નવજાત બાળકોના રિપોર્ટમાં ચેડાં કરી તેમને ગંભીર બીમારી હોવાનું કહી તેમને હોસ્પિટલમાં દાખલ કરાવતો હતો, જેના દ્વારા આયુષ્માન યોજનાનો ગેરલાભ ઉઠાવી કરોડોની કમાણી કરતો હતો. જે અંતે તપાસ બાદ આરોગ્ય વિભાગે મશરૂને રૂ. 6.54 કરોડનો દંડ ફટકારી તેની હોસ્પિટલને (PMJAY) યોજનાથી બાકાત કરી દીધી છે. તપાસમાં સામે આવ્યું છે કે, ડો. મશરૂએ 116 બાળકને ખોટી રીતે દાખલ કરીને સિરિન્જ, ઇન્જેક્ષન દ્વારા યાતના આપી વધારાનું બિલ બનાવી આયુષ્માન યોજનામાં ચડાવ્યું હતું.
ખોટા રિપોર્ટ બનાવી રૂ. 2.35 કરોડથી વધુ પડાવ્યા
હોસ્પિટલ દ્વારા બાળકોના ખોટા દસ્તાવેજો આયુષ્યમાન પોર્ટલ પર મૂકી કરોડોનું કૌભાંડ આચર્યું. એ આધારે કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવ્યો છે. હોસ્પિટલના તબીબ ડો. હિરેન મશરૂએ 8 મહિનામાં 523 દર્દીના ખોટા રિપોર્ટ બનાવી રૂ. 2.35 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.