હાથરસ (ઉત્તરપ્રદેશ) - ભારતના ઉત્તરપ્રદેશ રાજ્યના હાથરસ નજીકના પુલરાઇ ગામમાં ભોલેબાબાના સત્સંગમાં ભાગદોડ મચતાં ઓછામાં ઓછા 116 લોકોના મોત થયાં હતાં અને ડઝનો લોકોને ઇજા પહોંચી હતી. નજરે જોનારા લોકોએ જણાવ્યું હતું કે, મંગળવારે રતિભાનપુર ખાતે અગાઉ સૌરભકુમાર તરીકે ઓળખાતા અને સરકાર વિશ્વ હરી ભોલે બાબાના નામથી પ્રખ્યાત આધ્યાત્મિક ગુરૂ દ્વારા સત્સંગનું આયોજન કરાયું હતું જેમાં એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ સત્સંગ સાંભળવા ઉમટી પડ્યાં હતાં. સત્સંગ સમાપ્ત થતાં જેવી ભોલેબાબાની કાર નીકળી કે શ્રદ્ધાળુઓએ તેમના ચરણસ્પર્શ કરવા પડાપડી કરી હતી જેના પગલે સર્જાયેલી ભાગદોડના કારણે આ કરૂણાંતિકા સર્જાઇ હતી. દુર્ઘટનાના અહેવાલો પ્રાપ્ત થતાં જ જિલ્લા તંત્ર અને પીએસી, એસડીઆરએફ, એનડીઆરએફની ટીમો ઘટનાસ્થળ ખાતે દોડી ગઇ હતી અને રાહત તથા બચાવનો પ્રારંભ કરી ઇજાગ્રસ્તોને હાથરસની જિલ્લા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યાં હતાં.
દુર્ઘટના પર વ્યથિત થયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના વારસો માટે રૂપિયા બે લાખ અને ઇજાગ્રસ્તો માટે રૂપિયા 50,000ની સહાય જાહેર કરી હતી. વડાપ્રધાન મોદીએ મુશ્કેલ સમયમાં પીડિત પરિવારોને તમામ પ્રકારની સહાય પૂરી પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ મૃતકોના વારસોને દિલસોજી પાઠવી દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, આ ઘટના અત્યંત દુઃખદ અને ઝંઝોડી દેનારી છે. સ્થાનિક લોકો દ્વારા ભોલે બાબાના સત્સંગનું આયોજન કરાયું હતું. તેઓ મંચ પરથી નીચે આવી રહ્યાં હતાં ત્યારે શ્રદ્ધાળુઓએ તેમના ચરણસ્પર્શ કરવા પડાપડી કરી હતી ત્યારે ત્યાં હાજર સેવાદારોએ તેમને અટકાવવાનો પ્રયાસ કરતાં દુર્ઘટના સર્જાઇ હતી. રાજ્યના 3 વરિષ્ઠ મંત્રી, મુખ્ય સચિવ અને ડીજીપી ઘટનાસ્થળ પર પહોંચ્યા છે અને તેઓ વિસ્તૃત અહેવાલ સરકારને સોંપશે.
બાબા સામે યૌનશોષણ સહિતના કેસો છે
ઉત્તર પ્રદેશના પૂર્વ ડીજીપી વિક્રમ સિંહે જણાવ્યું હતું કે હાથે કરીને આ દુર્ઘટનાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સત્સંગ સ્થળે એમ્બ્યુલન્સ તો છોડો પોલીસ, ફાયરબ્રિગેડ કે મેડિકલની કોઇ વ્યવસ્થા કરાઇ નહોતી. આ વ્યક્તિ દાવો કરી રહ્યો છે કે તે પહેલાં આઇબીમાં ફરજ બજાવતો હતો અને ત્યારબાદ તેણે વીઆરએસ લીધું હતું પરંતુ તેની સામે ઘણા કેસ ચાલી રહ્યાં છે. 100 કરતાં વધુ લોકો માર્યા ગયા છે તેની નૈતિક જવાબદારી કોણ લેશે. આ બાબા પર યૌન શોષણ સહિતના 6 કેસ ચાલી રહ્યાં છે. કાહે બાત કે બાબા, કૌન સે બાબા.....
મૃતદેહો જોઇને આઘાતમાં ફરજ પર હાજર પોલીસ સિપાઇનું મોત
ક્વિક રિસ્પોન્સ ટીમમાં ફરજ પર નિયુક્ત સિપાઇ રવિ યાદવને મૃતકોના મૃતદેહોની વ્યવસ્થાનું કામ સોંપાયું હતું. પરંતુ એકસાથે આટલા બધા મૃતદેહ જોતાં જ આઘાતના કારણે રવિ યાદવને હાર્ટ એટેક આવી ગયો હતો અને તેનું મોત થયું હતું.