11 વર્ષ બાદ ટી-20 વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં રોહિત શર્મા એન્ડ કંપનીએ ફાઇનલમાં વિજય સાથે 140 કરોડ કરતાં વધુ ભારતીયોના સ્વપ્નને સાકાર કર્યું. દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી શ્વાસ થંભાવી દેનારી આ ફાઇનલ મેચમાં ભારતનો 7 રનથી શાનદાર વિજય થયો. સમગ્ર ટુર્નામેન્ટમાં અજેય રહેલી ટીમ ઇન્ડિયાની વિજયકૂચમાં ગુજરાતના 4 ખેલાડી રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને જસપ્રીત બૂમરાહનું યોગદાન ભારતના ક્રિકેટ રસિયાઓ ક્યારેય ભૂલી શકશે નહીં. ફાઇનલ મેચમાં ભારતીય બેટિંગની નબળી શરૂઆત ટાણે અક્ષર પટેલ તારણહાર બનીને ઊભરી આવ્યો. અક્ષર પટેલે 47 રનની શાનદાર બેટિંગ કરીને ભારતનો મજબૂત પાયો નાખવામાં વિરાટ કોહલી સાથે મહત્વની ભાગીદારી નિભાવી હતી. હાર્દિક પટેલને બેટિંગમાં વધુ યોગદાન આપવાની તક મળી નહોતી પરંતુ તેણે 3 ઓવરમાં માત્ર 20 રન અને જસપ્રીત બૂમરાહે 4 ઓવરમાં માત્ર 18 રન આપીને બે વિકેટ અને અક્ષર પટેલે એક વિકેટ ખેરવી દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોની કમર તોડી નાખી હતી. આમ ભારતના 176 રનમાં 52 રન કરવાનું અને દક્ષિણ આફ્રિકાની 8 વિકેટમાંથી 6 વિકેટ મેળવવાનું મેચ વિનિંગ યોગદાન ગુજરાતના 3 ખેલાડીઓનું રહ્યું. માત્ર ક્રિકેટ જ નહીં સ્પોર્ટ્સમાં ગુજરાતી ખેલાડીઓનો દબદબો હંમેશથી રહ્યો છે ક્રિકેટ ગુજરાતીઓની પ્રિય રમત રહી છે અને ગુજરાતે જસુ પટેલ, કિરણ મોરે, નયન મોંગિયા, પાર્થિવ પટેલ, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ, અંશુમન ગાયકવાડ, દત્તાજી ગાયકવાડ, વિજય હઝારે, નરી કોન્ટ્રાક્ટર, વિનુ માંકડ, હેમુ અધિકારી, રૂસી સુરતી, સલીમ દુર્રાની, દીપક શોધન, ધીરજ પરસાણા, અશોક પટેલ, મુનાફ પટેલ, ચેતેશ્વર પૂજારા, રવિન્દ્ર જાડેજા, કરસન ઘાવરી જેવા સંખ્યાબંધ ક્રિકેટરો ટીમ ઇન્ડિયાને આપ્યાં છે. એવું નથી કે ગુજરાતીઓ ફક્ત ક્રિકેટમાં જ પાવરધા છે. બિલિયર્ડ્સના શહેનશાહ ગણાતા ગીત શેઠીને કોણ ભૂલી શકે. આ રમતમાં યોગદાન માટે તેમને રાજીવ ગાંધી ખેલરત્નથી સન્માનિત કરાયાં હતાં. રૂપેશ શાહ અને સોનિક મુલ્તાની સ્નૂકર ચેમ્પિયન રહી ચૂક્યાં છે. ગુજરાતના ગ્રાન્ડ માસ્ટર તેજસ બાકરે અને ધ્યાની દવે તો સ્કેટિંગમાં અર્જુન એવોર્ડ વિજેતાઓ ઉદયન ચીનુભાઇ, નમન પારેખના યોગદાનને કેમ ભૂલી શકાય. જિમનાસ્ટિક્સમાં અર્જુન એવોર્ડ વિજેતા કૃપાલી પટેલ, બેડમિન્ટનમાં અર્જુન એવોર્ડથી સન્માનિત પારૂલ પરમાર, અર્જુન એવોર્ડ વિજેતા પાર્થો ગાંગુલી અને અનુજ ગુપ્તા, ટેનિસમાં વૈદિક મુન્શા જુનિયર ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમી ચૂક્યા છે, કરિશ્મા પટેલે પણ આ રમતમાં પોતાનો રંગ બતાવ્યો છે. ટેબલ ટેનિસની રમતમાં પથિક મેહતા અને મલય ઠક્કરે ગુજરાતનું નામ રોશન કરવામાં કોઇ કસર બાકી રાખી નથી. એથલેટિક્સની વાત કરીએ તો રઝિયા શેખ જ્વેલિન થ્રોમાં નેશનલ રેકોર્ડ ધરાવે છે. બાબુભાઇ પણુચા વર્લ્ડ એથલેટિક્સિમાં ભાગ લેનારા પ્રથમ ગુજરાતી ખેલાડી હતા. એશિયન ગેમ્સમાં લજ્જા સ્વામી શૂટિંગમાં, પૂજા ચૌઋષિ ટ્રાયપ્લોનમાં ભારતને મેડલ અપાવી ચૂક્યાં છે. શૂટિંગમાં નાનુભાઇ સુરતી પણ આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડી રહ્યાં હતાં. સ્વિમિંગ ક્ષેત્રે સુફિયાન શેખ નવ સમુદ્ર તરવાનો વિક્રમ ધરાવે છે, પરિતા પારેખ અને વંદિતા ધારિયાલે પણ આ રમતમાં મહત્વનું યોગદાન આપ્યું છે. આમ ગુજરાતીઓ ફક્ત ક્રિકેટમાં જ નહીં પરંતુ તમામ પ્રકારની ગેમ્સમાં પોતાનો દબદબો જાળવી રહ્યાં છે.