ઘડપણમાં ફીટ રહી અધૂરા અરમાનોને મસ્ત બની મોજ-શોખથી જીવીએ

કોકિલા પટેલ Wednesday 03rd July 2024 06:12 EDT
 
 

નિવૃત્ત થયેલા મારા વાચક વડીલો, ભાઈઓ-બહેનો, આ ધરતી પર માનવજીવન મળતાં આપણે સૌએ અલ્લડ બાળપણ, જોમદાર જુવાની ભોગવી, એ પછી સાંસારિક જવાબદારીઓ પરિપૂર્ણ કરતાં કરતાં વાળમાં સફેદી દેખાવા માંડે, ચહેરા પર કરચલીઓ પડવા લાગે એટલે આપણે મનમાં વિચારીએ કે હવે ઘડપણ આવ્યું. એવા વખતે જો તમે મનથી ઘરડા થશો તો શરીર ઉપર પણ પાનખર (વૃધ્ધત્વ) દેખાશે. પરંતુ મનથી ફીટ રહો, યોગ કરો, કસરત કરો, મિત્રો બનાવો તો વૃધ્ધત્વ માણવાની મજા આવશે. હવે તો આધુનિક જીવનની તબીબી સવલતોએ તમારી જીવન દોરી વધારી છે. પહેલાંના વખતમાં અંદાજે ૬૦-૭૦ વર્ષની ઉંમરે સ્વર્ગે સિધાવી જનારાનો સમય લંબાઈને હવે ૮૫ થી ૯૫ થયો છે.
હવે આપણે તો ૬૫ના થયા, નિવૃત્ત થઇને ઘડપણ આવશે, ગોઠણિયા ઝલાશે, મોતિયા આવશે, દાંત જશે અને શારિરીક બિમારીઓ આવશે એવા નકારાત્મક વિચારોને અભરાઇ પર મૂકી તમે તમારા મનગમતા શોખ પૂરા કરો, વૃધ્ધત્વને દેખાતું ઘટાડવું હોય તો શોખને જીવતા કરો. પારિવારિક વ્યસ્તતાને કારણે ફરજો પૂરી કરતાં આપણે કંઇ કરી ના શક્યા એ અધૂરા અરમાનો-ઇચ્છાઓ પૂરી કરો. ઉંમર તો ફકત આંકડા જ છે, બાકી દિલથી યુવાન રહો, અને મસ્ત મૌલા થઇ જીવશો તો તમે ૬૫ના હશો તો પણ ૩૫ જેવા યુવાન દેખાશો. ઉતરેલી કઢી જેવો ડિપ્રેશ ચહેરો લઇ ફરનારો ૩૫-૪૦ વર્ષનો યુવાન ૭૨-૭૫ વર્ષનો દેખાય છે.એટલે જ વૃધ્ધાવસ્થામાં સદાબહાર જેવા દેખાતા લોકો અને નિવૃત્ત ઉંમર પહેલાં જ વૃધ્ધ દેખાતા લોકોમાં આ જ ફરક છે - 'એક જીવન જીવે છે અને બીજું વિતાવે છે.'
તમને થશે કે આ અઠવાડિયે ગઠરિયાની પોટલીમાંથી ઘડપણનું ડહાપણ કેમ જાગ્યું હશે?!! કારણ કે, તાજેતરમાં અમે જુવાનીને શરમાવે એવા વૃધ્ધત્વને મોજથી મહાલતું નજરે દીઠું...!! ગયા મહિને અમે આણંદ ઓવરસીઝ બ્રધરહુડ સાથે ૧૧૭ જણ ટૂનિશિયાની સહેલગાહે ગયા હતા. એમાં કોઇ ઉંમરબાધ ન હતો એટલે આ ટૃૂરમાં કેટલાક ૮૦ થી ૮૮ વર્ષનાં કાકા-બાપા ને માસીલોક જોડાયા હતા જેઓને હું વડીલો નહિ પણ જોમદાર જુવાનિયા કહી શકું.
એક અઠવાડિયાની આ હોલીડેની મોજ આ માસીલોક અને કાકાઓએ જે રીતે માણી છે એ યુવાપેઢી કદાચ ના માણી શકે. ઓલ ઇન્કલુઝીવ હોવા છતાં આ માસીલોક એમની સાથે ૨૩ કિલોના વજનમાં ગાંઠિયા, ચેવડો, ફરસી પૂરી, થેપલાં-છૂંદો, મેથીનાં ઢેબરાં, થપ્પીબંધ તીખી પૂરીઓ લઇ આવેલાં. હોટેલમાં ત્રણ ટાઇમ તાજાં ફળોનો રસ, સ્વાદિષ્ટ શાકાહારી ભોજન અને મેવા- મિઠાઇનો અન્નકૂટ ભરાતો હોય તો પણ માસીલોક ટેબલ પર ગુજરાતી ચટપટા-તીખા નાસ્તા આરોગે અને સૌને ટેબલ પર જઇ પ્રેમથી આપે. એમાં અમારાં વિમળા માસી તો મેથી-ગૂંદરવાળો અડદિયો ને મગસ પણ લઇ આવેલાં. વહેંચીને ખાવું એ તો આપણા ગુજ્જુના લોહીમાં છે એટલે વિમળામાસી અમને પણ આગ્રહ કરતાં કહે, "સવારે રોજ ઉઠીને એક અડદિયો રોજ ખાવો...હોં તો તમારા પગ દોડશે...! વિમળામાસી સાથે એમના સખીગૃપમાં શારદામાસી, લીલામાસી, સવિતામાસી અને કૈલાસમાસી જોડાયાં હતાં. માથે વાળમાં સફેદી અને મોંઢામાં બનાવટી બત્રીસી વૃધ્ધ્ત્વની ચાડી ખાતા હોય તો પણ દિલમાં જુવાનીનો શોખ પૂરો કરવા તત્પર આ માસીલોકનો જોશ જોઇ સૌ ખુશ થતા હતા. બપોરે પૂલ પાર્ટી હોય એમાં જોડાવું, વહેલી સવારે સૂર્યોદય થતો હોય એવા વખતે બીચ પર ચાલવું. સવારે ફૂલ બ્રેકફાસ્ટ કરીને હાથમાં પર્સ ભરવી સૌ સાથે આજુબાજુ જોવાલાયક સ્થળોએ જવું એ બધાનો તેઓ લાભ લેતાં.
 ટૂર આયોજકોએ હોટેલના ગ્રાઉન્ડમાં ગરબા-રાસ રાખ્યા હતા એમાં પણ આ માસીલોકે હીંચ લઇ ગરબા અને રમઝણીયાનો આનંદ માણ્યો. આ માસીલોકની જેમ વૃધ્ધત્વને આરે ઉભેલા વડીલ રમણકાકા, મનુકાકા અને રતિકાકા અને અન્ય વડીલ પણ ટૂરમાં જોડાયા હતા. આ જુવાનિયાઓ ટૂનિશિયાના દરિયામાં ન્હાયા અને સ્વીમીંગ પૂલમાં યોજાતી એરોબિક એક્સરસાઇઝમાં પણ જોડાતા. એમાં સાડાચાર ફૂટનાં અમારાં ઉત્સાહી કૈલાસમાસી પૂલમાં ડૂબી જવાની ડરે એકાદ દિવસ પાછાં પડ્યાં પણ પછી ફલોટીંગ રીંગ લઇ આપણી યુવતીઓના સથવારે પૂલમાં પડી એરોબિક એક્સરસાઇઝનો આનંદ માણ્યો. એ પછી તો વિમળામાસી સિવાય બધી સખીઓ સ્વીમીંગમાં જોડાતી.
સાંજના ડીનર પછી રાત્રે કેરીયોકિ સાથે બોલીવુડ ગીતો સાથે ડાન્સની રમઝટ થતી. એમાં લગભગ તમામ પ્રવાસીઓ ઉમંગે ભાગ લેતા અને ગીત-સંગીતનો આનંદ માણતા. એમાં આ માસીલોક પણ મોડીરાત સુધી હોલમાં આવીને બેસતા. ધમાકેદાર નવા-જૂનાં ફિલ્મી ગીતો અને પંજાબી ભાંગડાના સંગીતમાં ભલભલા નાચી ઊઠતા એમાં પેલી વડોદરામાં મળતી સફેદ સેવંતીના ફુલોની વેણી લટકતી હોય એવી પાછળ થોડીઘણી વાળની સફેદી બાકી ઉપરથી સફાચટ ટાલ કલરફૂલ લાઇટોમાં ચળકતી હોય એવા કાકા લોક તો બીયરની બાટલી સાથે ઝૂમતા. "અમિતાભ બચ્ચનજીનું "એક પંજાબણ કુડી પંજાબણ"નું ધમાકેદાર ગીત ચાલતું હતું ત્યારે આ માસીલોક સિવાય તમામ ડાન્સમાં જોડાયા. પત્રકારત્વને લીધે ઓબ્ઝર્વેશનની કરવાની મારી ટેવ એટલે સોફા ઉપર બેઠેલાં માસીલોકના પગ સંગીતના તાલે થરકતા જોઇ હું એમની અંતરેચ્છાઓને પારખી ગઇ. મેં ૮૨ વર્ષનાં કૈલાસમાસી, ૮૫-૮૬ વર્ષનાં શારદામાસી, લીલામાસી, સવિતામાસી અને ૮૮ વર્ષનાં વિમળામાસી પાસે જઇ ચાલો.... ચાલો... ડાન્સ માટે આવો.... જુઓ તમારા વખતના "ઉડે જબ જબ ઝુલ્ફે તેરી" "સો સાલ પહેલે મુજે તુમસે પ્યાર થા" મસ્ત ગીત વાગે છે. એ વખતે જાણે મારા આમંત્રણની રાહ જ જોતાં હોય એમ પાંચેય "યુવાન લેડીઓ"એ ડાન્સ ફલોર પર આવી મસ્ત ડાન્સ કર્યો એ જોઇ મને ખૂબ આનંદ થયો. મેં સવિતામાસીને કહ્યું માસી "આજે તમને જોઇ નગીનકાકા સ્વર્ગમાં ખુશ થતા હશે...! એ વખતે એમની આંખોમાં ઝળઝળીયાં આવી ગયાં.
 અમે સૌ લંડન પરત આવી રહ્યાં હતાં ત્યારે એરપોર્ટ પર ફલાઇટ મોડી હોવાથી આ વડીલમંડળ સાથે બેસીને વાત કરવાનો ચાન્સ મળ્યો. એમાં સવિતામાસી અને કૈલાસમાસીએ કહેલી આડકતરી વાતનો મર્મ હું સમજી ગઇ. આ વડીલ માસીલોકનું કહેવું હતું કે અમેય જુવાન હતા ત્યારે આફ્રિકામાં બહુ મજા કરી હતી પણ ઘરડાં થયાં એટલે ડાન્સ-બાન્સ કરીએ તો ફેમીલીવાળાં શું કહે??!! મેં જોયું કે આપણા વૃધ્ધ વડીલો ખાસ કરીને વૃધ્ધ માતાઓ દિકરા-વહુઓ કે દિકરી-જમાઇની આમાન્યા કે રોકટોકને કારણે એમના જીવનમાં રહી ગયેલા અરમાનો, મોજ-શોખને હંમેશાં મનમાં દબાવીને રાખે છે. તમે તમારી તમામ જવાબદારી નિભાવી હવે નિવૃત્ત છો, તમને સરકાર પેન્શન આપે છે તો તમે તમારી અંદરના મોજ-શોખ અને સર્જનશક્તિને જીવંત રાખો. પરિવાર, મિત્રમંડળ સાથે સતત મળો-હરો-ફરો અને તમારા ચહેરા-શરીર પર વૃધ્ધત્વને દૂર રાખો. જય હો....


comments powered by Disqus