અમદાવાદઃ કચ્છના જખૌ અને સૌરાષ્ટ્રના દ્વારકાના ખાડી વિસ્તાર ધરાવતા દરિયાકાંઠા વિસ્તારથી અફઘાની ચરસનાં પેકેટ્સ પકડાવાનો સિલસિલો શરૂ થયો છે. ચોંકાવનારી બાબત એ છે કે, આમ તો છેલ્લા દાયકાઓથી ચાલતી આ પ્રવૃત્તિ હવે માંગરોળથી પોરબંદરની દરિયાઈ પટ્ટીથી સ્થળાંતરિત થઈ વર્ષ 2018થી જખૌ અને દ્વારકાના મળી અંદાજે 140 કિલોમીટરના કાંઠાળ અને ખાડી વિસ્તારમાં કેન્દ્રિત થઈ છે. ડ્રગ્સ માફિયાઓ દરિયામાં આંતરરાષ્ટ્રીય જળસીમા આસપાસ ચરસનાં પેકેટ્સ વહાવી દે છે. જે ચોમાસાના કરંટના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના સાગરકાંઠે પહોંચે છે.
જાણકારો કહે છે કે, ચોમાસામાં માછીમારોની નાની બોટથી હેરાફેરી બંધ થતાં જૂનથી સપ્ટેમ્બર સુધી આ પ્રકારે ડ્રગ્સની હેરાફેરી કરવાનો સિલસિલો ચાલતો રહે છે. 5 જૂનથી સતત દસ દિવસમાં જખૌ અને દ્વારકા કાંઠેથી બિનવારસી હાલતમાં રૂ. 100 કરોડથી વધુ કિંમતનાં 200 જેટલાં ચરસનાં પેકેટ્સ પકડાઈ ચૂક્યાં છે.
દ્વારકાથી ચરસનાં વધુ 40 પેકેટ્સ અને જખૌ નજીકથી વધુ 61 મળી આવતાં દસ જ દિવસમાં કચ્છના જખૌ અને દ્વારકાની દરિયાઈ સીમા પર નજીક આવેલા ખાડી વિસ્તારથી રૂ. 100 કરોડથી વધુ કિંમતનાં ચરસનાં 200થી વધુ પેકેટ્સ પકડાઈ ચૂક્યાં છે. એટીએસ સહિતની એજન્સીઓ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઈ વિસ્તારથી અબજો રૂપિયાના ડ્રગ્સની હેરાફેરીના અનેક કારસા પકડી ચૂકી છે. એવામાં જૂન મહિનો આવતાં જ દરિયાકાઠાં વિસ્તારમાંથી પેકેટ્સ બિનવારસી પકડાવાનો સિલસિલો શરૂ થયો છે.
સૂત્રોનું કહેવું છે કે, આંતરરાષ્ટ્રીય જળસીથી જખૌ 89 નોટિકલ માઇલ દૂર છે. ઇન્ડિયન નેવી ભારતીય જળસીમામાં પેટ્રોલિંગ કરે છે, પરંતુ જખૌથી 89 નોટિકલ માઇલ દૂર આવેલી આંતરરાષ્ટ્રીય જળસીમામાં નેવી પ્રવેશી શકતી નથી. સામાન્ય દિવસોમાં માછીમારી કરવા માટે જતી નાની ફિશિંગ બોટ થકી આવાં ચરસનાં પેકેટ્સની હેરાફેરી થતી રહે છે, પરંતુ ચોમાસાના કારણે અરબી સમુદ્રમાં ચોમાસાનો કરંટ શરૂ થતાં 15 જૂનથી માછીમારી પર પ્રતિબંધ છે. આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી પસાર થતી અને ડ્રગ્સ માફિયાઓ સાથે સાંઠગાંઠ ધરાવતી મોટી વેસલ કે બોટથી ચરસના પેકેટ્સ આંતરરાષ્ટ્રીય જળસીમામાં વહાવી દેવાય છે. એકથી દોઢ કિલો વજનનું એક પેકેટ એવાં અઢળક પેકેટ્સ દરિયામાં એક સમયે વહાવી દેવાય છે. દરિયામાં કરંટ હોવાથી ચરસનાં આ પેકેટ્સ આપમેળે લહેરો સાથે જખૌથી માંડીને દ્વારકાના દરિયાકાંઠે પહોંચી જાય છે. ડ્રગ્સ માફિયાઓનો અભ્યાસ ત્યાં સુધી હોય છે કે, આંતરરાષ્ટ્રીય જળસીમા પાસે ફેંકી દેવાતાં આ પેકેટ્સ આપમેળે જખૌના કોઠારાથી નારાયણ સરોવર વચ્ચેના 80 કિલોમીટરમાં ક્યાંય પણ પહોંચી જશે. એ જ રીતે દ્વારકાના બરડિયા અને આસપાસના કાંઠાવિસ્તારમાં ચરસનાં પેકેટ્સ પહોંચે છે. આમ દરિયામાં વહાવી દેવાયેલાં ચરસનાં પેકેટ દ્વારકા તેમજ જખૌ પહોંચે છેે.