બ્લેક શ્વાન શું છે? બ્લેક શ્વાન એટલે એવી ઘટના જે બહુ મોટું પરિવર્તન લાગે છે. બ્લેક શ્વાન પોઝિટિવ પણ હોઈ શકે અને નેગેટિવ પણ. જેમ કે વર્ષ 2008ની અમેરિકાની મંદી અથવા તો 2020નો કોવિડ નકારાત્મક બ્લેક શ્વાન છે જયારે ઇન્ટરનેટની શોધ સકારાત્મક બ્લેક શ્વાન છે. આ રીતના બ્લેક શ્વાન જેવી ઘટનાઓ આપણા જીવનમાં પણ બનતી હોય છે - ભલે તેનું મહત્ત્વ સમાજ કે દુનિયા માટે એટલું મહત્ત્વનું ન હોય પરંતુ તમારા માટે તો તે બ્લેક શ્વાન હોઈ શકે.
બ્લેક શ્વાન જેવી ઘટનાઓ સામાન્ય રીતે ઓચિંતી જ બનતી હોય છે પરંતુ તેની અસરમાંથી બહાર નીકળવામાં ઘણો સમય લાગી જાય છે. જેમ કે, કોવિડ આવ્યો ત્યારે તેને ફેલાતા બહુ સમય ન લાગ્યો પરંતુ તેની અસરમાંથી બહાર નીકળતા તો ત્રણ વર્ષ લાગ્યા. ઘણા લોકો તો હજુ પણ તેની અસર ભોગવી રહ્યા છે. તેવું જ આપણા જીવનમાં પણ થતું હોય છે. કોઈ એવી ઘટના બને છે જે બને તો અચાનક પરંતુ તેની
અસર ભોગવવાં માટે ઘણો સમય તૈયારી રાખવી પડે છે.
કોઈ વ્યક્તિના લગ્નજીવનમાં અચાનક તિરાડ પડે અને તેને છુટા પડવાનો વારો આવે તો તેને કારણે મોટો આંચકો લાગી શકે. બાળકોના જીવનમાં અને પોતાના સામાજિક જીવનમાં પણ તેની અસર થાય છે. આર્થિક ઝાટકો પણ લાગી શકે. પરંતુ આ સૌથી વધારે ભાવનાઓને ઠેસ પહોંચે તેની અસર અવર્ણનીય હોય છે. તેમાંથી બહાર આવવું મુશ્કેલ હોય છે. જેમ દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે તેમ આવી રીતે જેની લાગણીને ઝાટકો લાગ્યો હોય તે બીજા દરેક સંબંધોને પણ શંકાથી
જુએ છે. બીજા લોકોની નજીક આવતા તેને ડર લાગે છે.
આવા બ્લેક શ્વાન જેવા પ્રસંગોને પહેલાથી જાણી શકાય કે કેમ તે પ્રશ્નનો જવાબ ઘણા લોકો આપવાની કોશિશ કરે છે. જ્યોતિષી લોકો તો આગાહી પણ કરે. રાજકારણમાં પણ વિશ્લેષકો પોતાના અનુમાન વ્યક્ત કરે છે. પરંતુ વાસ્તવમાં આ બધું કેટલી હદે અનુમાનિત કરી શકાય તે પણ એક પ્રશ્ન છે. આવનારી ચૂંટણીનું પરિણામ શું આવશે તેના અંગે આગાહી કરવામાં અને રાજકીય વિસ્ફોટ જેવી ઘટના બનવાની હોય તેની ભવિષ્યવાણી કરવામાં ઘણો ફરક છે. ક્યારેક જો સમયસર ચેતવણી મળી જાય તો ઘણી મદદ થઇ જાય. આપણે આવનાર બનાવ માટે માનસિક, શારીરિક અને આર્થિક રીતે તૈયાર રહી શકીએ.
ક્યારેક એવું બને કે આપણને બ્લેક શ્વાન જેવી ઘટના બને તેના પહેલા જ થોડા સંકેતો મળવા માંડે છે. જેમ કે, ડિવોર્સ થવાના હોય તે પહેલા જ સંબંધ બગાડવાની શરૂઆત થઇ જતી હોય છે. આવા સમયે જ આપણે આવનારી ઘટના માટે માનસિક રીતે તૈયાર થઇ જઈએ તો શક્ય છે કે તે બનાવ બનતો અટકાવી શકાય અથવા તો તેને કેવી રીતે હેન્ડલ કરવો તે સમજી શકાય. તેનાથી આવનારી ઘટનાની અસર ઓછી તો ના થાય પરંતુ તેને કારણે આપણે પોતાની જાત માટે કોઈક પ્રકારનું આવરણ તૈયાર કરી શકીએ જેથી અસરને સારી રીતે ઝીલી શકાય.
શું તમારા જીવનમાં પણ કોઈ આવા બ્લેક શ્વાન કહી શકાય તેવા પ્રસંગો બન્યા છે, જેની અસર બહુ લાંબા સમય સુધી જીવનમાં રહી હોય? તે વખતે તમે કેટલા તૈયાર હતા? શું તમને શંકા થઇ ગયેલી કે એવું કઈ બનવાનું છે? શું ભવિષ્યમાં ફરીથી કોઈ બ્લેક શ્વાન પ્રસંગ તમારા જીવનમાં આવવાનો હોય, પોઝિટિવ કે નેગેટિવ, તો તેને પહેલાથી અનુમાનિત કરવા તમે તૈયાર છો? તેને કેવી રીતે સાંભળશો તેના અંગે તમે કોઈ તૈયારી કરી શકો ખરા? આ પ્રકારના પ્રશ્નો પોતાની જાતને પૂછવાથી આપણે બેદરકારીથી બહાર આવી શકીએ અને જીવનને સારી રીતે સમજતા અને તેની અસરને ઝીલતા શીખી શકીએ.
(અભિવ્યકત મંતવ્યો લેખકના અંગત છે.)