ટી-20 વર્લ્ડકપમાં દર્શાવાયેલા તમામ દેશના ધ્વજ સુરતમાં તૈયાર કરાયા હતા

Wednesday 03rd July 2024 06:21 EDT
 
 

સુરતઃ અમેરિકામાં રમાઈ ગયેલી ટી-20 વર્લ્ડકપની તમામ મેચ સાથે સુરતનું ખૂબ મહત્ત્વનું કનેક્શન સામે આવ્યું છે. વર્લ્ડકપની મેચની શરૂઆતમાં પ્રત્યેક દેશની ટીમના રાષ્ટ્રગીત સાથે દર્શાવાતા વિશાળ રાષ્ટ્રધ્વજનું નિર્માણ સુરતમાં કરાયું છે. રિસાઇકલ પ્લાસ્ટિક યાર્નમાંથી તૈયાર કરાયેલા તમામ દેશોના રાષ્ટ્રધ્વજનું નિર્માણ સુરતમાં થયું છે. આઇસીસીના યુનિટ ફ્લેગથી માંડીને વર્લ્ડકપમાં ભાગ લેનારી તમામ 20 ટીમના રાષ્ટ્રધ્વજ મળી કુલ 29 મહાકાય ધ્વજ સુરતમાં તૈયાર કરીને વાયા મુંબઈ થઈને એરકાર્ગો મારફતે અમેરિકા મોકલાયા હતા.
20 મીટર બાય 35 મીટરના ક્ષેત્રફળ ધરાવતા એક ધ્વજનું સરેરાશ વજન 150 કિલો થાય છે. આઇસીસી ટી-20 વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની અને ત્યારબાદ પ્રત્યેક મેચની શરૂઆતમાં મેદાનમાં વિશાળ કદના બંને ટીમના રાષ્ટ્રધ્વજ દર્શાવાય છે, જેમાં આઇસીસીનો યુનિટ ફ્લેગ પણ સાથે પ્રદર્શિત થાય છે. બંને દેશોના રાષ્ટ્રગીતને સન્માન આપવાની એક સેરેમની યોજાય છે. આ સેરેમનીમાં દર્શાવાતા તમામ દેશોના નેશનલ ફ્લેગ સુરતમાં તૈયાર થયા છે.
સુરતમાં તોતિંગ સાઇઝના ફ્લેગને તૈયાર કરનારા પ્રવીણ ઓવરસીઝના પ્રવીણ ગુપ્તાએ કહ્યું કે, આઇસીસી ટી-20 વર્લ્ડકપમાં કોકાકોલા સ્પોન્સર છે. કોકાકોલાએ ગણેશા ઇકોસ્ફિયરને ઇકો ફ્રેન્ડલી ફેબ્રિક તૈયાર કરીને તેમાંથી વિશાળ સાઇઝના ફ્લેગ બનાવવાનું કામ સોંપ્યું હતું. ગણેશા ગ્રૂપે અમને રિસાઇકલ પ્લાસ્ટિકમાંથી બનાવેલું યાર્ન મોકલ્યું અને અમે તેમાંથી સુરતના પાંડેસરામાં જ કાપડ વણાટ કરીને ત્યાં જ તેની ઉપર ડિજિટલ પ્રિન્ટિંગની મદદથી 20 ટીમ અને આઇસીસીના યુનિટ ફ્લેગ મળી કુલ 29 વિશાળ ફ્લેગ તૈયાર કર્યા છે.
પ્રવીણભાઈ ઉમેરે છે કે, તમામ 20 દેશના ફ્લેગની સાઇઝ 35 મીટર બાય 24 મીટર છે, જ્યારે આઇસીસીના રાઉન્ડ યુનિટ ફ્લેગની સાઇઝ 15 મીટર બાય 15 મીટરની છે. પ્રત્યેકનું વજન સરેરાશ 150 કિલો જેટલું છે. એટલે અમે અહીંથી જે એરકાર્ગોમાં પાર્સલ રવાના કર્યું તે લગભગ 3500 કિલોનું થયું હતું. અમને આ ધ્વજ તૈયાર કરવામાં એક મહિનાનો સમય લાગ્યો હતો.


comments powered by Disqus