લંડનઃ બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર રિશી સુનાકે તેમની પત્ની અક્ષતા મૂર્તિની સાથે નિસડન ટેમ્પલના હુલામણા નામથી જાણીતા લંડનસ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની શનિવાર 29 જૂન 2024ના રોજ મુલાકાત લીધી હતી. મંદિરના સ્વામીશ્રીઓ તેમજ BAPS UK અને યુરોપના વરિષ્ઠ નેતાગણે પરંપરાગત હિન્દુ પદ્ધતિએ તેમનું સ્વાગત કર્યું હતું. સુનાક અને અક્ષતાએ મંદિરની મુલાકાત દરમિયાન મૂર્તિઓને આદર આપવા સાથે પરંપરાગત હિન્દુ કળા અને સ્થાપત્યની પ્રશંસા કરી હતી. સુનાક દંપતીએ મંદિરના ગર્ભગૃહમાં અંગત પ્રાર્થના કરવા ઉપરાંત, શ્રી નીલકંઠ વર્ણીની મૂર્તિને અભિષેક પણ કર્યો હતો.
તેઓએ BAPSના વોલન્ટીઅર્સને મળવામાં સમય વીતાવ્યો હતો અને તેમના દ્વારા સંચાલિત મંદિરના સખાવતી અને કોમ્યુનિટી કાર્યો વિશે પણ ચર્ચા કરી હતી. સુનાક અને અક્ષતા મૂર્તિ કેટલાક યુવાન સ્વયંસેવકોની નિષ્ઠાથી પ્રભાવિત થયાં હતાં. આ પછી તેઓ સાંજના ધર્મસભામાં હાજરી આપવા પ્રાર્થનાખંડમાં ગયા હતા.
પ્રાઈમ મિનિસ્ટર સુનાકે સભાજનોને સંબોધતા ‘મંદિર અને તેની કોમ્યુનિટી દ્વારા બ્રિટનને અપાતાં યોગદાન’ તેમજ BAPS સ્વામિનારાયણ હિન્દુ અનુયાયીઓના વૈશ્વિક ગુરુ ‘પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજના નેતૃત્વ અને પ્રેરણા’ને આદરાંજલિ અર્પી હતી.’ મહંત સ્વામી મહારાજે સુનાક અને તેમના પરિવાર માટે પાઠવેલા વીડિઓ સંદેશામાં જણાવ્યું હતું કે, ‘હું યુનાઈટેડ કિંગ્ડમની પ્રજા માટે પ્રાર્થના કરું છું કે તેઓ બધાને શાંતિ અને સમૃદ્ધિ, સંવાદિતા અને સફળતાના આશીર્વાદ પ્રાપ્ત થાય.’ આ વીડિઓ ધર્મસભા સમક્ષ દર્શાવાયો હતો.
યુકે અને યુરોપમાં BAPSના વડા સ્વામી યોગવિવેકદાસ સ્વામીએ સ્વાગત પ્રવચનમાં ભારતમાં 2022માં શતાબ્દી મહોત્સવ દરમિયાન પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને વીડિઓ થકી અંજલિ પાઠવવા બદલ પ્રાઈમ મિનિસ્ટર પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ગત વર્ષે નવી દિલ્હીમાં G20 શિખર પરિષદ દરમિયાન પ્રાઈમ મિનિસ્ટરે સ્વામિનારાયણ અક્ષરધામની લીધેલી મુલાકાતને પણ યાદ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ‘બ્રિટિશ હિન્દુઓ તરીકે અમે આ મહાન દેશે અમને જે તકો આપી છે તે બદલ હંમેશાં ભારે આભારી રહીશું. અમે યુનાઈટેડ કિંગ્ડમની સફળતાઓ ઊજવીને તેમજ તેની પ્રગતિમાં યોગદાન આપતા રહીને આ ઋણ વાળવા ઈચ્છીશું.’
સુનાકે આ મુલાકાત વિશે કેટલીક છાપ દર્શાવતા મંદિરની અદ્ભૂત સુંદરતા, કોમ્યુનિટીની વિશિષ્ટ શક્તિથી અભિભૂત થઈ ગયાનું જણાવી કહ્યું હતું કે યુવા પેઢીને તેમની કોમ્યુનિટીની સેવા અને સપોર્ટ કરવાની પ્રેરણા આપવામાં નિસડન મંદિર જીવંત અને ઉજ્જ્વળ ઉદાહરણ છે. તેમણે કહ્યું હતું કે, ‘પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ નૈતિક સ્પષ્ટતાનું દર્શન કરાવી ઘણા માટે પ્રેરણાસ્વરૂપ છે. આપણા બધાના જીવન સંઘર્ષો અને પડકારો છવાયેલા હોય ત્યારે આગળ વધવા માટે મહંત સ્વામી મહારાજ જેવા કોઈ સમક્ષ શક્તિ અને હિંમત માટે નજર નાખી શકાય તે મારા મતે ઘણી મદદરૂપ બાબત ગણાય.
નિસડન મંદિરની મુલાકાત દરમિયાન સુનાકને પેરિસમાં નવનિર્માણ થઈ રહેલા BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરની યોજનાની માહિતી અપાઈ હતી. આ પ્રોજેક્ટ સંબંધે સુનાકે ઉમેર્યું હતું કે, ‘પેરિસનું મંદિર વિવિધ આસ્થાઓની કોમ્યુનિટીઓ એક સાથે આવે અને અરસપરસને સમજે તેને સુનિશ્ચિત કરશે. આવા પ્રોજેક્ટ્સ આપણને સહિષ્ણુ, સમાવેશી અને સર્વસ્વીકૃત સમાજોમાં રહેવામાં મદદરૂપ બની રહેશે.’
યુકેમાં BAPSના ટ્રસ્ટી સંજય કારાએ પ્રાઈમ મિનિસ્ટર નિસડન ટેમ્પલ ખાતે બ્રિટિશ હિન્દુઓની સ્થાનિક કોમ્યુનિટી સાથે જોડાયા તેને ગૌરવ ગણાવ્યું હતું. તમામ પશ્ચાદભૂ સાથેની યુવાન પેઢીઓ જાહેર સેવામાં સક્રિયપણે સંકળાય તેવી પ્રેરણા આપવા બદલ તેમના આભારી હોવાનું જણાવી આ મહાન રાષ્ટ્રની સફળતાનો માર્ગ પ્રશસ્ત નીવડે તેવી પ્રાર્થના પણ કરી હતી.
અમારે પાર્લામેન્ટમાં અમીતની જરૂર છેઃ રિશી સુનાક
પ્રાઈમ મિનિસ્ટર રિશી સુનાક અને તેમના પત્ની અક્ષતા મૂર્તિએ બોબ બ્લેકમેન, કેમિલા રોબર્ટસન અને અમીત જોગીઆની સાથે નીસ્ડન મંદિરની મુલાકાત લીધી હતી. સુનાકે સાંધ્યસભામાં આપેલા પ્રવચનમાં અમીત જોગીઆનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. સુનાકે જણાવ્યું હતું કે,‘ આનંદ છે કે અમીત જોગીઆ પણ અહીં હાજર છે. તમે જાણો છો તેમ નાના બાળક તરીકે અમીતનો ઉછેર પણ આ મંદિરની આસપાસ જ થયો છે પરંતુ, તેણે મારા માટે ડાઉનિંગ સ્ટ્રીટમાં પણ કામ કર્યું છે. તમે જાણો છો તેમ તે પાર્લામેન્ટમાં અદ્ભૂત મેમ્બર બની શકશે. તે ભારે મહેનતુ છે. તમારામાંથી ઘણા તેને આગામી દિવસોના ઈલેક્શનમાં ચૂંટી લાવશો તો મને અને અક્ષતાને ભારે આનંદ થશે. કારણકે અમારે પાર્લામેન્ટમાં અમીતની જરૂર છે.’
અમીત જોગીઆ હેન્ડોન પાર્લામેન્ટ મતક્ષેત્ર માટે કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર છે. તેમણે કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના કો-ચેરમેન સહિતના પદો પર સેવા અને લોર્ડ ડોલર પોપટની ટ્રેડ એન્વોય તરીકે કામગીરીમાં પણ સપોર્ટ આપ્યો છે. અમીતે 2014માં હેરોમાં કેનન્સ વોર્ડના સૌથી યુવાન કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવવા સાથે રાજકીય કારકિર્દીનો આરંભ કર્યો હતો. બ્રિટિશ રાજકારણ અને કોમ્યુનિટી સંવાદિતા માટે નોંધપાત્ર યોગદાનની કદર કરી અમીત જોગીઆને 2022માં MBE ઈલકાબથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે પ્રાઈમ મિનિસ્ટર રિશી સુનાકના રાજકીય સલાહકાર તરીકે કામ કર્યું છે.