ગોધરાઃ નીટ પરીક્ષા ષડયંત્રની તપાસ કરી રહેલી સીબીઆઇ ટીમે જય જલારામ સ્કૂલના મુખ્ય ટ્રસ્ટી અને ચેરમેન દીક્ષિત પટેલની ધરપકડ કરી છે.
સીબીઆઇ 4 આરોપીની કસ્ટડી મેળવ્યા બાદ સઘન પૂછપરછ કરી રહી છે. નીટ પરીક્ષા ષડયંત્રના ગુનાની તપાસમાં શનિવારે સીબીઆઇની ટીમોએ વડોદરા, અમદાવાદ, આણંદ અને જય જલારામ સ્કૂલ પરીક્ષા કેન્દ્ર ખાતે તપાસ કરી હતી. આ ઉપરાંત જય જલારામ સ્કૂલનાં શિક્ષિકા અને એક શિક્ષકના ઘરે સર્ચ કર્યું હતું. શિક્ષિકાને સર્કિટ હાઉસ ખાતે બોલાવી પૂછપરછ કરાઈ હતી.
બીજી તરફ સીબીઆઇની ટીમે જય જલારામ સ્કૂલના સંચાલક અને ચેરમેન દીક્ષિત પટેલના રતનપુર કાંટડી તેમજ આણંદના નિવાસસ્થાને પણ સર્ચ કર્યું હતું. આણંદના નિવાસસ્થાને દીક્ષિત પટેલની લાંબી પૂછપરછ કર્યા બાદ ગોધરા સર્કિટ હાઉસ ખાતે લવાયા હતા, જ્યાં મોડી સાંજે દીક્ષિત પટેલની પરીક્ષા ષડયંત્ર ગુનામાં ધરપકડ કરી હતી. જે બાદ ગોધરા કોર્ટની સૂચનાથી સીબીઆઇની ટીમે દીક્ષિતના રિમાન્ડ અમદાવાદ સીબીઆઇ સ્પેશિયલ કોર્ટથી મેળવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. સીબીઆઇની ટીમ દ્વારા સાતમા દિવસે કસ્ટડી મેળવવામાં આવેલા તુષાર ભટ્ટ, આરિફ વોરા, પુરુષોત્તમ શર્મા અને વિભોર આનંદની સઘન પૂછપરછ કરાઈ હતી.
પરીક્ષાર્થીના પેપર નિષ્ણાતોએ લખ્યા હતા
ગોધરાની જય જલારામ શાળામાં લાખો રૂપિયા લઈને નીટ પરીક્ષાર્થીઓનાં પેપર નિષ્ણાતોએ લખ્યાં હતાં. પેપર પેક કરવા માટે ફાળવાયેલા અડધા કલાકમાં જ મોટા ખેલ પડ્યા હતા, જે સવાલના જવાબ ન આવડે તે કોરા રાખવા વિદ્યાર્થીઓને કહેવાયું હતું, એ પછી નિષ્ણાતોએ તે જગ્યા ભરી દીધી હતી.