હિંમતનગરઃ પાલનપુરના ખસા ગામે ગરીબ શ્રમિક પરિવારની એક બાળકી સ્કૂલે ગયા વગર જ હિન્દીમાં વાતો કરતી હોવાથી પરિવાર સહિત ગ્રામજનો પણ આશ્ચર્યમાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે, અભણ પરિવાર પાસે ઘરમાં ટીવી કે સ્માર્ટફોન જેવી કોઈ સુવિધા નથી, તેમજ શાળાનાં પગથિયાં હજુ ચડી નથી તેવી નાની દીકરી દક્ષા ફટાફટ હિન્દીમાં વાતો કરે છે. તેનું કહેવું છે કે, આ તેનો પુનર્જન્મ છે. આ પહેલાં તે કચ્છના અંજારમાં હતી, જેમાં મકાનના ધાબાનો સ્લેબ તેના પર પડતાં તે મૃત્યુ પામી હોવાનું પણ જણાવી રહી છે.
ભારતભરમાં હાથવણાટની ચાદરો, પછેડિયો અને રૂમાલના કારણે પ્રખ્યાત પાલનપુર તાલુકાનું ખસા ગામ હવે 5 વર્ષની બાળકી તેના પુનર્જન્મની વાતો હિન્દીમાં કરતાં ગામ ફરીથી પ્રખ્યાત બન્યું છે. ખસા ગામે વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા ગામના જેતાજી ઠાકોરને સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ છે, જેમાં સૌથી નાની 5 વર્ષની દીકરી દક્ષા બોલતાં શીખી ત્યારથી હિન્દીમાં વાતો કરે છે. જો કે તેનાં માતા ગીતાબહેન પણ નિરક્ષર હોઈ તેમને દીકરીની વાતોમાં કંઈ ગતાગમ પડતી નથી. જો કે અભણ પરિવારની અને શાળામાં પણ મૂક્યા વગર 5 વર્ષની દીકરી હિન્દી બોલવા લાગતાં સૌ આશ્ચર્યમાં મુકાયા છે.
બાળકીએે કહ્યું હતું કે, ‘ભગવાને મને અહીં મોકલી છે. હું માતા-પિતા સાથે અંજારમાં હતી, જ્યાં ભૂકંપ વખતે ધાબું પડતાં હું મરી ગઈ હતી. ફાંકડું હિન્દી બોલતી દક્ષા અંગ્રેજી માધ્યમમાં ભણી સૈન્યમાં જોડાઈ દુશ્મનોને નાની યાદ કરાવી દેવાનાં સપનાં જોઈ રહી છે.
મેરે પિતા કેક બનાતે થે: દક્ષા
ખસા ગામની 5 વર્ષની કિશોરી દક્ષા હિન્દીમાં વાતો કરતાં જણાવે છે કે, ‘મૈ અંજાર કી હું, મેરે પિતા કેક બનાને કા કામ કરતે થે, મેરે માતા-પિતા ઔર એક-એક ભાઈ-બહેન થે. મુજે બહેન કી યાદ આ રહી છે, જહાં ભૂકંપ મેં મેરી મોત હુઈ થી. દક્ષાની માતાએ જણાવ્યું હતું કે, દક્ષા હિન્દીમાં વાત કરતી હોવાથી મને કંઈ ખબર પડતી જ નથી.
પુનર્જન્મ થવાનું રટણ કરે છેઃ પિતા
ખસા ગામના જેમલજી ઠાકોરે જણાવ્યું હતું કે, મારી 5 વર્ષની દીકરી દક્ષા અમારી સાથે હિન્દીમાં વાત કરતી, જેથી અમને અલગ લાગતું પણ તેણે પુનર્જન્મની વાત કરી અને અંજારમાં ભૂકંપ દરમિયાન તેનું મોત થયું હોવાનું રટણ કરતી હતી, જેથી અમે તેની વાતને સાચી માની.
બાળકીની કલેક્ટરે મુલાકાત કરી
બાળકી સાથે જિલ્લા કલેક્ટરે મુલાકાત કરી હતી, જેમાં કલેક્ટરે પૂછેલા તમામ પ્રશ્નોના કડકડાટ હિન્દીમાં જવાબ આપતાં કલેક્ટર પણ તેની વાણીને જોઈ અચરજ પામ્યા હતા. કલેક્ટરે તેને શિક્ષણ પૂરી પાડવા હાકલ કરી હતી, તેમજ પુનર્જન્મ અંગે તપાસ કરી રહ્યા છે.