આણંદઃ એસઓજીએ મંગળવારે આણંદ-વિદ્યાનગર રોડ પર આવેલી ઓવરસીઝની ઓફિસથી રાજ્યની વિવિધ શૈક્ષણિક સંસ્થાની બનાવટી 90 માર્કશીટ તથા સર્ટિફિકેટ બનાવી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ અંગે પોલીસે અમદાવાદના એક શખ્સને ઝડપી કૌભાંડમાં સંડોવાયેલા અન્ય બે શખ્સને ઝડપવા તપાસ હાથ ધરી છે.
આણંદ-વિદ્યાનગર રોડ પરના કોમ્પ્લેક્સના ચોથા માળે કાર્યરત્ એસપી સ્ટડી પ્લાનર એલએલપી ઓવરસીઝમાં અમદાવાદનો સિદ્ધિક શાહ નામનો શખ્સ વિદેશ જવા ઇચ્છતા ગ્રાહકોને બનાવટી માર્કશીટ, દસ્તાવેજો બનાવી વિદેશના વિઝા મેળવી વિદેશ મોકલવાની ઓફિસ ચલાવતો હોવાની બાતમી આણંદ એસઓજીને મળી હતી.
જેના આધારે એસઓજીએ એસપી સ્ટડી ઓવરસીઝ ખાતે દરોડો પાડ્યો હતો, જેમાં સિદ્ધિક ઉર્ફે રિકી રશ્મિકાંત શાહ મળ્યો હતો. ઉપરાંત તેની કેબિનમાંથી વિદેશ જવા ઇચ્છુક ગ્રાહકોના સર્ટિફિકેટ તથા દસ્તાવેજ મળ્યા હતા. સિદ્ધિક શાહની પૂછપરછ કરતાં વિવિધ સરકારી શૈક્ષણિક સંસ્થાઓનાં સર્ટિફિકેટ તથા માર્કશીટ પણ બનાવટી હોવાનું ખૂલ્યું હતું.
આ તમામ સર્ટિફિકેટો, માર્કશીટો અને દસ્તાવેજો તે જરૂરિયાત મુજબ અમદાવાદના ભાવિન પટેલ અને વડોદરાના મેહુલ રાજપૂત નામના શખ્સ પાસેથી કુરિયર મારફતે મેળવતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે અલગ-અલગ શૈક્ષણિક સંસ્થાના અલગ-અલગ ગ્રાહકોના નામવાળી કુલ-90 માર્કશીટ તથા દસ્તાવેજો જપ્ત કરાયા હતા.