બાલાસિનોરઃ મહિસાગર જિલ્લાના બાલાસિનોર શહેરના એક જ પરિવારના ત્રણ યુવાનોને નોકરી આપવાના બહાને બેંગકોક એરપોર્ટ પરથી અજાણ્યા વ્યક્તિઓ દ્વારા બંદૂક બતાવી અપહરણ કરવામાં આવ્યું. છે. બાલાસિનોરમાં રહેતા ફેઝલભાઈ શબ્બીરભાઈ શેખ, સકલેન શબ્બીરભાઈ શેખ અને વસીમ ઇસ્માઇલભાઈ શેખ નામના એક જ પરિવારના ત્રણ યુવાનો 14 માર્ચે યુરોપના અર્મેનિયા નોકરી કરવા ગયા હતા.
અર્મેનિયામાં ત્રણ યુવકોનો અન્ય વ્યક્તિ સાથે સંપર્ક થતાં અજાણી વ્યક્તિએ વધુ નાણાં કમાવવા હોય તો થાઇલેન્ડમાં નોકરી હોવાનું જણાવ્યું હતું. વધુ નાણાં કમાવાની લાલચમાં ત્રણેય યુવાનો 25 જૂને ભારત ખાતે આવ્યા હતા અને 26 જૂને અમદાવાદ એરપોર્ટથી થાઇલેન્ડ ગયા હતા.
થાઇલેન્ડ પહોંચ્યા બાદ ત્રણેય યુવાનોના કોઈ સમાચાર ન આવતાં પરિવારજનો ચિતિંત બન્યા હતા. ત્રણ દિવસ બાદ 28 જૂને ઇન્ટરનેટ પરથી પરિવારજનો પર અજાણી વ્યક્તિનો કોલ આવ્યો હતો કે, તમારા માણસો ફસાઈ ગયા છે.
એરપોર્ટથી બંદૂકધારી લોકો ગાડીમાં બેસાડીને મ્યાનમાર બોર્ડર પર ક્રોસ કરીને અંદર લઈ ગયા છે, તેમજ મોબાઇલ ફોન, પાસપોર્ટ સહિતની વસ્તુઓ પણ લઈ લીધી છે. આવો મેસેજ મળતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને સ્થાનિક ધારાસભ્ય સહિત સરકારને અરજી કરી છે.