નડિયાદઃ વડતાલ સંપ્રદાયના હરિભક્તોએ કેટલાક સ્વામીઓના કારણે સંપ્રદાય બદનામ થતો હોવાની બાબતે ઉગ્ર વિરોધ કર્યો હતો. ગુરુવારે સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા 12 જેટલા મુદ્દાને ટાંકીને અંદાજિત 400થી વધુ હરિભક્તોએ રેલી કાઢીને નડિયાદ કલેક્ટરને આવેદન આપ્યું હતું, તેમજ ધૂન બોલી વિરોધ કર્યો હતો.
કલેક્ટરને આવેદનમાં રજૂઆત કરાઈ કે, સ્વામિનારાયણ સંપ્રદાયને પોતાનું બંધારણ છે અને તે અનુસાર વર્તવા સંપ્રદાયના ત્યાગી સાધુઓ, પાર્ષદો, ગૃહસ્થ હરિભક્તો સહિતના તમામ બંધાયેલા છે. સાધુઓ ભગવાં વસ્ત્રો માત્ર પહેરે છે પણ સ્થાપેલા સિદ્ધાંતો મુજબ વર્તન કરતા નથી. દ્રવ્યનો સંગ્રહ કરવો નહીં તેવી આજ્ઞા હોવા છતાં ખાનગી સંસ્થા ગુરુકુળો બનાવી સંપત્તિ એકઠી કરે છે. આ સિવાય સ્ત્રીથી દૂર રહેવાની આજ્ઞા છતાં કેટલાક ભગવા વસ્ત્રની આડમાં દુષ્કર્મ આચરી ચારિત્ર્યહીન પ્રવૃત્તિ કરે છે. આ સિવાય વેધક પ્રશ્ન પૂછયો હતો કે, સગીર પોતે કરાર કરવા સમજ ધરાવતા નથી તેને દીક્ષા આપીને કેવી રીતે સાધુ બનાવી શકાય.