ગુજરાત સમાચારનો આ અંક વાચકો સુધી પહોંચશે ત્યાં સુધીમાં 4 જુલાઇના રોજ સંસદની ચૂંટણીનું મતદાન સમાપ્ત થઇ ગયું હશે અને બ્રિટનની ભાવિ સરકાર કોણ રચશે તે પણ સ્પષ્ટ થઇ ચૂક્યું હશે. અત્યાર સુધીમાં જારી થયેલા તમામ ઓપિનિયન પોલ સર કેર સ્ટાર્મરના નેતૃત્વ હેઠળની લેબર પાર્ટીને પ્રચંડ બહુમતી આપી રહ્યાં છે પરંતુ છેલ્લા 14 વર્ષથી બ્રિટનમાં શાસનની ધૂરા સંભાળી રહેલી કન્ઝર્વેટિવ પાર્ટીના વર્તમાન વડાપ્રધાન રિશી સુનાક સહેલાઇથી હાર માનવા તૈયાર નથી. પોતાના 18 મહિનાના શાસનકાળમાં રિશી સુનાકે મહદ્દ અંશે આપેલા વચનોનું પાલન કરી બતાવ્યું છે તેનો કોઇ ઇનકાર કરી શકે તેમ નથી. ઓક્ટોબર 2022માં સુનાક લિઝ ટ્રસને હટાવીને વડાપ્રધાન બન્યાં ત્યારે તેમણે બ્રિટનની જનતાને પાંચ વચન આપ્યાં હતાં. તેમાંથી 3 વચનના પાલનમાં તેઓ મહદ્દ અંશે સફળ રહ્યાં છે અને આ સફળતાના આધારે જ તેઓ બ્રિટનના ભાવિ માટે મતદારો પાસે મત માગી રહ્યાં છે. ઓક્ટોબર –ડિસેમ્બર 2022ના સમયગાળામાં બ્રિટનમાં ફુગાવાનો દર લગભગ 11 ટકાને આંબી ગયો હતો ત્યારે સુનાકે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસથી પીડાતી જનતાને વચન આપ્યું હતું કે, હું ફુગાવાનો દર બેન્ક ઓફ ઇંગ્લેન્ડના 2.0 ટકાના લક્ષ્યાંક પર લાવી બતાવીશ. અને તેમણે આ કામ કરી બતાવ્યું છે. મે 2024માં ફુગાવાનો દર 2.0 ટકા પર આવી ગયો હતો. લિઝ ટ્રસના હારાકિરી સમાન મિની બજેટના કારણે ગર્તામાં ધકેલાઇ ગયેલા બ્રિટિશ અર્થતંત્રને બેઠું કરવાનું વચન સુનાકે આપ્યું હતું. સુનાક અને જેરેમી હન્ટની ટીમે અપનાવેલી નીતિઓના કારણે 2024ના પ્રથમ ત્રિમાસિકમાં બ્રિટિશ અર્થતંત્ર મંદીમાંથી બહાર આવી ગયું હતું. જી-7 દેશોમાં સૌથી વધુ વૃદ્ધિદર બ્રિટનનો નોંધાયો હતો. રિશી સુનાકે ગેરકાયદેસર માઇગ્રેશન અને નેટ ઇમિગ્રેશન ઘટાડવાને પણ પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું હતું જેમાં ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતી નાની હોડીઓ અટકાવવા, રવાન્ડા યોજના અંતર્ગત રાજ્યાશ્રય વાંચ્છુઓને આફ્રિકન દેશમાં મોકલી આપવા સહિતના વચનો અપાયાં હતાં. સુનાકે યુરોપિયન સંઘના માનવ અધિકાર નિયમોની પરવા કર્યા વિના સંસદમાં રવાન્ડા એક્ટ પસાર કરાવવામાં સફળતા હાંસલ કરી પરંતુ નાની હોડીઓ અટકાવવામાં તેઓ સફળ થઇ શક્યાં નથી. ચૂંટણી જાહેર થવાના કારણે હવે તેમની રવાન્ડા યોજના પણ અદ્ધરતાલ બની છે જોકે સુનાક સરકાર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ, હેલ્થ અને સોશિયલ કેરમાં આવતા વિદેશીઓના આશ્રિતોને યુકેમાં લાવવા પર પ્રતિબંધ મૂકીને નેટ ઇમિગ્રેશન ઘટાડવાનો પ્રયાસ જરૂર કર્યો છે. આમ આ મોરચે સુનાકને 50 ટકા જેટલી સફળતા હાંસલ થઇ છે. સુનાકની સૌથી મોટી નિષ્ફળતા એનએચએસમાં વેઇટિંગ લિસ્ટ ઘટાડવામાં, સગીરોમાં ધુમ્રપાન પર પ્રતિબંધ લાદવા, નેટ ઝીરો પોલિસીઓ અમલી બનાવવામાં રહી છે. આમ વડાપ્રધાન તરીકે સુનાકની કામગીરીને 100માંથી 50 ગુણ આપી શકાય પરંતુ સુનાકે આવનારી સરકાર માટે કામગીરી સરળ બને તેનો પાયો તો તૈયાર કરી જ દીધો છે. જો લેબર સરકાર સત્તામાં આવશે તો તેને આર્થિક મોરચે સુનાક જેટલા પડકારોનો સામનો કરવો પડશે નહીં. રિશી સુનાક વડાપ્રધાન બન્યા ત્યારની ડામાડોળ સ્થિતિ અને આજની સ્થિતિ વચ્ચે મોટો તફાવત છે અને તે જ રિશી સુનાકની સિદ્ધી ગણી શકાય. રિશી સુનાકે કદાચને આ સિદ્ધીઓને પગલે જ જુલાઇમાં ચૂંટણી કરાવવાનો જુગાર રમ્યો છે. હવે મતદારો પર આધાર છે કે તેઓ રિશી સુનાકની આ સિદ્ધીઓને કેવી રીતે મૂલવે છે. કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ હળવી બનતાં તેના લાભ જનતા સુધી પહોંચ્યાં જ છે ત્યારે લેબરના પરંપરાગત મતદારોને બાદ કરતાં અનિર્ણિત મતદારો સુનાકની સિદ્ધીઓના આધારે મતદાન કરે તો નવાઇ નહીં. જ્યાં સુધી મતપેટીઓ નહીં ખૂલે ત્યાં સુધી સુનાક માટે પણ તકો તો રહેલી જ છે. પરિણામ ભલે ગમે તે આવે પરંતુ રિશી સુનાકના આત્મવિશ્વાસને તેમના કટ્ટર વિરોધીઓ પણ દાદ આપશે જ.....