સંક્ષિપ્ત સમાચાર (દેશવિદેશ)

Friday 05th July 2024 05:22 EDT
 
 

મેધા પાટકરને પાંચ માસની જેલ - દંડ
‘નર્મદા બચાવો આંદોલન’ના અગ્રણી મેધા પાટકરને માનહાનિના કેસમાં 5 મહિનાની જેલની સજા અને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. દિલ્હીની સાકેત કોર્ટે દિલ્હીના લેફ્ટેનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના દ્વારા દાખલ કરાયેલા અપરાધિક માનહાનિના કેસમાં સામાજિક કાર્યકર્તાને આ સજા ફટકારી છે. મેધા પાટકર પર લેફ્ટનન્ટ ગવર્નર વિરુદ્ધ પ્રેસ રિલીઝ જારી કરવાનો અને આમ જનતામાં તેમની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવાનો આરોપ હતો. ચુકાદા બાદ મેધાએ કહ્યું છે કે સત્યને ક્યારેય પરાજિત કરી શકાશે નહીં. મેં કોઈને બદનામ કરવા પ્રયાસ કર્યો નથી.

•••

અલગતાવાદી સાંસદને શપથ લેવા મંજૂરી
એનઆઈએએ જેલમાં બંધ કાશ્મીરના નેતા એન્જિનિયર અબ્દુલ રાશિદ શેખને સાંસદ તરીકે શપથ લેવાની મંજૂરી આપી છે. અબ્દુલ રાશિદ શેખ એન્જિનિયર રાશિદના નામે ઓળખાય છે અને લોકસભા ચૂંટણીમાં બારામૂલા સીટ પરથી નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લાને હરાવી અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા છે. રાશિદ 2019થી તિહાડ જેલમાં બંધ છે. તેમની સામે ટેરર ફંડિંગનો આરોપ છે.

•••
ત્રણ નવા ફોજદારી કાયદાનો અમલ શરૂ
ભારતમાં વડાપ્રધાન મોદીનાં વડપણ હેઠળની સરકાર અનેક પ્રકારનાં સુધારા તેમજ પરિવર્તન કરી રહી છે ત્યારે પહેલી જુલાઈથી આખા દેશમાં ત્રણ નવા કાયદા અમલમાં આવ્યા છે. કાયદાનાં કલેવર અને કલમોનાં ધરખમ ફેરફારો કરાયા છે. અંગ્રેજોનાં જમાનાથી લાગુ કાયદાને સરકાર દ્વારા તિલાંજલિ અપાઇ છે. ઈન્ડિયન પીનલ કોડ (આઇપીસી)નું સ્થાન હવે ત્રણ નવા કાયદાએ લીધું છે. જેમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમનો સમાવેશ થાય છે.

•••
બાબા બર્ફાનીના દર્શને ભક્તો ઉમટ્યા
અમરનાથ યાત્રાના પ્રથમ દિવસે 1100થી વધુ શ્રદ્ધાળુઓએ અમરનાથ ગુફા મંદિરમાં બાબા બર્ફાનીના સવારે 11 વાગ્યે દર્શન કર્યા હતાં. 52 દિવસ લાંબી અમરનાથ યાત્રાનો ગયા શનિવારથી પ્રારંભ થયો છે અને 19 ઓગસ્ટે રક્ષાબંધન અને શ્રાવણ પૂર્ણિમાના તહેવારો સાથે સમાપ્ત થશે.

•••

પાક.માં ગુરુદ્વારાના નિર્માણનો વિરોધ
પાકિસ્તાનના ફૈસલાબાદમાં અલ્પસંખ્યકો ઉપર અત્યાચારનો વધુ એક બનાવ સામે આવ્યો છે. હકીકતમાં પાકિસ્તાનના પંજાબની સરકારે ફૈસલાબાદમાં ગુરૂદ્વારા બનાવવાની મંજૂરી આપી હતી. જોકે મુસ્લિમ સમુદાય દ્વારા ભારે વિરોધ થઇ રહ્યો છે. તેઓ હિંદુઓ અને શીખો સામે ગુસ્સો ઠાલવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ છે. જેમાં સ્થાનિક મુસ્લિમ સમુદાય 76 વર્ષથી બંધ પડેલા ગુરૂદ્વારાના પુન:નિર્માણનો વિરોધ કરતા નજરે પડે છે.

•••

ફ્રાન્સમાં ચૂંટણીઃ મેક્રોન પાછળ
ફ્રાન્સમાં સંસદીય ચૂંટણી માટે રવિવારે થયેલા પહેલા તબક્કાના મતદાનમાં જમણેરી મરીન લી પેનની પાર્ટી નેશનલ રેલી (આરએન)ના નેતૃત્વમાં જમણેરી ગઠબંધન 34 ટકાની લીડ સાથે પ્રથમ સ્થાને રહી હતી. ડાબેરી ગઠબંધન 28 ટકા મત સાથે બીજા ક્રમે છે, જ્યારે રાષ્ટ્રપતિ મેક્રોનની રેનેસાં પાર્ટી (20 ટકા) ત્રીજા સ્થાને પહોંચી છે. રવિવારે પરિણામ જાહેર થયા બાદ રાષ્ટ્રપતિ મેક્રોનની પાર્ટી રેનેસાંના હજારો કાર્યકરો સડકો પર ઉતરી આવ્યા હતા. તેઓએ રિપબ્લિક સ્ક્વેર સામે ઉગ્ર પ્રદર્શન કરીને આગચંપી કરી હતી.


    comments powered by Disqus